મોંઘવારી પર લગામ: કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર સુધી ખાંડની નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ
નવી દિલ્હી, 14 મે 2026: દેશમાં ખાંડના વધતા ભાવ પર નિયંત્રણ મેળવવા અને સ્થાનિક બજારમાં પૂરતો પુરવઠો જાળવી રાખવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. વિશ્વના બીજા સૌથી મોટા ખાંડ ઉત્પાદક દેશ ભારતે 30 સપ્ટેમ્બર 2026 સુધી અથવા આગામી આદેશ સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના વિદેશ વ્યાપાર મહાનિદેશાલય દ્વારા જારી કરાયેલ જાહેરનામા મુજબ, ખાંડની નિકાસ નીતિમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે કાચી ખાંડ, સફેદ ખાંડ અને રિફાઇન્ડ ખાંડની નિકાસની સ્થિતિ ‘પ્રતિબંધિત’ શ્રેણીમાંથી બદલીને ‘નિષેધ’ કરવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ઓછા ઉત્પાદનની શક્યતા વચ્ચે દેશમાં ખાંડની કિંમતોને સ્થિર રાખવાનો છે.
જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે યુરોપિયન યુનિયન અને યુનાઈટેડ સ્ટેટ્સને કરવામાં આવતી નિકાસ પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. સીએસએલ અને ટેરિફ રેટ ક્વોટા વ્યવસ્થા હેઠળ નિર્ધારિત પ્રક્રિયા મુજબ આ દેશોને નિકાસ ચાલુ રહેશે. આ ઉપરાંત, એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળની નિકાસ પણ વિદેશ વ્યાપાર નીતિ 2023 ના નિયમો મુજબ ચાલુ રહેશે.
ભારત બ્રાઝિલ પછી વિશ્વનો સૌથી મોટો ખાંડ નિકાસકાર દેશ છે. ભારતના આ નિર્ણયથી વૈશ્વિક સ્તરે કાચી અને સફેદ ખાંડના ભાવમાં ઉછાળો આવવાની શક્યતા છે. બીજી તરફ, આ પ્રતિબંધને કારણે બ્રાઝિલ અને થાઈલેન્ડ જેવા હરીફ દેશો માટે એશિયા અને આફ્રિકાના બજારોમાં નિકાસની નવી તકો ઉભી થઈ શકે છે.
તાજેતરના અહેવાલો મુજબ, શેરડીના ઉત્પાદનમાં વાર્ષિક ધોરણે અંદાજે 10 ટકાનો વધારો જોવા મળ્યો છે, જે ખાંડ અને ઇથેનોલ ઇકોસિસ્ટમ માટે પ્રોત્સાહક છે. જોકે, આ વૃદ્ધિ અસમાન રહી છે અને મુખ્યત્વે ઇથેનોલ ક્ષમતા ધરાવતી મિલો સુધી જ સીમિત રહી છે. અગાઉ સરકારે મિલોને આશરે 1.59 મિલિયન મેટ્રિક ટન ખાંડની નિકાસ કરવાની મંજૂરી આપી હતી, પરંતુ હવે સ્થાનિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પે ચીની રાષ્ટ્રપતિની કરી પ્રશંસા, જિનપિંગને ગણાવ્યા મહાન નેતા


