હેમંત પરમાર દ્વારા
૧૫ ઑગસ્ટે સ્વતંત્રતાનો ઉત્સવ ઉજવી રહેલા અખંડ ભારતના કરોડો નાગરિકોને એ વાતની કલ્પના પણ નહોતી કે બે જ દિવસ પછી તેમની ધરતી, તેમનાં ઘર અને તેમનાં નસીબ હંમેશ માટે વહેંચાઈ જવાના છે. ૧૭ ઑગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સત્તાવાર સરહદ નક્કી કરતી “રેડક્લિફ લાઇન” જાહેર કરવામાં આવી છે. આ ઘોષણા સાથે જ ઉપમહાદ્વીપમાં એક એવો ખળભળાટ મચી ગયો છે, જેણે માનવ ઇતિહાસના સૌથી મોટા વિસ્થાપન અને લોહીયાળ રમખાણોની શરૂઆત કરી દીધી છે.
રેડક્લિફ લાઇન શું છે?
બ્રિટિશ વકીલ સર સિરિલ રેડક્લિફના નામ પરથી આ સરહદનું નામ રેડક્લિફ લાઇન રાખવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક અને વિવાદાસ્પદ સરહદ રેખાએ બ્રિટિશ શાસન હેઠળના ભારતના બે સૌથી મોટા અને સમૃદ્ધ પ્રાંત એટલે કે પશ્ચિમમાં પંજાબ અને પૂર્વમાં બંગાળના બે ભાગલા પાડીને ભારત તેમજ પાકિસ્તાન (તે સમયનું પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન) વચ્ચેની સીમાઓ નિર્ધારિત કરી હતી. આ લાઇન માત્ર જમીનનો ભાગ નહોતી, પરંતુ સદીઓથી સાથે રહેતા લોકો વચ્ચે ખેંચાયેલી અવિશ્વાસની દીવાલ બની ગઈ હતી.
કોણ હતા સર સિરિલ રેડક્લિફ? ભારતથી અજાણ વ્યક્તિને સોંપાઈ જવાબદારી
બ્રિટિશ હકૂમત દ્વારા સર સિરિલ રેડક્લિફને બાઉન્ડ્રી કમિશન (સરહદ પંચ)ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે સર સિરિલ રેડક્લિફ લંડનના એક સામાન્ય વકીલ હતા અને તેઓ આ કામ પહેલાં ક્યારેય ભારત આવ્યા નહોતા. તેમને ભારતની જટિલ ભૌગોલિક સ્થિતિ, સામાજિક તાણાવાણા, ભાષા, સંસ્કૃતિ કે સ્થાનિક લાગણીઓનું સહેજ પણ જ્ઞાન નહોતું.
બ્રિટિશ સરકારે આ વિચિત્ર નિર્ણય પાછળ એવો તર્ક રજૂ કર્યો હતો કે ભારતની પરિસ્થિતિથી સંપૂર્ણ અજાણ હોવાને કારણે તેઓ કોઈ પણ પક્ષપાત વગર તટસ્થ રીતે સરહદ આંકી શકશે. જોકે, આ કહેવાતી તટસ્થતા કરોડો લોકો માટે વિનાશક સાબિત થઈ હતી.
માત્ર પાંચ અઠવાડિયામાં દેશના ભાગલા
સર સિરિલ રેડક્લિફને અંદાજે ૪,૫૦,૦૦૦ ચોરસ કિલોમીટર જેટલા વિશાળ ક્ષેત્રફળ અને ૮.૮ કરોડથી વધુ માનવ વસ્તી ધરાવતા વિસ્તારની સરહદો નક્કી કરવા માટે માત્ર ૫ અઠવાડિયા (૩૬ દિવસ) નો અત્યંત ટૂંકો સમયગાળો આપવામાં આવ્યો હતો.
આટલા અલ્પ સમયમાં કરોડો નિર્દોષ લોકોના ભવિષ્યનો ફેંસલો જમીની હકીકત તપાસ્યા વગર કરવામાં આવ્યો. રેડક્લિફ કે તેમની ટીમે ક્યારેય જમીની સ્તર પર જઈને સર્વે કર્યો ન હતો. તેમણે માત્ર બંધ સરકારી કચેરીઓમાં બેસીને, જૂના અને અચોક્કસ નકશાઓ તથા ધાર્મિક વસ્તી ગણતરીના જૂના આંકડાઓના આધારે કાગળ પર પેન ફેરવીને દેશના ટુકડા કરી નાખ્યા.
