1. Home
  2. Agency
  3. News
  4. 15 ઓગસ્ટ પહેલાં દિલ્હીમાં ખતરનાક આતંકવાદીઓના પોસ્ટર દ્વારા એલર્ટ જારી
15 ઓગસ્ટ પહેલાં દિલ્હીમાં ખતરનાક આતંકવાદીઓના પોસ્ટર દ્વારા એલર્ટ જારી

15 ઓગસ્ટ પહેલાં દિલ્હીમાં ખતરનાક આતંકવાદીઓના પોસ્ટર દ્વારા એલર્ટ જારી

0
Social Share

નવી દિલ્હી, 11 ઓગસ્ટ, 2026 – 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ પહેલાં આતંકવાદી હુમલાના જોખમને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સમગ્ર રાજધાનીમાં હાઈ એલર્ટ જારી કર્યું છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ, ક્રાઈમ બ્રાંચ, રેલવે પોલીસ અને વિવિધ જિલ્લાઓની પોલીસ સાથે અન્ય સુરક્ષા વિભાગ પણ એલર્ટ મોડ પર છે. આ દરમિયાન દિલ્હી પોલીસે રાજધાનીના ભીડભાડ વાળા વિસ્તારોમાં 19 આતંકવાદીઓના પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરો પર ઈન્ડિયન મુજાહિદ્દીન, અલ કાયદા અને ખાલિસ્તાની આતંકીઓના ફોટો છે.

આતંકવાદીઓની યાદી

આ પોસ્ટરોમાં ઈન્ડિયન મુજાહિદ્દીનના રિયાઝ ભટકલ અને શબાંદરી મોહમ્મદ ઈકબાલ ઉર્ફે ઈકબાલ ભટકલ, અલ-કાયદા સાથે જોડાયેલા મોહમ્મદ શર્જીલ અખ્તર, અબુ સુફિયાાન, મોહમ્મદ ઉમર અને સૈયદ મોહમ્મદ અરશિયાન દેખાઈ રહ્યા છે. મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં ‘ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ’ના રંજીત સિંહ ઉર્ફે નીતા, પરમજીત સિંહ પમ્મા, ‘ખાલિસ્તાન ટાઈગર ફોર્સ’ના અરશદીપ સિંહ ઉર્ફે અરશ ડાલા અને ‘બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ’ (BKI)ના હરવિંદર સિંહ સંધૂ ઉર્ફે રિન્ડા, વધાવા સિંહ બબ્બર અને ગુરમીત સિંહ બગ્ગાના નામ સામેલ છે.

પોલીસે કરી મોટી અપીલ, માહિતી આપવા બદલ ઈનામ

પોસ્ટરમાં પોલીસે આમ જનતાને અપીલ કરી છે કે આમાંથી કોઈ પણ વ્યક્તિ વિશે માહિતી મળે તો તુરંત પોલીસને જાણ કરવી. પોસ્ટર પર માહિતી આપવા માટે દિલ્હી પોલીસ કંટ્રોલ રૂમનો નંબર 112 પણ આપવામાં આવ્યો છે. પોલીસે ઓળખ અથવા ઠેકાણાની માહિતી આપનારાઓને ઈનામ આપવાની અને તેમનું નામ ગુપ્ત રાખવાની વાત કહી છે.

દર વર્ષે સાવચેતીના ભાગરૂપે લગાવવામાં આવે છે પોસ્ટર

દર વર્ષે 15 ઓગસ્ટ પહેલાં સાવચેતીના ભાગરૂપે આ પ્રકારના વોન્ટેડ આતંકીઓના પોસ્ટર લગાવવામાં આવે છે જેમનાથી ભારત અને દિલ્હીને ખતરો છે. સુરક્ષા માટે ખતરો બનેલા આ આતંકીઓની યાદી જારી કરવામાં આવે છે, જેથી આમ નાગરિકો પણ સતર્ક રહે અને કોઈ પણ શંકાસ્પદની ઓળખ થાય તો તુરંત માહિતી આપી શકે.

પોલીસ અધિકારીઓનું માનવું છે કે જાહેર સ્થળો પર આ પોસ્ટરો લગાવવાથી આમ નાગરિકો પણ સતર્ક રહેશે અને શંકાસ્પદ કે વોન્ટેડ વ્યક્તિઓની ઓળખ કરવામાં પોલીસને મદદ કરી શકશે. આ સાથે જ રેલવે સ્ટેશનો, બજારો અને અન્ય મહત્વપૂર્ણ સ્થળો પર શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે.

બીજી તરફ, રાજસ્થાનના ટોંકમાં મોટી કાર્યવાહી કરતા ATS એ આતંકી કનેક્શનની આશંકાએ 2 શંકાસ્પદોને પકડ્યા છે. તેમના જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાની આશંકા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code