લંડન, 14 સપ્ટેમ્બર 2026: બ્રિટનની રાજધાની લંડનમાં રવિવારે એક ઐતિહાસિક અને આધ્યાત્મિક ક્ષણ સર્જાઈ હતી, જ્યારે પ્રસિદ્ધ થેમ્સ નદીના કિનારે પ્રથમ વખત ભારતીય સંસ્કૃતિ મુજબ ભવ્ય ‘ગંગા આરતી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રકાશ, સમર્પણ અને પ્રકૃતિ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો એક દિવ્ય સમારોહ હતો, જેમાં બ્રિટિશ હિન્દુ, દક્ષિણ એશિયાઈ સમુદાય સહિત વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવતા હજારો લોકો ઉત્સાહભેર જોડાયા હતા.
ચિન્મય મિશન યુકે દ્વારા તેના વૈશ્વિક 75મા સ્થાપના વર્ષની ઉજવણીના ભાગરૂપે અને વાર્ષિક ‘ટોટલી થેમ્સ ફેસ્ટિવલ’ના સહયોગથી “થેમ્સ પર ગંગા આરતી: રોશનીનો મહોત્સવ” યોજવામાં આવ્યો હતો. ભારતની પવિત્ર ગંગા નદીના કિનારે થતી વિશ્વ-પ્રસિદ્ધ મહા આરતીની તર્જ પર જ આ આયોજન કરાયું હતું, જે પ્રકૃતિ, જ્ઞાન અને ચેતનાના જીવંત પ્રવાહનું પ્રતીક બની રહ્યું હતું.
આ પ્રસંગે ચિન્મય મિશન યુકેના રેસિડેન્ટ ટીચર બ્રહ્મચારિણી શ્રીપ્રિયા ચૈતન્યજીએ જણાવ્યું હતું કે, “પેઢીઓથી લોકો પવિત્ર નદીઓના કિનારે એકઠા થઈને પ્રકૃતિ અને જીવન આપનાર શક્તિઓ પ્રત્યે આભાર વ્યક્ત કરતા આવ્યા છે. લંડનમાં ટેમ્સ કિનારે યોજાયેલી આ ગંગા આરતી તે જ પ્રાચીન સંસ્કૃતિ અને ભાવનાને આગળ ધપાવે છે, જે લોકોને એકતા, આશા અને આભારના ભાવ સાથે એક તાંતણે બાંધે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે મિશન માટે ગંગા એ માત્ર નદી નથી પરંતુ જ્ઞાનના અવિરત પ્રવાહનું પ્રતીક છે.
-
પર્યાવરણની જાળવણી: થેમ્સ નદીમાં કશું જ પધરાવવામાં ન આવ્યું
આ આયોજનની સૌથી ખાસ વાત તેની પર્યાવરણ-પૂરક શૈલી હતી. ગંગા આરતી સંપૂર્ણપણે જમીન પર જ યોજવામાં આવી હતી. થેમ્સ નદીની સ્વચ્છતા અને પર્યાવરણનું ધ્યાન રાખીને આરતીના દિવડા કે અન્ય કોઈ પણ સામગ્રી નદીના પાણીમાં વહાવવામાં આવી નહોતી. મિશનના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું હતું કે, “પરંપરાગત રીતે પ્રગટાવાયેલા દીપકોને નદીના કિનારે જ સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા હતા. આનાથી આપણી સનાતન પરંપરાનું સન્માન પણ જળવાઈ રહ્યું અને થેમ્સ નદીને કોઈ નુકસાન પણ ન પહોંચ્યું.”
- શું છે ચિન્મય મિશન?
પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજી દ્વારા 1951માં સ્થાપિત ‘ચિન્મય મિશન’ એક વૈશ્વિક આધ્યાત્મિક ચળવળ છે, જે વેદાંતના શાશ્વત જ્ઞાન પર આધારિત છે. આજે સમગ્ર વિશ્વમાં મિશનના 350થી વધુ કેન્દ્રો કાર્યરત છે, જે આધ્યાત્મિક શિક્ષણ, સંસ્કૃતિ, શિક્ષણ અને સામાજિક સેવાના ક્ષેત્રે અદ્ભુત પ્રદાન આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 1997થી લંડનમાં યોજાતો ‘ટોટલી થેમ્સ ફેસ્ટિવલ’ એ ટેમ્સ નદીના સન્માનમાં કળા, સંસ્કૃતિ અને પર્યાવરણ ક્ષેત્રે ઉજવાતો મોટો ઉત્સવ છે. આ વર્ષે ફેસ્ટિવલના ભાગરૂપે યોજાયેલી આ પ્રથમ ગંગા આરતીની તમામ ટિકિટો અગાઉથી જ સોલ્ડ-આઉટ થઈ ગઈ હતી અને આયોજકોને આશા છે કે હવે આ કાર્યક્રમ દર વર્ષે નિયમિત રીતે યોજાશે.


