HomeBharat@2047BAOU: 'વિકસિત ગુજરાત 2047 ઇનોવેશન ચૅલેન્જ' વિષય પર રાષ્ટ્રીયકક્ષાનો સેમિનાર યોજાયો

BAOU: ‘વિકસિત ગુજરાત 2047 ઇનોવેશન ચૅલેન્જ’ વિષય પર રાષ્ટ્રીયકક્ષાનો સેમિનાર યોજાયો

અમદાવાદ, 17 ઑક્ટોબર 2026 – National seminar on ‘Developed Gujarat 2047 Innovation Challenge’ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ અને નૉલેજ કૉન્સોર્ટિયમ ઑફ ગુજરાત, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે 16 ઑક્ટોબર 2026ના રોજ ‘વિકસિત ગુજરાત 2047 ઇનોવેશન ચૅલેન્જ’ વિષય પર રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો. આ સેમિનારનો કેન્દ્રવર્તી વિષય ‘નૉલેજ ટુ ઇમ્પેક્ટ: રીઇમેજિનિંગ એજ્યુકેશન, ઇનોવેશન ઍન્ડ હ્યુમન કૅપિટલ ફૉર વિકસિત ગુજરાત @2047’ હતો.

સેમિનારમાં મંચ પર ઇન્ડિયા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ ડૉ. રામ માધવ, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાય, લોકભારતી યુનિવર્સિટી ફૉર રૂરલ ઇનોવેશનના પ્રભારી કુલપતિ ડૉ. વિશાલ ભાદાણી, કુનરિયા ગામની બાલિકા પંચાયતનાં સરપંચ અને યૂથ લીડર આનંદીબેન છાંગા, કુલસચિવ ડૉ. ભાવિન ત્રિવેદી અને પ્રો. નિલેશ મોદી ઉપસ્થિત રહ્યાં.

BAOU: National-level seminar held on the theme 'Developed Gujarat 2047 Innovation Challenge'
BAOU: National-level seminar held on the theme ‘Developed Gujarat 2047 Innovation Challenge’

મુખ્ય અતિથિ ડૉ. રામ માધવે વક્તવ્ય આપતાં જણાવ્યું કે ભારતની વિશાળ યુવા શક્તિને યોગ્ય દિશા આપવાની જરૂર છે. સાચું ઇનોવેશન અનુકરણ નથી. તે મૂળભૂત વિચારનો પાયાથી વિકાસ કરવાની પ્રક્રિયા છે. ટૅક્નૉલૉજીના આ યુગમાં યુવાનોએ માત્ર મશીનો બનાવવાને બદલે કલ્પનાશીલ વિચારકો બનવું જોઈએ. યુવાનોએ ભૂતકાળના ગૌરવને જાણી, વર્તમાનની પીડાને અનુભવી, ભવિષ્યના સ્વપ્ન સાથે આગળ વધવું જોઈએ. તેમણે આઉટ ઓફ ધ બોક્સ વિચારવા પર ભાર મૂક્યો.

કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાયે જણાવ્યું કે સાચી કેળવણી હૃદય, મસ્તક અને હાથના સમન્વયથી પ્રાપ્ત થાય છે. વિકાસનો માપદંડ માત્ર ભૌતિક સગવડો નથી. સાંસ્કૃતિક અને સામાજિક ઉત્થાન સાથે સુખાકારીનો સાચો માપદંડ પણ સુનિશ્ચિત કરીએ. કોઈ પણ ઇનોવેશન માટે ઉંમર કે હોદ્દા કરતાં વાસ્તવિક અનુભવ અને નિસબત જરૂરી છે.

ડૉ. વિશાલ ભાદાણીએ જણાવ્યું કે શિક્ષણનું કાર્ય પડકારો ઝીલી શકે તેવા યુવાનો તૈયાર કરવાનું છે. લોકભારતી યુનિવર્સિટીમાં સ્પર્ધાના સ્થાને સહકારથી શિક્ષણ અપાય છે. માર્ક્સના આધારે નહીં, જીવનમૂલ્યોના આધારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાય છે. વિદ્યાર્થીઓ સ્વાવલંબી બને તે માટે શ્રમ, સંશોધન અને પ્રાકૃતિક જીવનશૈલીને અભ્યાસક્રમમાં વણી લેવામાં આવ્યાં છે. વિવિધ ઉદાહરણો દ્વારા તેમણે લોકભારતીની બુનિયાદી તાલીમ પદ્ધતિનું મહત્ત્વ ઉપસાવ્યું હતું.

આનંદીબેન છાંગાએ જણાવ્યું કે મહિલાઓએ હવે ગામની જવાબદારી સંભાળીને વાસ્તવિક પરિવર્તન લાવવું જોઈએ. તેમણે પોતાના ગામમાં દીકરીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અંગેની વાત કરી. 100% શાળામાં હાજરી સુનિશ્ચિત કરવા તેમજ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા કરેલી કામગીરીની વિગતો આપી. દીકરીઓના નામે શેરીનું નામકરણ કરી નારી ઓળખ ઊભી કરવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. વિવિધ સરકારી યોજનાઓ તથા કન્યા કેળવણીથી લઈને ગ્રામીણ સ્તરે દીકરીઓના વ્યક્તિત્વ ઘડતર અંગેના તેમનાં સક્રિય ઉપક્રમોની અસરકારક રજૂઆતથી સૌ પ્રભાવિત થયા.

આ પણ વાંચોઃ યુનિવર્સિટી ખાતે વિકાસ સપ્તાહ 2026 – SSIP 2.0 સ્ટાર્ટઅપ અને ઇનોવેશન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

આ પ્રસંગે વિકસિત ગુજરાત 2047 ઇનોવેશન ચૅલેન્જના વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. સ્પર્ધામાં પ્રથમ ક્રમે રીટાબેન મારવાડા, દ્વિતીય ક્રમે વિપિન નાયર અને તૃતીય ક્રમે હર્ષિત પ્રજાપતિ વિજેતા બન્યાં.

સેમિનારમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિવિધ વિભાગના નિયામકશ્રીઓ, અધ્યાપકો, કર્મચારીઓ, વિવિધ પ્રાદેશિક કેન્દ્રોના સંચાલકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

સેમિનારનું આભારદર્શન પ્રો. નિલેશ મોદી અને સંચાલન શ્રી રીમા ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમ થકી ઉપસ્થિત યુવાનો અને વિદ્યાર્થીઓને ભવિષ્યના વિકસિત ગુજરાતના નિર્માણ માટે નવી દિશા અને પ્રેરણા પ્રાપ્ત થઈ.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular