સવારના નાસ્તામાં રોજ કંઈક નવું અને સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા સૌ કોઈની હોય છે, પરંતુ અલગ-અલગ પ્રકારના પરાઠા બનાવવામાં સમય અને મહેનત બંને વધુ લાગે છે. આ જ સમસ્યાનો શાનદાર ઉકેલ મળ્યો છે. એક જ પરાઠામાં ૪ અલગ-અલગ સ્વાદીક ફ્લેવર્સનો મજેદાર કૉમ્બિનેશન તૈયાર કરવાની સરળ રીત શેર કરી છે. આ ‘4-ઇન-1 પરાઠા’ની ખાસિયત એ છે કે તેને એક જ લોઈમાં ચાર ભાગમાં કટ લગાવીને તૈયાર કરવામાં આવે છે. જેમાં બટેટાનો ચટાકેદાર સ્વાદ, પનીરનું સોફ્ટ ટેક્સચર, ડુંગળીનો ક્રંચ અને દેશી મસાલાની સુગંધ એકસાથે મળે છે. મિનિટોમાં તૈયાર થતો આ લેયર્ડ પરાઠો દેખાવમાં જેટલો આકર્ષક છે, ખાવામાં તેટલો જ લાજવાબ છે. આ પરાઠો સામાન્ય પરાઠાથી તદ્દન અલગ અને ખાસ છે. તેમાં રોટલીના એક મોટા ગોળાને વણીને તેના ચારેય અલગ-અલગ ભાગમાં જુદી-જુદી સ્ટફિંગ ભરવામાં આવે છે. ફોલ્ડ કર્યા બાદ જ્યારે તેને શેકવામાં આવે છે, ત્યારે તેની દરેક પરતમાં અલગ સ્વાદનો અદભુત આનંદ મળે છે.
-
જરૂરી સામગ્રી
સામાન્ય રોટલીનો લોટ બાંધેલો.
સ્ટફિંગ 1: મેશ કરેલું ચટાકેદાર બટેટાનું મિશ્રણ.
સ્ટફિંગ 2: છીણેલું પનીર.
સ્ટફિંગ 3: ઝીણી સમારેલી ડુંગળી અને લીલા મરચાં.
સ્ટફિંગ 4: દેશી ઘી, મીઠું અને બેઝિક મસાલા (લાલ મરચું, ગરમ મસાલો).
ગાર્નિશિંગ માટે: કલોજી અને ઝીણી સમારેલી કોથમીર.
-
બનાવવાની રીત
સૌપ્રથમ લોટની સામાન્ય લોઈ લઈને તેને ચપાતી કરતા થોડી મોટી અને ગોળ વણી લો. ત્યારબાદ ચાકુની મદદથી રોટલીના સેન્ટરથી કિનારો સુધી માત્ર એક જ સીધો કટ લગાવો. આ એક કટથી રોટલી 4 ભાગમાં વહેંચાઈ જાય છે. કટ લગાવ્યા બાદ રોટલીના ચારેય ભાગ પર વારાફરતી સામગ્રી ફેલાવો. પ્રથમ ભાગમાં તૈયાર બટાટાનું મિશ્રણ રાખો, બીજા ભાગમાં થોડુ ઘી, મીઠુ અને બેઝિક મસાલા ફેલાવો, ત્રીજા ભાગમાં છીણેલુ પનીર રાખો અને ચોથા ભાગમાં સમારેલી ડુંગળી અને લીલા મરચા રાખો. ત્યારબાદ કટવાળી બાજુથી શરૂ કરીને એક પછી એક ચારેય ભાગને ઉપર તરફ ત્રિકોણ આકારમાં સરખી રીતે લપેટીને ફોલ્ડ કરી લો.
ફોલ્ડ કરેલા ત્રિકોણાકાર પરાઠાના ઉપરના ભાગ પર થોડી કલોંજી અને કોથમીર લગાવીને હળવા હાથે વણી લો. હવે તવો ગરમ કરી પરાઠાને બંને બાજુથી મધ્યમ આંચ પર શેકો. થોડું દેશી ઘી લગાવીને 4 થી 5 મિનિટ સુધી બંને બાજુથી હલકો સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવો. પરાઠો સરસ રીતે શેકાઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢી લો. આ ગરમા-ગરમ મલ્ટી-લેયર 4-ઇન-1 પરાઠાને બુંદીના રાઈતા અને તીખી-મીઠી ટમેટાની ચટણી સાથે સર્વ કરો. આ પરાઠો સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે પેટ પણ ભરી દે છે!


