પાકિસ્તાનનું પાણી ક્યારે સંપૂર્ણપણે બંધ થશે? કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કર્યો મોટો ખુલાસો
નવી દિલ્હી, 3 જૂન 2026: એક કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પાકિસ્તાન તરફ વહેતા પાણીને રોકવા અને સિંધુ જળ સંધિ અંગે ભારત સરકારના કડક વલણની સ્પષ્ટતા કરી હતી. પહલગામ આતંકી હુમલા બાદ ભારતે આતંકવાદ અને વાટાઘાટોને અલગ ન રાખવાની નીતિ અપનાવીને પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનું મોટું પગલું ભર્યું હતું. જ્યારે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને પૂછવામાં આવ્યું કે ભારત ક્યાં સુધીમાં પાકિસ્તાનનું પાણી સંપૂર્ણપણે બંધ કરી દેશે? તેના જવાબમાં તેમણે સ્પષ્ટ કર્યું, “પાકિસ્તાનનું પાણી તો રોકી દેવામાં આવ્યું છે. હાલમાં આપણી પાસે આટલા મોટા જથ્થામાં પાણીનો સંગ્રહ કરવાની પૂરતી વ્યવસ્થા નથી, પરંતુ તેના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી બે વર્ષમાં જ્યાં પણ પાણીની અછત છે ત્યાં આ રોકાયેલું પાણી પહોંચાડવામાં આવશે. ખાસ કરીને આ પાણી હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને દિલ્હીમાં અપાશે. યમુના નદીના પ્રદૂષણ અંગે બોલતા તેમણે કહ્યું કે આજે યમુનામાં પૂરતું પાણી નથી એટલે તે વધુ ગંદી લાગે છે, તેમાં વધુ પાણી છોડવાની જરૂર છે. સી.આર. પાટીલે ભારપૂર્વક કહ્યું કે, જળ સુરક્ષા હવે માત્ર વિકાસનો વિષય નથી રહ્યો, પરંતુ તે રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક નીતિનો એક મહત્વનો ભાગ બની ગયો છે. સરકાર આ સમગ્ર મુદ્દા પર “દીર્ઘકાલીન અને રાષ્ટ્રીય હિત” ને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે.
-
દેશમાં લગભગ 12 કરોડ શૌચાલય બનાવવામાં આવ્યા
વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં ૮ લાખ કરોડ રૂપિયાની ‘નલ સે જલ’ યોજના અમલમાં આવી. દેશની તમામ નદીઓને સ્વચ્છ કરીને તેને મોટી નદીઓ સાથે જોડવાનું આયોજન છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેશમાં લગભગ 12 કરોડ શૌચાલય બનાવવામાં આવ્યા છે, જેના કારણે 60 કરોડ લોકોની આદતોમાં સકારાત્મક બદલાવ આવ્યો છે. જો આપણે 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવું હોય, તો ઘરમાં શૌચાલય અને નળથી જળ હોવું એ પ્રાથમિક શરત છે. જળ જીવન મિશન હેઠળ અત્યાર સુધીમાં દેશના 16 કરોડ ઘરો સુધી નળ દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે. ભૂતકાળમાં ઘણી વાર “નળ છે પણ જળ નથી” તેવી ફરિયાદો આવતી હતી. આ સમસ્યાને ઉકેલવા સરકારે PM ગતિશક્તિ પ્લેટફોર્મ પર પાઇપલાઇન નેટવર્કને મેપ કરીને ટેકનોલોજી આધારિત મોનિટરિંગ સિસ્ટમ તૈયાર કરી છે.
-
ભારતમાં દર વર્ષે લગભગ ચાર હજાર BCM વરસાદ પડે છે
આ યોજનાનો સૌથી મોટો ફાયદો ગ્રામીણ મહિલાઓને થયો છે. અગાઉ લગભગ 9 કરોડ મહિલાઓને દૂર-દૂરથી પાણી લાવવા માટે લાંબુ અંતર કાપવું પડતું હતું, પરંતુ હવે તેમના સમય અને મહેનત બંનેની બચત થઈ રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટને ટાંકીને મંત્રીએ જણાવ્યું કે જળ જીવન મિશને લોકોના સ્વાસ્થ્ય અને જીવનધોરણમાં મોટો સુધારો કર્યો છે. જળ સંકટ અંગે વાત કરતા પાટીલે જણાવ્યું કે, ભારતમાં દર વર્ષે લગભગ ચાર હજાર BCM (બિલિયન ક્યુબિક મીટર) વરસાદ પડે છે. આપણી સૌથી મોટી સમસ્યા પાણીની અછત નહીં, પરંતુ તેનું યોગ્ય ‘મેનેજમેન્ટ’ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સરકાર જળ સંરક્ષણ, વૈજ્ઞાનિક સર્વેક્ષણ અને રિવર લિંકિંગ પ્રોજેક્ટ્સ પર ઝડપથી કામ કરી રહી છે.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નદીઓને જોડવાના સપનાને પીએમ મોદીના નેતૃત્વમાં આગળ વધારવામાં આવી રહ્યું છે. આ યોજનાથી 10 લાખ હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ માટે પાણી મળશે. રાજસ્થાનની જળ સમસ્યાને કાયમી ધોરણે હલ કરવા માટે આ પ્રોજેક્ટ પર યુદ્ધના ધોરણે કામ ચાલુ છે.


