- શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે સુપ્રીમ કોર્ટની માફી માગી, 17 નવેમ્બરે રૂબરૂ હાજર રહેવા આદેશ
નવી દિલ્હી, 29 ઑક્ટોબર, 2026 – Sanjay Raut શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે સુપ્રીમ કોર્ટ સમક્ષ બિનશરતી માફી માગી છે. કોર્ટ દ્વારા જારી કરાયેલા અવમાનના નોટિસના જવાબમાં રાઉતે માફીનામું દાખલ કર્યું છે. રાઉતે કહ્યું છે કે તેમને પોતાની ટિપ્પણી બદલ સાચો પસ્તાવો છે. તેઓ કોર્ટ પ્રત્યે આદરભાવ રાખે છે અને ભવિષ્યમાં ન્યાયતંત્ર પર નિવેદન આપતી વખતે સાવધાની અને સંયમ રાખવાની ખાતરી આપે છે.
આ પણ વાંચોઃ સંજય રાઉતને કોર્ટે માનહાનિ કેસમાં દોષી ઠરાવ્યા, 15 દિવસની જેલનો આદેશ
સુપ્રીમ કોર્ટે 17 નવેમ્બરે સંજય રાઉતને વ્યક્તિગત રીતે હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. રાહુલ ગાંધી સહિત વિપક્ષી નેતાઓને મળવાનો ચીફ જસ્ટિસે ઇનકાર કર્યા બાદ રાઉતે ન્યાયતંત્ર વિશે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ બાબતને લઈને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને તેમની સામે અવમાનના અરજી દાખલ કરી છે.
માફી છતાં સંજય રાઉતે કેમ હાજર થવું પડશે?
સંજય રાઉત તરફથી માફીનું સોગંદનામું દાખલ કરવા છતાં બુધવારે સુનાવણી દરમિયાન અદાલતના રેકોર્ડમાં આ માફીનામું નોંધાયું નહોતું. સુનાવણી દરમિયાન રાઉત તરફથી કોઈ વકીલ પણ હાજર રહ્યા ન હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તેમને 17 નવેમ્બરે વ્યક્તિગત રીતે અદાલતમાં ઉપસ્થિત રહેવાનો નિર્દેશ આપ્યો. હવે રાઉતે નક્કી કરેલી તારીખે જાતે અદાલતમાં પહોંચવું પડશે. સુપ્રીમ કોર્ટ તેમના સોગંદનામા અને કેસ સાથે જોડાયેલા તથ્યો પર વિચાર કરશે. ત્યારબાદ જ સ્પષ્ટ થશે કે અદાલત તેમની માફી સ્વીકારે છે કે કેસમાં આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવે છે.
અલબેનિયામાં હિંસક પ્રદર્શનોનો વીડિયો શેર કરીને શું લખ્યું હતું?
વાસ્તવમાં સંજય રાઉતે સોશિયલ મીડિયા પર અલ્બેનિયામાં થયેલા હિંસક પ્રદર્શનોનો એક વીડિયો શેર કર્યો હતો. તેની સાથે તેમણે દાવો કર્યો હતો કે ત્યાંની જનતાએ ભ્રષ્ટ વડાપ્રધાનોને મદદ કરવાના આરોપમાં સુપ્રીમ કોર્ટને આગના હવાલે કરી દીધી અને સરકારી ઇમારતો પર હુમલા કર્યા. રાઉતે પોતાની પોસ્ટમાં ભારત સહિત દુનિયાના તમામ દેશોને આ ઘટનાઓમાંથી બોધપાઠ લેવાની વાત પણ કહી હતી. તેમની આ ટિપ્પણી બાદ રાજકીય વિવાદ સર્જાયો હતો.
હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ
સંજય રાઉતની પોસ્ટ પર ભારતીય જનતા પાર્ટી (BJP)એ આકરી પ્રતિક્રિયા આપી હતી. ભાજપે તેમના પર દેશમાં અરાજકતા ફેલાવવાનો, હિંસાને પ્રોત્સાહન આપવાનો અને અદાલતને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવીને રાઉત વિરુદ્ધ કાનૂની કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી હતી.
અવમાનના નોટિસ બાદ રાઉતે માફી માગી
મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત સામે કરવામાં આવેલી ટિપ્પણી સાથે જોડાયેલા આ કેસમાં સુપ્રીમ કોર્ટે સંજય રાઉતને અવમાનનાની નોટિસ ફટકારી હતી. ત્યારબાદ રાઉતે સોગંદનામું દાખલ કરીને બિનશરતી માફી માગી હતી. તેમણે પોતાની ટિપ્પણી પર પસ્તાવો વ્યક્ત કરતા ન્યાયતંત્ર પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં નિવેદન આપતી વખતે સાવચેતી રાખવાની ખાતરી આપી હતી.
17 નવેમ્બરની સુનાવણી પર મીટ
અદાલતની અવમાનનાનો મામલો ન્યાયતંત્રની ગરિમા અને તેના અધિકાર સાથે જોડાયેલો હોય છે. આવા મામલામાં અદાલત એ જોતી હોય છે કે સંબંધિત નિવેદન કે કાર્યવાહીથી ન્યાયતંત્રની પ્રતિષ્ઠા પર શું પ્રભાવ પડ્યો છે. હવે સુપ્રીમ કોર્ટ સંજય રાઉતના માફીનામા અને કેસ સાથે જોડાયેલાં તથ્યોની સમીક્ષા કરશે. 17 નવેમ્બરે થનારી સુનાવણીમાં એ સાફ થઈ શકે છે કે અદાલત તેમની માફી સ્વીકારે છે કે કેસમાં આગળની કાનૂની કાર્યવાહી ચાલુ રાખે છે.


