Homerevoinewsએક એવી લાઇબ્રેરી જ્યાં તૈયાર થાય છે દેશનું ભવિષ્ય અને ભવિષ્ય ઘડનારા

એક એવી લાઇબ્રેરી જ્યાં તૈયાર થાય છે દેશનું ભવિષ્ય અને ભવિષ્ય ઘડનારા

  • શબ્દશઃ અંતરિયાળ કહી શકાય એવા અરવલ્લી જિલ્લાના આકરુંદ ગામની લાઇબ્રેરી આસપાસનાં ગામોના હજારો વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ બની રહી છે
  • પત્રકાર-લેખક દેવેન્દ્રભાઈ પટેલનું સ્વપ્ન સંદેશ અખબારના સહયોગથી સ્થપાયેલું વાચનાલય પેઢીઓ સુધી વિદ્યાર્થીઓને ઉપયોગી બની રહે તેવી વ્યવસ્થા આકરુંદની સરકારી શાળાના આચાર્ય અને સ્ટાફે કરી છે

[અલકેશ પટેલ] 17 ઓગસ્ટ, 2026 – લાઇબ્રેરી એટલે માત્ર સાહિત્ય સહિત વિવિધ વિષયનાં પુસ્તકો હોય એવું નહીં. લાઇબ્રેરી વાચનાલય પણ હોઈ શકે, જ્યાં વિદ્યાર્થીઓ પોતાનાં પુસ્તકો લાવીને વાંચી શકે અને સાથે ત્યાં ઉપલબ્ધ સ્પર્ધાત્મક પરીક્ષા, સાહિત્ય અને ઇતિહાસનાં પુસ્તકો પણ વાંચી શકે.

આવી એક લાઇબ્રેરી કે વાચનાલય અરવલ્લી જિલ્લાના એક એવા ગામમાં છે જેને ખરા અર્થમાં અંતરિયાળ ગામ કહી શકાય. ગામ છે આકરુંદ. પરંતુ ગામમાં પહોંચો અને તેમાંય પી.એમ.શ્રી આકરુંદ આદર્શ પ્રાથમિક શાળાના પ્રાંગણમાં પહોંચો પછી જાણે સમગ્ર દુનિયા બદલાઈ જાય. શહેરની કોઈ ખાનગી શાળાના સંકુલને પણ ઝાંખું પાડે તેવું આ સરકારી શાળાનું સંકુલ કંઈ કેટલીય સાફલ્ય ગાથાઓ સાચવીને બેઠું છે.

A library where the future of the country and those who shape its future are prepared. Pictures by Alkesh Patel
A library where the future of the country and those who shape its future are prepared. Picture by Alkesh Patel

ઉમદા સ્વપ્ન સેવ્યું તો બધી બાજુથી સાથ મળ્યો

પણ આપણે આજે એક સાફલ્યગાથાની વાત કરવાની છે. દાયકાઓ પહેલાં આ જ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા (હા, ત્યારે શાળાનું સંકુલ હાલ છે એવું દેખાવે પણ આકર્ષક નહીં હોય એ અલગ વાત છે) એક યુવાને ગુજરાત સમાચારમાં પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી. એ પત્રકાર એટલે પદ્મ શ્રી દેવેન્દ્રભાઈ પટેલ. હાલ સંદેશ દૈનિક સાથે જોડાયેલા દેવેન્દ્રભાઈને તેમના વતન આકરુંદ માટે કશુંક સાર્થક, શાશ્વત કામ કરવાની ઈચ્છા થઈ અને તેમાં તેમને સાથ મળ્યો શાળાના પ્રિન્સિપાલ ઈશ્વરભાઈ પ્રજાપતિનો.

અત્યંત ઉત્સાહથી ભરપૂર ઈશ્વરભાઈ પ્રજાપતિ પોતે લેખક તરીકે પણ ઘણી નામના ધરાવે છે. બ્લૉગ લખવાથી શરૂઆત કરનાર ઈશ્વરભાઈ પુસ્તકોનું લેખન-સંપાદન પણ કરે છે.

