1. Home
  2. ગુજરાતી
  3. ઋષિકેશ AIIMSનો દીક્ષાંત સમારોહ: ઉપરાષ્ટ્રપતિએ સ્નાતકોને રાષ્ટ્ર નિર્માણ-માનવતાની સેવા કરવા આહવાન કર્યું
ઋષિકેશ AIIMSનો દીક્ષાંત સમારોહ: ઉપરાષ્ટ્રપતિએ સ્નાતકોને રાષ્ટ્ર નિર્માણ-માનવતાની સેવા કરવા આહવાન કર્યું

ઋષિકેશ AIIMSનો દીક્ષાંત સમારોહ: ઉપરાષ્ટ્રપતિએ સ્નાતકોને રાષ્ટ્ર નિર્માણ-માનવતાની સેવા કરવા આહવાન કર્યું

0
Social Share

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: ભારતના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આજે ઉત્તરાખંડના ઋષિકેશ સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે યુવા તબીબોને સંબોધતા જણાવ્યું હતું કે, આ પદવી માત્ર વર્ષોની મહેનતનું પરિણામ નથી, પરંતુ સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની એક મોટી જવાબદારીની શરૂઆત છે.

હિમાલયના પ્રવેશદ્વાર અને આધ્યાત્મિક કેન્દ્ર ઋષિકેશના મહત્વનો ઉલ્લેખ કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, આવા પવિત્ર વાતાવરણમાં દીક્ષાંત સમારોહ યોજવો એ સ્નાતકો માટે આત્મચિંતન અને પરિવર્તનની મહત્વપૂર્ણ તક છે. તેમણે સ્નાતકોને તેમની વ્યાવસાયિક ફરજો અત્યંત સમર્પણ અને સેવાના ભાવ સાથે નિભાવવા આગ્રહ કર્યો હતો.

મહામારીના પડકારો વિશે વાત કરતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે રસીકરણ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે. 140 કરોડ નાગરિકોને મફત રસી આપીને ભારતે આરોગ્યસંભાળની સમાન પહોંચ સુનિશ્ચિત કરી છે. તેમણે ગૌરવ સાથે ઉમેર્યું કે, ભારતીય વૈજ્ઞાનિકોએ નફા માટે નહીં પરંતુ માનવતાના કલ્યાણ માટે રસી વિકસાવી છે. ‘રસી મૈત્રી’ પહેલ દ્વારા 100થી વધુ દેશોને મદદ કરીને ભારતે “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનાને સાર્થક કરી છે.

ઉપરાષ્ટ્રપતિએ AIIMS ઋષિકેશની પ્રશંસા કરતા કહ્યું કે, આ સંસ્થા ક્લિનિકલ કેર અને સંશોધનમાં શ્રેષ્ઠતાનું મોડેલ બની છે. ખાસ કરીને દૂરના વિસ્તારો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં મોટી ભૂમિકા. તેમજ ચાર ધામ યાત્રા અને અંતરિયાળ વિસ્તારોમાં દવાઓ પહોંચાડવા માટે હેલિકોપ્ટર ઇમરજન્સી મેડિકલ સર્વિસ અને ડ્રોનનો ઉપયોગ ક્રાંતિકારી છે.

ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં ઉત્તરાખંડમાં થઈ રહેલા માળખાગત વિકાસની પ્રશંસા કરી હતી. તેમણે દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવે અને રાજ્યમાં આરોગ્ય સેવાઓના સુધારાને પ્રોત્સાહક ગણાવ્યા હતા. તેમણે ભાર મૂક્યો હતો કે સુશાસનનો ખરો અર્થ લોકોની જરૂરિયાતોને સમજીને તેમની સેવા કરવી તે છે.

અંતમાં ઉપરાષ્ટ્રપતિએ સ્નાતકોને શીખ આપી હતી કે તબીબી વ્યવસાય એ માત્ર કારકિર્દી નથી પણ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય છે. તેમણે યુવા ડોક્ટરોને હંમેશા સહાનુભૂતિ, પ્રામાણિકતા અને સેવાના મૂલ્યોથી પ્રેરિત રહેવા અને નિવારક સંભાળ તેમજ ગ્રામીણ ક્ષેત્રોમાં યોગદાન આપવા હાકલ કરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code