Homerevoinewsઅમદાવાદમાં પાર્કિંગના દરમાં વધારો કરવાની દરખાસ્ત, જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવાનો હેતુ

અમદાવાદમાં પાર્કિંગના દરમાં વધારો કરવાની દરખાસ્ત, જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવાનો હેતુ

  • પાર્કિંગના દરમાં એકસૂત્રતા જળવાય તે માટે જૂના કોન્ટ્રાક્ટરો સાથે પણ નવા દર અંગે કરાશે ચર્ચા: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
  • 2015 બાદ 11 વર્ષે પાર્કિંગ દરમાં સુધારો કરવાની દરખાસ્ત

અમદાવાદ, તા. 12 નવેમ્બર, 2026 – Proposal to increase parking rates in Ahmedabad અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવાર, તા. 12 નવેમ્બર, 2026ના રોજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠક દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીએ શહેરીજનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

ચેરમેને જણાવ્યું હતું કે, શહેરમાં પાર્કિંગ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા અને પાર્કિંગના દરમાં એકસૂત્રતા જળવાઈ રહે તે હેતુથી પાર્કિંગની લાયસન્સ ફી તથા દરના પુનઃનિર્ધારણ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જે અંતર્ગત ઓફસ્ટ્રીટ પાર્કિંગ, ઓનસ્ટ્રીટ પાર્કિંગ, અને વધુ ગીચતા ધરાવતા વિસ્તારોમાં પાર્કિંગના એક સમાન દર નક્કી કરવામાં આવેલા છે. હાલમાં પાર્કિંગની નીતિ અંતર્ગત અલગ-અલગ દરની જોગવાઈ છે અને પાર્કિંગના દરમાં ત્રણ વર્ષ બાદ પુનઃસમીક્ષા કરવાની બાબત પણ ધ્યાનમાં લેવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, શહેરમાં કેટલીક પાર્કિંગની જગ્યાઓના કોન્ટ્રાક્ટ અગાઉના દરે કાર્યરત છે, જ્યારે નવી જગ્યાઓ માટે સુધારેલા દર લાગુ કરવામાં આવે તો આસપાસ આવેલી બે પાર્કિંગ જગ્યાઓમાં અલગ અલગ દર વસૂલવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં નાગરિકોને અસુવિધા થવાની સાથે પાર્કિંગ વ્યવસ્થામાં અસમાનતા સર્જાઈ શકે છે.

આથી, માત્ર નવા ટેન્ડરોમાં જ સુધારેલા દર લાગુ કરવાને બદલે અગાઉથી કાર્યરત પાર્કિંગ કોન્ટ્રાક્ટરો સાથે પણ બેઠક યોજીને ચર્ચા કરવાનો અભિગમ અપનાવવામાં આવશે. જૂના કોન્ટ્રાક્ટરોને પણ નવા દર લાગુ કરવા સમજાવવામાં આવશે. જે અંતર્ગત કોર્પોરેશનને હાલમાં ચૂકવવામા આવતી લાયસન્સ ફીમાં કેટલો વધારો કરી શકાય તે અંગે કોન્ટ્રાક્ટરો સાથે પરામર્શ કરીને નિર્ણય લેવામાં આવશે.

ચેરમેનશ્રીએ ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, જો અગાઉ કોઈ પાર્કિંગમાં પ્રતિ વાહન રૂ. 10નો દર અમલમાં હોય અને નવી વ્યવસ્થામાં તે રૂ. 15 કરવામાં આવે, તો આ વધારાને અનુરૂપ કોર્પોરેશનને મળતી હયાત લાયસન્સ ફીમાં પણ ફેરફાર કરવાનો થાય. જો કોઈ કોન્ટ્રાક્ટની મુદત પૂરી થવામાં એક મહિનો બાકી કે એક વર્ષ જેટલો સમય બાકી હોય તો બાકીના સમયગાળાને ધ્યાનમાં રાખીને હયાત લાયસન્સ ફીની ગણતરી પ્રોરેટા મુજબ કરી નવી લાયસન્સ ફી નક્કી કરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી કમલેશભાઇ પટેલે વધુમાં કહ્યું કે, અગાઉ અપાયેલા પરંતુ કોન્ટ્રાક્ટની મુદત પૂર્ણ ન થઈ હોય તેવા કિસ્સાઓમાં કોન્ટ્રાક્ટરો સાથે ચર્ચા કર્યા બાદ આગળની જરૂરી આનુસંગિક કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ તમામ પાર્કિંગ સ્થળોએ સમાન દરની વ્યવસ્થા ઊભી કરવાનો અને કોર્પોરેશનની આવકમાં યોગ્ય વધારો કરવાનો છે. આ સમગ્ર વ્યવસ્થામાં નાગરિકો પોતાના વાહનોને બદલે જાહેર પરિવહનનો વધુમાં વધુ ઉપયોગ કરે તે બાબતને પ્રાધાન્ય આપવામાં આવશે. જે માટે કોર્પોરેશન દ્વારા બસોની સંખ્યા વધારવા તેમજ લાસ્ટ માઇલ કનેક્ટિવિટી માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img