દેવેન્દ્રભાઈનું સ્વપ્ન અને ઈશ્વરભાઈની મહેનત હવે તો રંગ લાવી છે. આકરુંદમાં છેલ્લા થોડાં વર્ષથી વાચનાલય શરૂ થઈ ગયું છે. જોકે, એપ્રિલ 2025માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ સંદેશ લાઇબ્રેરીનું વિધિવત્ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

આ રીતે શરૂ થયો દાનનો પ્રવાહ

ઈશ્વરભાઈ રિવોઈ ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતમાં જણાવે છે કે, આવી લાઇબ્રેરી માટે દેવેન્દ્રભાઈ પોતાનાથી બનતા પ્રયાસ કરી રહ્યા છે તેવી જાણ થયા બાદ દાનનો પ્રવાહ શરૂ થઈ ગયો. અને તેમાં સૌથી મોટું દાન સંદેશ પરિવારના ફાલ્ગુનભાઈ પટેલે આપ્યું હોવાથી આ આધુનિક લાઇબ્રેરી સંદેશ લાઇબ્રેરી તરીકે ઓળખાય છે. સંદેશ ઉપરાંત વિદેશમાં સ્થાયી થયેલા ઉદ્યોગપતિ કાંતિભાઈ પિંડોરિયાએ પણ નોંધપાત્ર દાન આપ્યું છે.

અહીં તૈયારી કરનાર વિદ્યાર્થીઓની સફળતાનું ગૌરવ

લાઇબ્રેરીમાં વાંચવા માટે 10-10, 20-20 કિ.મી દૂરથી વિદ્યાર્થીઓ આવે છે. ઈશ્વરભાઈ ગૌરવપૂર્વક રિવોઈને જણાવે છે કે, વાચનાલય શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં અહીં વાંચીને, અભ્યાસ કરીને જાહેર પરીક્ષાઓ આપ્યા બાદ સરકારી નોકરીમાં પસંદગી પામનાર વિદ્યાર્થીઓની સંખ્યા 25 જેટલી છે. અને આ વર્ષે 11 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

A library where the future of the country and those who shape its future are prepared. Pictures by Alkesh Patel
A library where the future of the country and those who shape its future are prepared. Pictures by Alkesh Patel

સમાજના અગ્રણીઓ માર્ગદર્શન આપવા નિયમિત આવે છે

દેવેન્દ્રભાઈ અને ઈશ્વરભાઈ માત્ર લાઇબ્રેરીની સુવિધા આપીને અટકી નથી ગયા. તેઓ દર મહિને સમાજના વિવિધ અગ્રણીઓને અહીં બોલાવે છે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. ટોચના સાહિત્યકારો, સમાજના સફળ અગ્રણીઓ અહીં નિયમિત આવે છે જેનો લાભ લાઇબ્રેરીમાં વાંચવા આવતા વિદ્યાર્થીઓ ઉપરાંત રેવાબેન ખેમચંદ ગુલાબચંદ શાહ શાળાના વિદ્યાર્થીઓને પણ મળે છે. આવા માર્ગદર્શક – પ્રેરણાત્મક કાર્યક્રમો માટે લાઇબ્રેરની ઉપર જ આધુનિક સાઉન્ડ સિસ્ટમ સાથેનો વિશાળ હૉલ પણ બનાવવામાં આવેલો છે.

પ્રિન્સિપાલ ઈશ્વરભાઈને સંદેશ લાઇબ્રેરીનો ઉપયોગ કરીને અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓની સાથેસાથે પોતાની શાળા વિશે પણ એટલા જ ઉત્સાહ અને ગૌરવપૂર્વક વાત કરે છે. તેઓ રિવોઈને જણાવે છે કે, તેમની શાળાના તમામ વર્ગ ડિજિટલ કરી દેવામાં આવ્યા છે. શાળાના તમામ શિક્ષકો પૂરી નિષ્ઠા અને પ્રતિબદ્ધતાથી ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Most Popular