તેલંગણામાં કોંગ્રેસ સરકારની ટીકા કરનાર બસ ડ્રાઈવરે નોકરી ગુમાવીઃ હોબાળા બાદ મામલો થાળે પડ્યો
- તેલંગાણામાં વિપક્ષના વિરોધ બાદ કોંગ્રેસ અંગે ટિપ્પણી કરનાર બસ ડ્રાઈવરની નોકરી બચી; ટ્રાન્સપોર્ટ મંત્રીએ ડ્રાઈવરને હટાવવાનો આદેશ રદ કરાવ્યો
હૈદરાબાદ, 27 મે 2026: તેલંગાણામાં કોંગ્રેસ સરકારની ટીકા કરનાર બસ ડ્રાઈવરે નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે, આ મુદ્દાએ તત્કાળ રાજકીય સ્વરૂપ પકડી લેતા અને ભાજપ સહિત વિરોધ પક્ષોના હોબાળા બાદ ડ્રાઈવરની નોકરી બચી હોવાનું જાણવા મળે છે.
અહેવાલ મુજબ, સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (TGSRTC) દ્વારા ભાડે રાખવામાં આવેલી ખાનગી બસના ડ્રાઈવર બી. અશોકે જણાવ્યું હતું કે, તેમને ખુશી છે કે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન પર તેમણે કરેલી ટિપ્પણીના કારણે તેમના વતનના ગામમાં પાક ખરીદી (Crop Procurement)ની સમસ્યા તરફ લોકોનું ધ્યાન ખેંચાયું છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું, અમારા પૂર્વજ હિન્દુ હતા
ગત સોમવારે બપોરે બસ લઈને જઈ રહેલા અશોકનો સામનો જગતિયાલ નજીક ઈંધણના ભાવવધારા સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા તેલંગણામાં કોંગ્રેસની સરકારના મંત્રી અડલુરી લક્ષ્મણ અને સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્યો સાથે થયો હતો.
આ દરમિયાન અશોકે નજીકમાં ઊભેલા પોતાના ગામના લોકોને ઉદ્દેશીને ટિપ્પણી કરી હતી કે, પ્રદર્શનકારીઓએ ઈંધણના ભાવ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે પાક ખરીદીની સમસ્યા પર ધ્યાન આપવું જોઈએ. ઘટનાસ્થળે હાજર ધર્મપુરી મંડળના પ્રમુખ સી. લક્ષ્મણ સહિતના કોંગ્રેસના નેતાઓએ આ ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો અને જગતિયાલ ડેપો મેનેજરને ફરિયાદ કરી હતી.
જગતિયાલની આરડીઓ (RDO) ઓફિસ બહાર ધરણા પર બેઠેલા કોંગ્રેસના નેતાઓની ટીકા કરવા બદલ ખાનગી બસના ડ્રાઈવર સામે ફરિયાદ મળી હોવાનું જણાવીને, ડેપો મેનેજરે બસના માલિક ચુક્કા વેણુગોપાલને પત્ર લખીને અશોકને નોકરીમાંથી સસ્પેન્ડ (દૂર) કરવા જણાવ્યું હતું. આ મુદ્દો જોતજોતામાં રાજકીય વિવાદમાં ફેરવાઈ ગયો હતો.
આ પણ વાંચોઃ દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેનને રેલવે મંત્રાલયની મંજૂરી, જાણો ક્યાં પ્રારંભ થશે?
ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ના નેતા ટી. હરીશ રાવે જણાવ્યું હતું કે, આ ઘટના કોંગ્રેસ સરકારની સરમુખત્યારશાહી કાર્યશૈલી દર્શાવે છે. રાવે ઉમેર્યું, “જો તમે સરકારને સવાલ કરશો, તો તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. આ જ આ સરકારનો સંદેશ છે.” જ્યારે રાજ્ય ભાજપ પ્રમુખ એન. રામચંદરે જણાવ્યું હતું કે સરકાર કટોકટી (ઇમરજન્સી) જેવું વર્તન કરી રહી છે. તેલંગાણા રક્ષણા સમિતિના નેતા કે. કવિતાએ ડ્રાઈવરને તાત્કાલિક નોકરી પર બહાલ કરવાની માંગ કરી હતી.
સમગ્ર વિવાદ વ્યાપક બનતા બુધવારે ટ્રાન્સપોર્ટ મંત્રી પોન્નમ પ્રભાકરે જણાવ્યું હતું કે તેમણે TGSRTC ને આ નિર્ણય પાછો ખેંચવાની સલાહ આપી છે. મંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું, “આ ડ્રાઈવર TGSRTCનો કાયમી કર્મચારી નથી, તે નિગમ દ્વારા ભાડે રાખવામાં આવેલી ખાનગી બસનો ડ્રાઈવર છે. તેમ છતાં મેં અધિકારીઓને તેની સામે કોઈ પગલાં ન લેવા જણાવ્યું છે. તે પોતાની નોકરી ચાલુ રાખશે. ડ્રાઈવરે તેના વતનના ખેડૂતો વતી પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને અમે તેને આવકારીએ છીએ. આ મામલાનું વધુ રાજકીયકરણ કરવાની કોઈ જરૂર નથી.”


