1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લગ્ન પૂર્ણ કરીને પરત ફરી રહેલા કલોલના પરિવારને માલવણ પાસે નડ્યો અકસ્માત, બેના મોત
લગ્ન પૂર્ણ કરીને પરત ફરી રહેલા કલોલના પરિવારને માલવણ પાસે નડ્યો અકસ્માત, બેના મોત

લગ્ન પૂર્ણ કરીને પરત ફરી રહેલા કલોલના પરિવારને માલવણ પાસે નડ્યો અકસ્માત, બેના મોત

0
Social Share

સુરેન્દ્રનગરઃ  અમદાવાદથી કચ્છ જવા માટે મુખ્ય ધોરી માર્ગ ગણાતા નેશનલ હાઈવે પર અકસ્માતનું પ્રમાણ વધતુ જાય છે. હાઇવે પર માલવણ નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અખિયાણા પાસે પૂરઝડપે આવી રહેલી ઇનોવા કાર ડિવાઇડરમાં ઘૂસી જતાં બે જણાના મોત થયાં હતા, જ્યારે ઇનોવા ગાડીમાં સવાર અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં વધુ સારવાર અર્થે અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા.  કલોલનો પટેલ પરિવાર કચ્છમાંથી સમૂહ લગ્નોત્સવમાં વિધિ પતાવીને લગ્નની જાન પરત લઇને કલોલ પરત ફરી રહ્યો હતો એ દરમિયાન અકસ્માત સર્જાતાં લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો હતો.

સૂત્રોમાંથી આ ગમખ્વાર અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે કે, ગત રાત્રિના પોણાબાર વાગ્યાના સુમારે પટેલ પરિવાર કચ્છમાંથી સમૂહ લગ્નોત્સવમાં વિધિ પતાવીને લગ્નની જાન પરત લઇને કલોલ જઇ રહ્યો હતો. ત્યારે માલવણ હાઇવે પરના અખિયાણા ગામ પાસે આવેલી શિવશક્તિ હોટલ નજીક ઓવરબ્રિજ પાસે રાત્રિના અંધારામાં પૂરઝડપે જઈ રહેલી ઇનોવા કારના ચાલક વિનોદ દેવજીભાઇ પટેલે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં બેકાબૂ બનેલી કાર ડિવાઇડરને ટક્કર મારી રોડની બીજી સાઇટ પર આવી જતાં ઈનોવા કારનો ફુરચો બોલી ગયો હતો.

આ અકસ્માતની ઘટનામાં ગાડીમાં સવાર વરરાજાના દાદા અને વરરાજાના નાના એટલે કે બંને વેવાઇઓનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને 108 એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદની સેલ્બી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં બજાણા પોલીસ મથકના સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ બંને બન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે હાઇવે પર સર્જાતા ગમખ્વાર અકસ્માતનો સૌથી વધુ ભોગ ગાડીનો ચાલક બનતો હોય છે. ત્યારે માલવણ હાઇવે પર ઇનાવો કારના સર્જાયેલા અકસ્માતમાં ઈનોવા કારમાં સવાર બે વેવાઇના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ગાડીમાં સવાર અન્ય 3 વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માતમાં નંદાસણ ગામના ડ્રાઇવર વિનોદ દેવજીભાઇ પટેલનો આબાદ બચાવ થયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code