સ્વતંત્રતાના બે દિવસ પછી કેમ જાહેર કરાઈ સરહદ?
રેડક્લિફ લાઇનનો નકશો ૧૨ ઑગસ્ટ ૧૯૪૭ સુધીમાં સંપૂર્ણ તૈયાર થઈ ગયો હતો. તેમ છતાં ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને તેને ૧૫ ઑગસ્ટ સુધી સાર્વજનિક ના કરતાં જાણી જોઈને ૧૭ ઑગસ્ટ સુધી દબાવી રાખ્યો હતો.
આ વિલંબ પાછળનું મુખ્ય કારણ બ્રિટિશ સામ્રાજ્યવાદની કુટિલ નીતિ હતી. માઉન્ટબેટન સારી રીતે જાણતા હતા કે આ અકુદરતી સરહદ જાહેર થતાં જ ભયાનક હિંસા ભડકી ઊઠશે. તેઓ ઇચ્છતા નહોતા કે ૧૫ ઑગસ્ટે આઝાદીના ઐતિહાસિક દિવસે ફાટી નીકળનારા રમખાણો કે કત્લેઆમનો દોષ બ્રિટિશ શાસન પર આવે. તેઓ બ્રિટનને આ લોહિયાળ વિવાદ અને જવાબદારીમાંથી સાફ બચાવીને સુરક્ષિત રીતે નીકળી જવા માંગતા હતા.
રાતોરાત સર્જાયેલી અરાજકતા અને દર્દ
૧૭ ઑગસ્ટે જ્યારે નકશાની સત્તાવાર જાહેરાત થઈ, ત્યારે કરોડો લોકો સ્તબ્ધ અને લાચાર બની ગયા. ૧૫ ઑગસ્ટે જે લોકો ભારતમાં હોવાનો તિરંગો લહેરાવી આનંદ માણી રહ્યા હતા તેઓ ૧૭ ઑગસ્ટે અચાનક પાકિસ્તાનનો હિસ્સો બની ગયા. એ જ રીતે પાકિસ્તાન તરફ રહી ગયેલા લાખો હિન્દુ અને શીખ પરિવારો રાતોરાત પોતાના જ વતનમાં શરણાર્થી બની ગયા.
નકશો એટલી હદે બેદરકારી અને ઉતાવળથી તૈયાર કરાયો હતો કે ઘણી જગ્યાએ આંતરરાષ્ટ્રીય સરહદ લોકોના ઘરોની વચ્ચેથી પસાર થતી હતી. કેટલાક ઘરોમાં રસોડું એક દેશમાં અને બેઠકરૂમ બીજા દેશમાં આવી ગયા હતા. ખેતરો એક તરફ અને કૂવો બીજી તરફ વહેંચાઈ ગયા હતા. ગામડાં, રેલવે સ્ટેશનો અને પોલીસ સ્ટેશનો પણ અડધા-અડધા વહેંચાઈ ગયા હતા.
માનવ ઇતિહાસનું સૌથી મોટું સ્થળાંતર અને કાળજું કંપાવતી હિંસા
આ જાહેરાત થતાંની સાથે જ માનવ ઇતિહાસનું સૌથી મોટું, કરુણ અને રક્તરંજિત સ્થળાંતર શરૂ થઈ ગયું હતું. આશરે ૧.૫ કરોડથી વધુ લોકો પોતાની સદીઓ જૂની જમીન-જાયદાદ, વડવાઓનાં ઘર અને યાદો પાછળ છોડીને માત્ર જીવ બચાવવા કાફલા સ્વરૂપે પગપાળા નીકળી પડ્યા હતા.
પંજાબ અને બંગાળના માર્ગો પર ભયાનક કોમી રમખાણો ભડકી ઊઠ્યા હતા. સ્ટેશનો પરથી પસાર થતી ટ્રેનો લાશોથી ભરાઈને આવી રહી હતી. નિર્દોષ બાળકો, વૃદ્ધો અને લાખો મહિલાઓ અમાનવીય અત્યાચાર અને હિંસાનો ભોગ બની રહી હતી. અંદાજ મુજબ, આ માનવસર્જિત ત્રાસદીમાં 5 લાખથી લઈને 20 લાખ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
કાગળ પર ખેંચાયેલી આ એક અવિચારી લીટીએ ભારતીય ઉપમહાદ્વીપના હૃદય પર એવો કાયમી ઘા આપ્યો છે, જેની પીડા આવનારી અનેક પેઢીઓ સુધી અનુભવાતી રહેશે.

