Homeગુજરાતીગુજરાતધોરણ-6ના દ્વિભાષી પુસ્તકો સામે શિક્ષણવિદોનો વિરોધ, સરકાર ભણતરનો ભાર વધારી રહી છે

ધોરણ-6ના દ્વિભાષી પુસ્તકો સામે શિક્ષણવિદોનો વિરોધ, સરકાર ભણતરનો ભાર વધારી રહી છે

અમદાવાદ:  ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો અમલ નવા શૈક્ષણિક સત્રથી શરૂ થઈ જશે. ખાસ તો બાળકોને ભાર વિનાના ભણતરની માત્ર વાતો જ કરવામાં આવે છે પરંતુ બાળકોના દફત્તરનો ભાર હળવો કરાતો નથી. દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા  દ્વિભાષી પુસ્તકો છાપવા મામલે ચાલી રહેલી વિચારણાના  વિવાદનો મધપુડો છંછેડાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ધોરણ-6ના દ્વિભાષી પુસ્તક છાપવા અંગે સરકારની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી  છે, ત્યારેશિક્ષણ વિદો સરકારના આ નિર્ણય કે તેની વિચારણા ભણતરનો ભાર વધારનારી ગણાવી રહ્યાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ધોરણ-6ના દ્વિભાષી પુસ્તક છાપવા મામલે વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. દ્વિભાષી પુસ્તક છાપવા અંગે સરકારની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે. સરકારની મંજૂરી મળતા ગણિત અને વિજ્ઞાનના દ્વિભાષી પુસ્તકો તૈયાર કરવાની તૈયારીઓ શરુ કરી દેવાશે.આ પહેલા દ્વિભાષી પુસ્તકો અંગે વિચારણા કરવા 15 સભ્યોની કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં આ મુદ્દે વિવાદ થયો હતો. દ્વિભાષી પુસ્તકો છાપવા કે નહીં તે અંગે મળેલી કમિટીની બેઠકમાં 5 સભ્યોએ આ મામલે વિરોધ દર્શાવ્યો હતો. આ સભ્યોના મતે દ્વિભાષી પુસ્તક છાપવાથી 200 પાનાનું પુસ્તક 400 પાનાનો દળદાર ગ્રંથ બની જશે. પુસ્તકનું કદ બમણુ થઈ જતા પુસ્તકનો ખર્ચ વાલીઓના માથે આવશે, જે વાલીઓ માટે બમણો સાબિત થશે. એટલુ જ નહી શિક્ષકોને કઈ ભાષામાં વિદ્યાર્થિઓને અભ્યાસ કરાવવો તેની પણ મુશ્કેલી સર્જાશે. પરીક્ષામાં કઈ ભાષામાં લેવી તેને લઈને પણ વિવાદ સર્જાઈ શકે છે. દ્વિભાષી પુસ્તક છાપવા અંગે મળેલી કમિટીની બેઠકમાં એક સભ્ય જે પોતે શિક્ષણ વિદ પણ છે તેઓનું માનવું છે કે દ્વિભાષી પુસ્તક રાજ્યના બે કરોડ બાળકો માટે ભવિષ્યમાં બોજ સાબિત થશે. ઉપરાંત શિક્ષકોનો વિરોધ સહન કરવો પડશે. સરકાર પ્રજાના હિતમાં કામ કરે તે માટે દ્વિભાષી પુસ્તકની જરુર નથી. જો સરકાર દ્વિભાષી પુસ્તક છાપવા અંગે વિચારણા કરતી હોય તો તે વિચારણા પર રોક લાગવી જરુરી હોવાનું પણ શિક્ષણ વિદોનું માનવું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક તરફ શિક્ષણ વિભાગ દ્વારા ભણતરનો ભાર હળવો કઈ રીતે થાય તેની મથામણ કરી રહ્યું છે. તો બીજી તરફ દ્વિભાષી પુસ્તક છાપવાની વિચારણા ભણતરનો ભાર ઘટાડશે નહીં પરંતુ તેમાં વધારો કરશે તે પણ સમજવું જરુરી છે

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular