અમદાવાદ, 2 જુલાઈ, 2026 : 600 grams of gold looted near Ahmedabad airport શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ બહાર દિલ્હીના વેપારીનું દૂબઈથી લવાયેલું 600 ગ્રામ સોનું કેરિયર દ્વારા વેપારીના બે માણસોને ડિલિવરી કરાયા બાદ તેઓ ચાલતા જઈ રહ્યા હતા ત્યારે કારમાં આવેલા શખસોએ બંનેને કારમાં બેસાડીને પોલીસની ઓળખ આપી સોનુ લૂંટી લીધું હતું. ત્યારબાદ ગાંધીનગર એપોલો સર્કલ તરફ બ્રિજ પાસે લઈ જઈને બંનેને ઉતારીને ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં એરપોર્ટ પોલીસ દ્વારા ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
આ બનાવની વિગત એવી છે કે, ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના ટાંડા ખાતે જુનેદ આરીફ નામનો વ્યક્તિ રાઇસ મીલ ધરાવે છે અને તેનો તમામ વ્યવહાર દિલ્હીથી ચાલે .છે દિલ્હી ખાતે નયા બજારની આબીદ જવેલર્સના માલિક આબીદ સાથે ઓળખાણ છે. મૂળ ગોધરાના રહેવાસી અરબાઝ અને તેની માતા સાથે દુબઈથી મોકલવામાં આવતા કપડાના વેપાર ધંધા સાથે પણ જુનેદ જોડાયા હતા. ગઈ તા. 23 જૂનના રોજ અરબાઝે કહ્યું હતું કે, તમે કપડાનો ધંધો કરો છો તેના કરતા સોનાની ખરીદી કરો તો તમને સારા એવા પૈસા મળશે. જેથી જૂનેદે કહ્યું હતું કે સોનામાં કેટલા પૈસા મળે ત્યારે અરબાઝે તેને સો ગ્રામ સોનું ખરીદો તો 1.16 લાખ રૂપિયા નફો મળશે તેવી વાત કરી હતી. જુનેદે નફાની લાલચમાં દુબઈથી 600 ગ્રામ સોનુ મંગાવ્યું હતું. તા. 27 જૂનના રોજ મામા તેમજ માસીના દીકરા હારીશ અને ઐવેશ બંનેને અમદાવાદ ટ્રાવેલ્સ મારફતે સોનું લેવા માટે મોકલ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી બંનેને સોનુ આપવા અનવર નામનો માણસ આવવાનો હતો જેનો ફોટો પણ મોકલી આપ્યો હતો. વહેલી સવારે 5:00 વાગ્યે એરપોર્ટ પહોંચી ગયા હતા અને સાત વાગ્યાની આજુબાજુ અનવર પાસેથી 600 ગ્રામ સોનું મેળવી લીધું હતું. બંને ચાલતા ચાલતા સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે આવ્યા હતા. ત્યારે એક કાર આવીને ત્યાં ઊભી કરી દીધી હતી. બંને શખસોએ તેઓને ગાડીમાં બેસાડી દીધા હતા. ત્યારબાદ દરવાજા બંધ કરી દીધા હતા. પીછો કરતી મહિલા પણ એક ગાડીમાં બેસીને આવી ગઈ હતી. બંને શખસોને પૂછતાં તેમણે કહ્યું હતું કે, અમે પોલીસમાંથી છીએ જેના કારણે ગભરાઈ ગયા હતા અને ગાડી ગાંધીનગર એપોલો બ્રિજ તરફ લઈ ગયા હતા. રસ્તામાં બંનેને માર માર્યો હતો જે કંઈ પણ હોય એ આપી દેવા કહ્યું હતું અને પેન્ટના ખિસ્સામાં રહેલા 600 ગ્રામ સોનાની લૂંટ કરી દીધી હતી. આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં 600 ગ્રામ સોનાના લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.


