ખાતરથી લદાયેલા 15 ભારતીય જહાજો હોર્મુઝની સામુદ્રધુની પાર કરી સુરક્ષિત રીતે રવાના
નવી દિલ્હી, 6 જુલાઈ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને દરિયાઈ તણાવ વચ્ચે ભારતે એક મોટી વ્યૂહાત્મક અને કૂટનીતિક સફળતા મેળવી છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે ભારત માટે રાસાયણિક ખાતર અને કાચો માલ લઈને આવી રહેલા કુલ 15 જહાજો અત્યંત સંવેદનશીલ ગણાતી ‘હોર્મુઝની સામુદ્રધુની’ ને સુરક્ષિત રીતે પાર કરી ચૂક્યા છે. નિર્ધારિત સમયપત્રક મુજબ આ જહાજો ભારતીય દરિયાકાંઠે પહોંચવાની સાથે જ દેશમાં ખાતરના સ્ટોકમાં મોટો વધારો થશે, જેનાથી આગામી ખેતીની સીઝનમાં દેશના ખેડૂતોને મોટી રાહત મળશે.
પશ્ચિમ એશિયામાં શરૂ થયેલા સંઘર્ષને કારણે સમગ્ર વિશ્વની સપ્લાય ચેઈન ખરાબ રીતે પ્રભાવિત થઈ છે તેવું જણાવતા કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવ આસમાને પહોંચ્યા અને માલ પહોંચવાનો સમય પણ વધી ગયો હતો. ભારત પણ આ વૈશ્વિક સંકટથી અછૂત નહોતું અને કાચા માલની અવિરત સપ્લાયમાં અનેક પડકારો આવ્યા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં ભારત સરકાર શરૂઆતથી જ સતર્ક અને તૈયાર હતી, જેના કારણે દેશમાં ખાતરની અછત થવા દીધી નથી.
-
વિદેશોમાં કાર્યરત 28 ભારતીય મિશનોની સક્રિય ભૂમિકા
આ સમગ્ર કટોકટી વ્યવસ્થાપનમાં વિદેશોમાં આવેલા 28 ભારતીય દૂતાવાસો અને હાઈકમિશનોએ અત્યંત મહત્વની ભૂમિકા ભજવી છે. આ મિશનોએ સંભવિત ઉત્પાદકો અને સપ્લાયર્સ સાથે સીધો સંપર્ક સાધીને ખાતર વિભાગને સક્રિય સહયોગ આપ્યો હતો. યુરિયાની આપૂર્તિ માટે ઓમાન, મલેશિયા, વિયેતનામ, જ્યોર્જિયા, નાઇજીરિયા, રશિયા, ફિનલેન્ડ, ઇજિપ્ત, અલ્જીરિયા, તુર્કી અને નેધરલેન્ડ્સ પાસેથી સફળતાપૂર્વક વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે DAP અને NPK ખાતર માટે લાલ સમુદ્ર માર્ગ દ્વારા રશિયા, મોરોક્કો, ઇજિપ્ત, અમેરિકા, જોર્ડન, દક્ષિણ કોરિયા, ટ્યુનિશિયા અને સાઉદી અરેબિયાથી સપ્લાય સુનિશ્ચિત કરાઈ છે.
હાલમાં ભારત તરફ આવી રહેલા માલવાહક જહાજોની વિગત જોઈએ તો, 8 જહાજોમાં 3.32 LMT યુરિયા, 4 જહાજોમાં 2.57 LMT ડીએપી અને 3 જહાજોમાં 1.11 LMT સલ્ફર ભારત આવી રહ્યું છે. આ ઉપરાંત અન્ય 5 જહાજો પણ ભારત માટે નિર્ધારિત છે, જેમાંથી એક જહાજમાં 0.25 LMT એમોનિયા અને બીજા એક જહાજમાં 0.45 LMT યુરિયા લોડ છે, જ્યારે બાકીના જહાજો પર લોડિંગની પ્રક્રિયા ચાલુ છે.
બીજી તરફ, સરકારે સ્થાનિક ઉત્પાદન વધારવા પર પણ મોરચો સંભાળ્યો છે. ખાતરના કારખાનાઓ માટે કુદરતી ગેસની ઉપલબ્ધતા જે ઘટીને 65 ટકા થઈ ગઈ હતી, તેને સરકારે ફરીથી 100% કરી દીધી છે, જેના પરિણામે દેશના તમામ યુરિયા પ્લાન્ટ હવે તેની પૂર્ણ ક્ષમતા સાથે ચાલી રહ્યા છે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક એટલે કે એપ્રિલથી જૂન ગાળામાં 67.86 LMT ના લક્ષ્યાંકની સામે કુલ 71.55 LMT યુરિયાનું બમ્પર ઉત્પાદન નોંધાયું છે, જે લક્ષ્યાંક કરતાં 3.69 LMT વધુ છે. આ સમયગાળામાં એપ્રિલમાં 20.98 LMT, મે મહિનામાં 25.19 LMT અને જૂનમાં 25.37 LMT યુરિયાનું ઉત્પાદન થયું હતું.
-
નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિકના આંકડા
આવી જ રીતે DAP ના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં 8.61 LMT ના લક્ષ્યાંક સામે કુલ 9.84 LMT ડીએપીનું ઉત્પાદન થયું છે, જે લક્ષ્યાંક કરતાં 1.23 LMT વધુ છે. આ જ સમયગાળા દરમિયાન NPK ખાતરનું કુલ સ્થાનિક ઉત્પાદન 20.77 LMT અને SSP નું કુલ ઉત્પાદન 13.50 LMT નોંધાયું છે. આયાત અને સ્થાનિક ઉત્પાદનના શ્રેષ્ઠ સમન્વયને કારણે આજે દેશમાં ખાતરનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા વર્ષભર માટે અંદાજિત 383.9 LMT ની જરૂરિયાત સામે 197.56 LMT ખાતરનો સ્ટોક અગાઉથી જ સુરક્ષિત કરી લેવામાં આવ્યો છે, જે કુલ વાર્ષિક જરૂરિયાતના 51% કરતા પણ વધુ છે. આ આયોજનને કારણે આગામી કૃષિ સીઝનમાં ખેડૂતોને કોઈ પણ અડચણ વિના ખાતર સરળતાથી મળી રહેશે.
—
Fertilizer Supply India, Strait of Hormuz Indian Ships, JP Nadda Chemical and Fertilizer Ministry, Urea and DAP Production 2026, India Fertilizer Stock, West Asia Conflict Impact on India, Chemical fertilizer supply, Strait of Hormuz, JP Nadda, Urea and DAP production


