નવી દિલ્હી, 7 મે 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભારતીય સશસ્ત્ર દળોના અદમ્ય સાહસ, ચોકસાઈ અને અતૂટ સંકલ્પને સલામ કરી છે. પહલગામમાં નિર્દોષ ભારતીયો પર હુમલો કરનારા આતંકીઓને તેમના જ ઘરમાં ઘૂસીને જે રીતે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો, તેને યાદ કરતાં બંને નેતાઓએ સ્પષ્ટ કર્યું કે ભારત આતંકવાદ વિરુદ્ધ પોતાની ઝીરો ટોલરન્સની નીતિ પર અડગ છે.
સોશિયલ મીડિયા પર આ ખાસ અવસરે પોસ્ટ કરતા પ્રધાનમંત્રીએ લખ્યું કે, “એક વર્ષ પહેલા ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન અજોડ બહાદુરીનો પરિચય આપતા આતંકીઓને કરારો જવાબ આપ્યો હતો. આ અભિયાન ભારતની આતંકવાદ વિરુદ્ધની કઠોર નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાના અતૂટ સંકલ્પનું પ્રતીક છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ અભિયાને ભારતીય સેનાની વ્યાવસાયિક ક્ષમતા અને પરસ્પર સમન્વયને વિશ્વ સમક્ષ મજબૂતીથી રજૂ કર્યો છે. સંરક્ષણ ક્ષેત્રે ‘આત્મનિર્ભરતા’ના પ્રયાસોએ દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવી છે. ભારત આતંકવાદ અને તેને સમર્થન આપનારા આખા તંત્રને ખતમ કરવા માટે આજે પણ એટલું જ મજબૂત છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ અભિયાનને ભારતીય સૈન્ય શક્તિનું ઐતિહાસિક પ્રતીક ગણાવ્યું હતું. તેમણે ‘એક્સ’ (અગાઉનું ટ્વિટર) પર લખ્યું કે, “ઓપરેશન સિંદૂર હંમેશા દુશ્મનોને ભારતીય સેનાની અચૂક મારક ક્ષમતાની યાદ અપાવતું રહેશે.” ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ઈતિહાસ આ દિવસને સેનાની સટીક સ્ટ્રાઈક ક્ષમતા, ગુપ્તચર એજન્સીઓની ચોકસાઈ અને મજબૂત રાજકીય ઈચ્છાશક્તિના સંગમ તરીકે યાદ રાખશે. પહલગામ હુમલાના જવાબમાં આતંકીઓ અને તેમના ઠેકાણાઓને સીમા પાર જઈને નષ્ટ કરવામાં આવ્યા હતા. આતંકીઓ ભલે ગમે ત્યાં છુપાઈ જાય, તેઓ ભારતની નજર અને સેનાની શક્તિથી બચી શકશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પહલગામમાં નિર્દોષ ભારતીય નાગરિકોને નિશાન બનાવનાર આતંકવાદીઓ વિરુદ્ધ ભારતીય સેનાએ એક ગુપ્ત અને અત્યંત સચોટ ઓપરેશન હાથ ધર્યું હતું, જે ‘ઓપરેશન સિંદૂર’ તરીકે ઓળખાય છે. આ ઓપરેશનમાં અત્યાધુનિક ટેકનોલોજી અને સ્વદેશી હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેણે પાડોશી દેશમાં બેઠેલા આતંકી આકાઓના ગઢને તોડી પાડ્યા હતા.








