અહો આશ્ચર્યમ્! દિલ્હીના પોલીસ કોન્સ્ટેબલે પ્રમોશન લેવાનો કર્યો ઈનકાર, કેમ?
નવી દિલ્હી, 12 માર્ચ, 2026 – નોકરી કરતા લોકો હંમેશા તેમના ક્ષેત્રમાં આગળ વધીને પ્રમોશન મેળવવા માગતા હોય છે. પ્રમોશનની સાથે પ્રતિષ્ઠા અને પગાર વધારો પણ મળતો હોય છે. પરંતુ ક્યારેક સમાજમાં એવાં ઉદાહરણ જોવા મળે છે જે સૌને આશ્ચર્યમાં મૂકી દે. આવો જ એક કિસ્સો દિલ્હીમાં પ્રકાશમાં આવ્યો છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના પોલીસ વિભાગમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેના વિશે સાંભળીને અધિકારીઓથી લઈને સામાન્ય લોકો સુધીના તમામ હેરાન છે. દિલ્હી પોલીસના એક સબ ઈન્સ્પેક્ટરનો પત્ર ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે એસઆઈ સાહેબની માગણી જ કંઈક એવી છે. સબ ઈન્સ્પેક્ટરે પોતાના પ્રમોશનને પાછું ખેંચવાની અપીલ કરી છે. પોલીસ અધિકારીની અપીલ છે કે તેમને ડિમોશન આપીને ફરીથી કોન્સ્ટેબલ બનાવી દેવામાં આવે.
આ પણ વાંચોઃ ઈરાન સંકટ પર એક્શનમાં મોદી સરકાર: અમિત શાહના નેતૃત્વમાં સ્પેશિયલ-3 કમિટીની રચના
દિલ્હી પોલીસના સબ ઈન્સ્પેક્ટરની અજીબોગરીબ વિનંતીથી પોલીસ વિભાગ સ્તબ્ધ થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના ઉત્તર પૂર્વી જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાં તૈનાત પોલીસ સબ ઈન્સ્પેક્ટરે તાજેતરમાં પોતાના ઉચ્ચ અધિકારીઓ સામે એક વિનંતી કરી. વિનંતી એવી હતી જેણે અધિકારીઓને પણ આશ્ચર્યમાં મૂકી દીધા. એક સબ ઈન્સ્પેક્ટર પોતાની પદોન્નતિ (પ્રમોશન) પાછી ખેંચવા માંગે છે.
કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા SI
ખરેખર, આ સબ ઈન્સ્પેક્ટર કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા. બાદમાં પદોન્નતિ થઈ તો તેમને સબ ઈન્સ્પેક્ટર બનાવી દેવામાં આવ્યા. પરંતુ ખુશ થવાને બદલે હવે તે ઈચ્છે છે કે તેમને ફરીથી કોન્સ્ટેબલ બનાવી દેવામાં આવે. આ સંબંધમાં પોલીસ હેડક્વાર્ટરના પેન્શન સેલ તરફથી તમામ સંબંધિત એકમોને પત્ર મોકલવામાં આવ્યો છે. આ મામલો પોતાની રીતે અત્યંત વિચિત્ર છે, તેથી કોઈને સમજાતું નથી કે તેને કેવી રીતે અમલમાં મૂકવો.
જોકે, તેમની આવી માગણી પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ તેમનો કથિત પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પોલીસ હેડક્વાર્ટરે રિપોર્ટ માંગ્યો
દરમિયાન, આ મામલે આગળની કાર્યવાહી કરતા પહેલા પોલીસ હેડક્વાર્ટરે તમામ જિલ્લાઓ અને એકમો પાસેથી રિપોર્ટ માંગ્યો છે. પત્રના લખાણ મુજબ, “એ જણાવવામાં આવે કે સંબંધિત પોલીસકર્મી વિરુદ્ધ કોઈ વિભાગીય તપાસ, ફોજદારી કેસ, વિજિલન્સ તપાસ, સસ્પેન્શન, ફરિયાદ, ઓવરપેમેન્ટ, મેડિકલ કે ગેરહાજરી સાથે જોડાયેલો કોઈ મામલો પેન્ડિંગ તો નથી ને?” સાથે જ ‘નો ડિમાન્ડ સર્ટિફિકેટ’ પણ 3 દિવસની અંદર ઉપલબ્ધ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. જો નિર્ધારિત સમયમાં કોઈ માહિતી આપવામાં નહીં આવે, તો તેને ‘નિલ રિપોર્ટ’ માનવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.


