1. Home
  2. revoinews
  3. GCCI એગ્રીકલ્ચર સમિતિ દ્વારા “પ્રાકૃતિક કૃષિ વ્યવસ્થા” પર કાર્યક્રમ યોજાયો
GCCI એગ્રીકલ્ચર સમિતિ દ્વારા “પ્રાકૃતિક કૃષિ વ્યવસ્થા” પર કાર્યક્રમ યોજાયો

GCCI એગ્રીકલ્ચર સમિતિ દ્વારા “પ્રાકૃતિક કૃષિ વ્યવસ્થા” પર કાર્યક્રમ યોજાયો

0
Social Share

અમદાવાદ, 8 જૂન 2026- GCCI એગ્રીકલ્ચર સમિતિ દ્વારા રવિવારે 7 જૂન, 2026 ના રોજ ગુજરાત રાજ્યના માનનીય કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ અને પ્રોટોકોલ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત બંસી ગીર ગૌશાળા ખાતે “પ્રાકૃતિક કૃષિ વ્યવસ્થા” વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી 800થી વધુ ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા GCCI ના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે માનનીય મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે તે બદલ હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે GCCI એગ્રીકલ્ચર સમિતિના ચેરમેન તથા બંસી ગીર ગૌશાળાના સંસ્થાપક શ્રી ગોપાલભાઈ સુતરિયાને ગૌ આધારિત ખેતીની પ્રાચીન અને વૈદિક પદ્ધતિઓને પુનર્જીવિત કરવા માટેના તેમના અનુકરણીય યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા હતા.

GCCI Agriculture Committee organized a program on "Natural Farming System"
GCCI Agriculture Committee organized a program on “Natural Farming System”

ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીના લાભ

શ્રી એન્જિનિયરે જણાવ્યું હતું કે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી જમીનની ફળદ્રુપતા જાળવવા, ખેતી ખર્ચ ઘટાડવા અને કુદરતી સંસાધનોનો દુરુપયોગ કર્યા વિના ટકાઉ કૃષિ વ્યવસ્થા ઊભી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમણે ગુજરાત સરકાર તથા માનનીય મંત્રીશ્રીનો આ દિશામાં મળતા સતત સમર્થન માટે પણ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ ભારતભરના ખેડૂતો, વૈજ્ઞાનિકો અને સ્વયંસેવકોને પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર તથા આપણા વૈદિક વારસાના સંવર્ધન માટેના તેમના યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે GCCI એગ્રિકલ્ચર સમિતિના ચેરમેન શ્રી ગોપાલભાઈ સુતરિયાએ પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિના વૈજ્ઞાનિક અભિગમ, તેના આર્થિક લાભો તથા ખેડૂતોના જીવનમાં આવનારા સકારાત્મક પરિવર્તનો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખેડૂતોને રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.

મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે પ્રશંસા પ્રમાણપત્ર એનાયત

તેમના ઉદ્બોધનમાં માનનીય મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ પ્રાકૃતિક કૃષિને ખેડૂતોની સમૃદ્ધિ, પર્યાવરણ સંરક્ષણ અને માનવ આરોગ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન માટે હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રયાસોની માહિતી આપી ખેડૂતોને આ દિશામાં આગળ વધવા પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર અને વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનાર વૈજ્ઞાનિકો, અગ્રણી ખેડૂતો અને સ્વયંસેવકોને “પ્રશંસા પ્રમાણપત્ર” અર્પણ કરી સન્માનિત કર્યા હતા. સાથે જ કેટલાક ખેડૂતો દ્વારા તેમની પ્રેરણાદાયી સફળતાની સફર અને અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે GCCI એગ્રીકલ્ચર સમિતિના ચેરમેન શ્રી ગોપાલભાઈ સુતરિયાએ આભારવિધિ કરી હતી. તેમણે માનનીય મંત્રીશ્રી, કૃષિ વૈજ્ઞાનિકો, નિષ્ણાતો, ખેડૂતો, સ્વયંસેવકો, GCCIના પદાધિકારીઓ તથા આયોજન ટીમનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ ભાવિ પેઢીઓ માટે સ્વસ્થ જમીન, શુદ્ધ પર્યાવરણ અને સમૃદ્ધ કૃષિ વ્યવસ્થા નિર્માણનો મહત્વપૂર્ણ માર્ગ છે. તેમણે સૌને તેના પ્રચાર-પ્રસાર અને અમલીકરણ માટે સતત કાર્યરત રહેવા અનુરોધ કર્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code