સુરત, 30 ઑક્ટોબર 2026 : Scorpio hits 10 vehicles શહેરમાં પાલનપુર પાટિયા વિસ્તારમાં પુષ્પક સોસાયટી નજીક મોડી રાત્રે એક કાર ચાલક નબીરાએ પૂર ઝડપે સ્કોર્પિયો કાર દોડાવી 10 જેટલા વાહનોને અડફેટે લેતા અફરા-તફરી મચી ગઈ હતી. અકસ્માત બાદ ફરાર થવાનો પ્રયાસ કરતા આરોપીને રહીશોએ ઝડપી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસ પૂછતાછમાં આરોપી નબીરો ઓલપાડ તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ અને ભાજપ નેતા નીરિક્ષા અતુલ રાઠોડના પુત્ર યશ રાઠોડે હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવના પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. કારચાલક નબીરો દારૂના નશામાં હોવાનું સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં પુષ્પક સોસાયટી નજીક મોડી રાત્રે દિવાળીનો તહેવાર હોવાથી મુખ્ય માર્ગો પર લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. આ ભરચક માર્ગ પર કાળા કાચવાળી ર્સ્કોપિયો અને અન્ય એક કાર વચ્ચે જોખમી રેસિંગ કરાતા આજુબાજુના રાહદારીઓ અને અન્ય વાહનચાલકો ગભરાઈ ગયા હતા. દરમિયાન બેફામ ઝડપે સ્કોર્પિયો કારે રોડ સાઈડ પર ઊભેલા વાહનોને અડફેટે લેતા લોકોમાં નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ ઘટનાને નજરે જોનારા સ્થાનિક લોકોના કહેવા મુજબ પાલનપુર પાટિયા વિસ્તારની પુષ્પક સોસાયટી નજીક રોડ પર લગભગ રાત્રે 10:30થી 11:00 વાગ્યાના સમયે વર્નાકાર અને સ્કોર્પિયા કાર વચ્ચે હરિફાઈ જામી હતી. 100 કિમીથી વધુ ઝડપે બન્ને કારચાલકો આગળ જવા માટે હરિફાઈ પર ઉતર્યા હતા. દરમિયાન આગળ સ્પીડબ્રેકર પર એક ટ્રકે બ્રેક મારતાં એક કાર પાછળ ઘૂસી ગઈ અને બીજી કાળા કલરની સ્કોર્પિયા કારે લગભગ 10થી 15 વ્હીકલને અડફેટે લીધાં હતા. બંને કારના ચાલકો નશામાં હોય તેવું સ્પષ્ટ જણાતું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી યશ રાઠોડ ઓલપાડમાં કરિયાણાની દુકાન ચલાવે છે. તે ઓલપાડથી અંદાજે 40 કિલોમીટર દૂર સુરત પોતાના મિત્રને મળવા માટે આવ્યો હતો. સુરત આવી મિત્રના ઘરે બંનેએ દારૂની મહેફિલ માણી હતી. નશામાં ધૂત થયા બાદ બંને મિત્ર કાર લઈને રોડ પર નીકળી પડ્યા હતા અને પાલનપુર પાટિયા જેવા ગીચ વિસ્તારમાં રેસ લગાવી અન્ય નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂક્યા હતા. એ સાથે જ વાહનોને ટક્કર મારી દીધી હતી. જો કે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી, પરંતુ 40 મીટર સુધી પાર્ક કરેલા વાહનો ફંગોળાઈને ક્ષતિગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોએ યશ રાઠોડને પકડી પોલીસને સોંપ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી પ્રોહિબિશન તેમજ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ગુનો નોંધી આરોપી યશ રાઠોડની ધરપકડ કરી હતી.


