1. Home
  2. ગુજરાતી
  3. REVOઈમેગેઝિન
  4. કેરળની સિલ્વરલાઇન પર આખરે બ્રેક, હવે વિકાસ પણ વેઇટિંગ લિસ્ટમાં?
કેરળની સિલ્વરલાઇન પર આખરે બ્રેક, હવે વિકાસ પણ વેઇટિંગ લિસ્ટમાં?

કેરળની સિલ્વરલાઇન પર આખરે બ્રેક, હવે વિકાસ પણ વેઇટિંગ લિસ્ટમાં?

0
Social Share

હેમંત પરમાર દ્વારા

જે સેમી હાઈ-સ્પીડ રેલ કેરળના ભવિષ્યને નવી દિશા આપી શકતી હતી, તે સિલ્વરલાઇન (K-Rail) યોજના પર આખરે બ્રેક લાગી ગઈ છે. કેરળની કોંગ્રેસ સરકારના નેતૃત્વમાં મુખ્યમંત્રી વી.ડી. સતીશને રાજ્યની આ બહુચર્ચિત અને મહત્ત્વાકાંક્ષી યોજનાને સંપૂર્ણ રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે. અંદાજે 64,000 કરોડના આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી જમીન અધિગ્રહણની તમામ સૂચનાઓ પણ પાછી ખેંચાઈ ગઈ છે. સાથે જ વિરોધ પ્રદર્શનો સાથે જોડાયેલા કેસો પણ રદ કરવાની ભલામણ કરવામાં આવી છે.

સવાલ સીધો છે, વિકાસનો રસ્તો રોકીને કેરળને શું મળ્યું?

સિલ્વરલાઇનનો હેતુ સ્પષ્ટ હતો. તિરુવનંતપુરમથી કાસરગોડ સુધી આશરે 530 કિલોમીટર લાંબો સેમી હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનાવવાનો. સૌથી મોટી વાત એ છે કે હાલની 12 કલાકની મુસાફરી માત્ર 4 કલાકમાં પૂરી થઈ શકતી હતી. એટલે કે લોકોના 8 કલાક બચવાના હતા.

પણ હવે સવાલ એ થાય કે, સમય બચાવતી ટ્રેનને જ રોકી દેવી, શું એ જ નવી રાજનીતિ છે?

લોકો પૂછે કે રાજ્યને ઝડપી અને આધુનિક ટ્રાન્સપોર્ટ મળતો, વેપાર વધતો, રોજગાર ઊભો થતો, પ્રવાસનને ગતિ મળતી, તો તેમાં ખોટ શું હતી?

લોકો કહેવા લાગ્યા છે કે કદાચ કોંગ્રેસને એ ચિંતા હશે કે આવતીકાલે રવિશ કુમાર પૂછી ન બેસે કે 8 કલાક વહેલા પહોંચી ગયા પછી શું કરશો?

પણ સવાલ તો હવે એ પણ છે કે 8 કલાક મોડું પહોંચીને કેરળ શું મળશે?

આ પણ વાંચોઃ કોકરોચ પાર્ટીને હાઈકોર્ટે “હિટ” મારી દીધું, X એકાઉન્ટ તત્કાળ પુનઃસ્થાપિત નહીં થાય

રાજકીય વર્તુળોમાં આ નિર્ણયને લઈને ચર્ચા ગરમ છે. વિરોધીઓનું કહેવું છે કે કોંગ્રેસ જ્યારે પણ સત્તામાં આવે છે ત્યારે મોટા વિકાસના પ્રોજેક્ટ પર બ્રેક મારવાની પરંપરા ફરી જીવંત થઈ જાય છે. ક્યારેક યોજના અટકાવી દેવી, ક્યારેક ફાઇલોમાં દબાવી દેવી, તો ક્યારેક વિરોધના નામે લટકાવી રાખવી.

આક્ષેપો તો એ પણ થઈ રહ્યા છે કે કોંગ્રેસ માટે દેશ અને રાજ્યના વિકાસ કરતાં રાજકીય ગણિત વધારે મહત્વનું છે. લોકો વચ્ચે ચર્ચા છે કે જો આવી જ રીતે દરેક મોટા પ્રોજેક્ટને રોકવામાં આવશે, તો નવી પેઢીને ઝડપથી આગળ વધવાની તક કેવી રીતે મળશે?

કેરળની સિલ્વરલાઇન હવે ફક્ત એક અધૂરી યોજના બની રહી ગઈ છે. અને રાજ્યના લોકોના મનમાં એક જ સવાલ ગુંજી રહ્યો છે કે, વિકાસની ટ્રેનને વારંવાર અટકાવશો, તો ગંતવ્ય સુધી પહોંચશે કોણ?

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code