ગુજરાત : પંચાયતોના ઓડિટ બાદ હવે ફરજિયાત થશે એગ્ઝિટ કોન્ફરન્સ, ભ્રષ્ટાચાર અટકશે
અમદાવાદ, 6 ઓગસ્ટ 2026: પંચાયતી રાજ વ્યવસ્થામાં પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પ્રશાસનિક પગલું ભરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે નવો આદેશ જાહેર કર્યો છે, હવે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું વાર્ષિક ઓડિટ પૂરું થતાની સાથે જ ફરજિયાતપણે ‘એગ્ઝિટ કોન્ફરન્સ’ યોજવામાં આવશે. આનો મુખ્ય ઉદ્દેશ્ય ઓડિટ દરમિયાન સામે આવતી ગંભીર અનિયમિતતાઓ પર તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવાનો છે.
પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા પરિપત્ર મુજબ આ નવી વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકવામાં આવી છે. આ વ્યવસ્થા અંતર્ગત કોઈપણ પંચાયતનું ઓડિટ પૂરું થયા બાદ નક્કી કરાયેલી તારીખે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં એગ્ઝિટ કોન્ફરન્સ યોજાશે. આ બેઠકમાં લોકલ ફંડ ઓડિટ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ માત્ર ગંભીર નાણાકીય અને પ્રશાસનિક ક્ષતિઓ જ રજૂ કરશે, જેથી વિલંબ વગર ત્વરિત પગલાં લઈ શકાય.
આ નવી સિસ્ટમથી ઉચાપત, નિયમો વિરુદ્ધ ખરીદી, ગેરકાયદેસર નિમણૂકો, નાણાકીય ગોટાળા અને અન્ય ગંભીર વહીવટી મામલાઓની સીધી સમીક્ષા કરવામાં આવશે. ડીડીઓ પ્રાથમિકતાના ધોરણે શિસ્તભંગના પગલાં, સુધારાત્મક કાર્યવાહી અથવા કાનૂની પગલાં શરૂ કરી શકશે. સરકારનું માનવું છે કે આનાથી ઓડિટ માત્ર એક કાગળ પરની ઔપચારિક પ્રક્રિયા બનીને નહીં રહે, પરંતુ જવાબદારી નક્કી કરવાનું અને ઝડપી નિર્ણયો લેવાનું સચોટ માધ્યમ બનશે.
- ગ્રામીણ વિકાસને મળશે વેગ અને પારદર્શિતા
સરકારના મતે આ નિર્ણયથી ગ્રામીણ નાગરિકોને સીધો ફાયદો થશે. ગામડાઓના વિકાસ માટે ફાળવવામાં આવતા ભંડોળનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત થશે અને કર્મચારીઓ તથા અધિકારીઓની જવાબદારી પણ નિશ્ચિત થશે. આનાથી રસ્તા, પીવાનું પાણી, સ્વચ્છતા અને અન્ય વિકાસ પ્રોજેક્ટ્સની ગુણવત્તા સુધરવાની સાથે સરકારી નાણાંના દુરુપયોગ પર અસરકારક અંકુશ આવશે.


