નવી દિલ્હી, 14 ઓગસ્ટ, 2026: ભારતીય વાયુસેનાના ઇતિહાસમાં એક નવું સીમાચિહ્ન ઉમેરાયું છે. સ્ક્વોડ્રન લીડર ભાવના કાંત ગ્વાલિયર ખાતે આવેલા ટેક્ટિક્સ એન્ડ એર કોમ્બેટ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ ખાતે સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરીને ફાઇટર કોમ્બેટ લીડર તરીકે લાયકાત મેળવનારા ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા અધિકારી બન્યા છે.
આ ઐતિહાસિક સિદ્ધિ બાદ વાયુસેના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહે સ્ક્વોડ્રન લીડર ભાવના કાંત સાથે મુલાકાત કરી હતી, તેમને શુભેચ્છા પાઠવી હતી અને એક યાદગાર સ્મૃતિ ચિહ્ન આપીને સન્માનિત કર્યા હતા.
ફાઇટર કોમ્બેટ લીડરની લાયકાત મેળવવી એ કોઈ પણ ફાઇટર પાઇલટ માટે અત્યંત ઉચ્ચ સ્તરની ઓપરેશનલ નેતૃત્વ ક્ષમતા દર્શાવે છે. આ તાલીમ માત્ર વિમાન ઉડાડવા પૂરતી સીમિત નથી, પરંતુ જટિલ યુદ્ધ મિશનનું આયોજન કરવા, બહુવિધ વિમાનોની ટુકડીનું નેતૃત્વ કરવા અને ઝડપથી બદલાતી યુદ્ધ સ્થિતિઓમાં નિર્ણયો લેવાની ક્ષમતા પ્રદાન કરે છે.
Forging new frontiers in the skies.
Squadron Leader Bhawana Kanth has scripted history by becoming the first woman officer of the #IndianAirForce to qualify as a Fighter Combat Leader (FCL) at the Tactics and Air Combat Development Establishment (TACDE), Gwalior.
A landmark… pic.twitter.com/43cMHzydCj
— Indian Air Force (@IAF_MCC) August 13, 2026
ભાવના કાંતની ઐતિહાસિક સફર:
- 18 જૂન 2016ના રોજ ભાવના કાંત, અવની ચતુર્વેદી અને મોહના સિંહ ભારતીય વાયુસેનાની ફાઇટર સ્ટ્રીમમાં સામેલ થયા હતા અને દેશના પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ બન્યાં હતાં.
- ભાવના કાંત દિવસના સમયે યુદ્ધ મિશન હાથ ધરવા માટેની અદ્યતન લાયકાત મેળવનારા પ્રથમ ભારતીય મહિલા ફાઇટર પાઇલટ બન્યા હતા.
- 2021 માં ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેનારા તેઓ પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ બન્યા હતા અને 2024 ના ગણતંત્ર દિવસના ફ્લાયપાસ્ટમાં પણ તેમણે ભાગ લીધો હતો.
આ નવી સિદ્ધિ દર્શાવે છે કે ભારતીય વાયુસેનામાં મહિલા અધિકારીઓની ભૂમિકા હવે માત્ર ફાઇટર વિમાન ઉડાડવા પૂરતી સીમિત ન રહેતાં જટિલ યુદ્ધ વ્યૂહરચના અને નેતૃત્વ ક્ષેત્રે પણ અત્યંત મહત્ત્વપૂર્ણ બની રહી છે.

