1. Home
  2. Agency
  3. News
  4. ભારતની ટ્રેનોમાં ભોજનનાં વાસણ ટોઈલેટમાં ધોવાય છે? જુઓ વીડિયો
ભારતની ટ્રેનોમાં ભોજનનાં વાસણ ટોઈલેટમાં ધોવાય છે? જુઓ વીડિયો

ભારતની ટ્રેનોમાં ભોજનનાં વાસણ ટોઈલેટમાં ધોવાય છે? જુઓ વીડિયો

0
Social Share

નવી દિલ્હી, 29 મે 2026: શું ભારતની ટ્રેનોમાં ભોજનનાં વાસણ ટોઈલેટમાં ધોવાય છે?  આ પ્રશ્ન ઉપસ્થિત થવાનું કારણ એ છે કે, સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ટ્રેનના ટોઈલેટમાં કેટરિંગ સ્ટાફના માણસ દ્વારા ભોજનનાં વાસણ ધોવામાં આવી રહ્યા છે.

અહેવાલ મુજબ, ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) એ ભારતીય રેલવે ખાનપાન અને પર્યટન નિગમ (IRCTC) ને એક કારણદર્શક નોટિસ જારી કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક અત્યંત ચોંકાવનારા વીડિયોના આધારે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ટ્રેન નંબર 12223 મુંબઈ લોકમાન્ય તિલક ટર્મિનસ-ઇરનાકુલમ દુરંતો એક્સપ્રેસની અંદર કેટરિંગ સ્ટાફ ટ્રેનના શૌચાલય (ટૉઇલેટ) માં ભોજનનાં વાસણો ધોતો નજરે પડ્યો હતો. અલબત્ત, આઈઆરસીટીસીએ આજે બપોર સુધી તેને આવી કોઈ નોટિસ મળી હોવાનો ઈનકાર કર્યો હતો.

આ પણ વાંચોઃ મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા આયોજિત ભવ્ય FABEXA-11 એક્ઝિબિશનનું ઉદ્ઘાટન

સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વીડિયોએ લોકોમાં ભારે રોષ જગાડ્યો છે. આ વીડિયો મુંબઈ-ઇરનાકુલમ દુરંતો એક્સપ્રેસના ફર્સ્ટ એસી (First AC) કોચ H1માં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં કેટરિંગ/કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ ટૉઇલેટની અંદર પ્લેટ, કટોરી અને કટલરી (જમવાનાં વાસણો) કથિત રીતે ધોતા દેખાય છે. વીડિયોમાં પ્લાસ્ટિકના એક ક્રેટ (ટોકરા) માં રાખેલી ચીની માટીની પ્લેટો અને કટોરીઓ ટૉઇલેટ સીટ પર રાખેલી નજરે પડે છે.

ફર્સ્ટ એસી કોચમાં મુસાફરી કરી રહેલા એક પ્રવાસીએ આ દ્રશ્ય જોયા બાદ સ્ટાફ સાથે ઉગ્ર દલીલો કરી હતી અને તેનો વીડિયો બનાવી લીધો હતો. વીડિયો ક્લિપમાં મુસાફર કર્મચારીને ટૉઇલેટમાં વાસણો ધોવા અને એ જ વાસણોમાં ખોરાક પીરસવા અંગે સવાલો કરતો દેખાય છે. જોકે, અન્ય કર્મચારીએ એવો બચાવ કર્યો હતો કે તે હમણાં જ ત્યાં આવ્યો છે અને તેણે કેટરિંગ સ્ટાફને ટૉઇલેટમાં વાસણો સાથે જોયા નથી.

IRCTCના કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતો કેટરિંગ કર્મચારી પોતે ત્યાં શું કરી રહ્યો હતો તેનો કોઈ જવાબ આપી શક્યો નહોતો. તેણે પોતાનું નામ માત્ર સુરેશ જણાવ્યું હતું. વીડિયો પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે કેટરિંગ સ્ટાફ રાખેલા કર્મચારીએ ટૉઇલેટની અંદર વાસણો ધોયા અને પછી તેને ટૉઇલેટ સીટ પર રાખેલી ક્રેટમાં મૂકી દીધા.

આ પણ વાંચોઃ કોકરોચ પાર્ટીને હાઈકોર્ટે “હિટ” મારી દીધું, X એકાઉન્ટ તત્કાળ પુનઃસ્થાપિત નહીં થાય

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ઝડપથી વાયરલ થયો હતો, જેના પગલે ખાસ કરીને પ્રીમિયમ અને મોંઘા ભાડાવાળી ટ્રેનમાં સફાઈ અને ખાનપાનના ધોરણોને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મુસાફરે આ મામલે IRCTC, રેલ મદદ (Rail Madad) અને રેલવે મંત્રાલયમાં સત્તાવાર ફરિયાદ પણ નોંધાવી હતી.

