1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડભોઈના પારાગામ નજીક ઓરસંગ નદીમાં માછીમારી કરી રહેલા વૃદ્ધનો મગરે કર્યો શિકાર
ડભોઈના પારાગામ નજીક ઓરસંગ નદીમાં માછીમારી કરી રહેલા વૃદ્ધનો મગરે કર્યો શિકાર

ડભોઈના પારાગામ નજીક ઓરસંગ નદીમાં માછીમારી કરી રહેલા વૃદ્ધનો મગરે કર્યો શિકાર

0
Social Share

વડોદરા, 6 જુલાઈ, 2026 : Elderly man mauled to death by a crocodile while fishing in the Orsang River. જિલ્લાના ડભોઇ તાલુકાના પારાગામ નજીક ઓરસંગ નદીના કિનારે માછીમારી કરવા ગયેલા એક વૃદ્ધ પર મગરે હુમલો કરતા વૃદ્ધનું  ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા. ફાયર વિભાગ, પોલીસ તેમજ વન વિભાગને પણ આ બનાવની જાણ કરવામાં આવી હતી. દરમિયાન ડભોઇ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી સહિત તળાવો તેમજ મહિસાગર, ઓરસંગ સહિત જિલ્લાની અન્ય નદીઓમાં પણ મગરો જોવા મળે છે. હાલ ચોમાસાની ઋતુ હોવાથી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં પાણીની આવક વધતા જળચર જીવો પણ કિનારા સુધી આવી રહ્યા છે. પારાગામ નજીક ઓરસંગ નદીમાં બઝારીયા નાયક નામના વૃદ્ધ માછીમારી કરવા માટે ગયા હતા. તે સમયે નદીના પાણીમાંથી બહાર આવેલા વિશાળકાય મગરે અચાનક તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં વૃદ્ધને બચવાની તક પણ મળી ન હતી અને ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં નદી કિનારે એકઠા થઈ ગયા હતા. લોકોએ તાત્કાલિક વન વિભાગને આ બાબતે જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડભોઇ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

ગ્રામજનોના કહેવા મુજબ ભૂતકાળમાં પણ ઓરસંગ નદીમાં અનેકવાર ગ્રામજનો અને પશુઓ પર મગરો દ્વારા હુમલા કરવામાં આવ્યા છે. નદી કિનારે વસવાટ કરતા લોકો હંમેશા ભયના ઓથાર હેઠળ જીવે છે. વહીવટીતંત્ર દ્વારા નદી કિનારે સાવચેતીના બોર્ડ લગાવવા અને જોખમી મગરોને પકડીને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code