FSSAIની નોટિસ અનુસાર, આવી અસ્વચ્છ રીતભાત ‘ખાદ્ય સુરક્ષા અને માનક (ફૂડ બિઝનેસ લાયસન્સિંગ અને રજીસ્ટ્રેશન) નિયમ, 2011’ ના શિડ્યુલ-4 નું સરેઆમ ઉલ્લંઘન છે. આ નિયમો હેઠળ ખાદ્ય કારોબાર સાથે જોડાયેલી સંસ્થાઓએ ભોજન બનાવવા, તેની જાળવણી, વાસણો ધોવા અને સફાઈ દરમિયાન સંપૂર્ણ સ્વચ્છતા જાળવવી ફરજિયાત છે, જેથી ખોરાક અને ખોરાકના સંપર્કમાં આવતી વસ્તુઓમાં કોઈપણ પ્રકારની ગંદકી કે ચેપ ન ફેલાય.

FSSAIએ જણાવ્યું કે આ ગંભીર બાબત સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો દ્વારા તેના ધ્યાનમાં આવી છે. આથી, IRCTC ને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તે આ ઘટના અંગે વાસ્તવિક માહિતી અને વિગતવાર જવાબ રજૂ કરે, જેમાં ઓનબોર્ડ કેટરિંગ સ્ટાફની ભૂમિકા વિશે પણ સ્પષ્ટતા કરવામાં આવે.

જોકે, શરૂઆતમાં IRCTC એ આ મામલે કોઈ સાર્વજનિક નિવેદન જાહેર કર્યું નહોતું, પરંતુ ‘X’ પર આ ઘટના શેર કરનારી એક પોસ્ટ પર જવાબ આપતા સામાન્ય પ્રક્રિયાના ભાગરૂપે મુસાફર પાસેથી PNR નંબર અને ફોન નંબર માંગ્યો હતો.

અહેવાલો અનુસાર, આ ટ્રેનનો કેટરિંગ કોન્ટ્રાક્ટ ‘વૃંદાવન ફૂડ પ્રોડક્ટ્સ’ કંપની પાસે છે, જે ‘RK ગ્રુપ’ નો એક ભાગ છે. આ કંપની રેલવેની ઘણી પ્રીમિયમ ટ્રેનોમાં ખાનપાન સેવા આપતી સૌથી મોટી કોન્ટ્રાક્ટર કંપનીઓમાં ગણાય છે. રેલવે બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ ગંભીર બેદરકારી બદલ કેટરિંગ કોન્ટ્રાક્ટર પર 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ, જે કર્મચારીએ આ કૃત્ય કર્યું હતું તેને તાત્કાલિક ડ્યુટી પરથી હટાવવાનો આદેશ અપાયો છે અને ટ્રેનના પેન્ટ્રી કાર મેનેજરને પણ કડક ચેતવણી આપવામાં આવી છે.

જુઓ વીડિયોઃ 

જોકે, ટ્રેનના શૌચાલયમાં કેટરિંગના વાસણો ધોવાના વાયરલ વીડિયોના મામલે હવે આઈઆરસીટીસી (IRCTC) દ્વારા સત્તાવાર સ્પષ્ટતા બહાર પાડવામાં આવી છે.

IRCTC એ સ્પષ્ટ કર્યું છે કે આ કિસ્સામાં તેમને FSSAI તરફથી કોઈ નોટિસ મળી નથી. તમામ મોબાઈલ કેટરિંગ યુનિટ્સ (ટ્રેનમાં ચાલતી કેટરિંગ સેવાઓ) નિયમો અને કાયદા અનુસાર નિયુક્ત રેલવે સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલા FSSAI લાયસન્સ સાથે જ કામ કરે છે, FSSAI સત્તાવાળાઓ દ્વારા સીધા જારી કરાયેલા લાયસન્સથી નહીં.

24/05/26 ના રોજ બનેલી આ ઘટના અંગે IRCTC એ જણાવ્યું કે, વીડિયો સામે આવતાની સાથે જ તાત્કાલિક કડક પગલાં લેવામાં આવ્યા હતા. આ બેદરકારી બદલ સંબંધિત સર્વિસ પ્રોવાઈડર (કોન્ટ્રાક્ટર) પર મોટો દંડ ફટકારવામાં આવ્યો છે અને આ કૃત્યમાં સામેલ તમામ સંબંધિત સ્ટાફને તાત્કાલિક અસરથી ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

IRCTC એ વધુમાં ઉમેર્યું હતું કે, મુસાફરોની સુરક્ષા અને સુવિધા અમારા માટે સર્વોપરી છે. IRCTC ટ્રેનોમાં સ્વચ્છતાના કડક પ્રોટોકોલનું પાલન કરે છે અને તેમાં કોઈપણ પ્રકારની ક્ષતિ કે નિયમોના ઉલ્લંઘન સામે હંમેશા નિર્ણાયક અને કડક કાર્યવાહી કરવામાં આવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code