1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. માનગઢ ભીલ શહાદત દિવસ: શું તમે જાણો છો, ગુજરાતમાં પણ એક જલિયાંવાલા હત્યાકાંડ થયો હતો?
માનગઢ ભીલ શહાદત દિવસ: શું તમે જાણો છો, ગુજરાતમાં પણ એક જલિયાંવાલા હત્યાકાંડ થયો હતો?

માનગઢ ભીલ શહાદત દિવસ: શું તમે જાણો છો, ગુજરાતમાં પણ એક જલિયાંવાલા હત્યાકાંડ થયો હતો?

0
Social Share

17 નવેમ્બર, 1913ના રોજ માનગઢમાં ભીલ સમુદાયના હજારો લોકોને અંગ્રેજ સરકાર દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.આ હિચકારી ઘટનાને  માનગઢ હત્યાકાંડ કહેવાય છે. ત્યાંના સ્થાનિક લોકો તો  આ ઘટનાને જલિયાંવાલા બાગ હત્યાકાંડ જેવી જ ગણાવે છે. આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં આ ઘટનાને પણ ના ભૂલવી જોઈએ કે આઝાદીની ચળવળની પણ પહેલા અને જલિયાંવાલા હત્યાકાંડના પણ છ વર્ષ પહેલાં આ ગોઝારી ઘટના ઈતિહાસમાં ઘટી ચૂકી હતી. જેમાં બલિદાન આપનારા લોકો ગરીબ વનવાસી હતા.

મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદને અડીને રાજસ્થાનના બાંસવાડા જીલ્લામાં આવેલું માનગઢ એક હિલ સ્ટેશન છે, જેની લગભગ વસ્તી આદિવાસી જનજાતિની છે. જેમાં મુખ્યત્વે ભીલ આદિવાસીઓ રહે છે. આઝાદી પહેલેથી જ તેઓ આ વિસ્તારમાં રહી રહ્યા છે. jo કે સાથે જ ત્યાં રહેતાં અન્ય સ્થાનિક જાગીરદારો, રજવાડાઓ અને ત્યારબાદ આવેલાં બ્રિટીશ હકુમતના અંગ્રેજ અમલદારો પણ તેમની નિરક્ષરતા, સાદગી અને ગરીબીનો લાભ લઈને તેમનું શોષણ કરતા હતા. જ્યારે બીજી તરફ, ભોળા આદિવાસી લોકોમાં ફેલાયેલી કેટલીક ખોટી આદતો અંધશ્રદ્ધાને દૂર કરી તેમનામાં જાગૃતિ લાવવા માટે, ગોવિંદ ગુરુના નેતૃત્વમાં એક મોટું સામાજિક અને આધ્યાત્મિક આંદોલન થયું હતું, જે ‘ભગત આંદોલન’  તરીકે ઓળખાય છે.

ગોવિંદ ગુરુનો જન્મ 20 ડિસેમ્બર, 1858ના રોજ ડુંગરપુર જિલ્લાના બંસિયા (બેડિયા) ગામમાં થયો હતો.ગોવિંદ ગુરુએ 1890માં ‘ભગત આંદોલન’ શરૂ કર્યું હતું. આ આંદોલનમાં ‘આગ’ને પ્રતીક માનવામાં આવી હતી. આ આંદોલનમાં ભાગ લેનારા લોકોએ આગ પેટાવીને તેની ધૂણી કરવાની રહેતી.

ગોવિદ ગુરુએ બીજી તરફ, 1883માં ‘સંપ સભા’ની સ્થાપના કરી. જેના દ્વારા આદિવાસી પ્રજામાં એવો સંદેશ આપવામાં આવતો હતો કે આમાં જોડાયેલા સૌએ સમાજમાં ફેલાયેલા દૂષણો જેવા કે,  દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર વગેરેનો ત્યાગ કરવો, સખત પરિશ્રમ કરવો અને સાદું જીવન જીવવું; રોજ સ્નાન કરવું, યજ્ઞ અને કીર્તન કરવું; બાળકોને ભણાવવા વગેરે જેવા કાર્યો કરવા. આ આંદોલનનો હેઠળ, નવી શાળાઓ શરૂ કરવી , પંચાયતમાં પ્રજાના વિવાદો ઉકેલવા, આદિવાસી પ્રજાને થતાં અન્યાયને સહન ન કરવો, બ્રિટિશ જાગીરદારોને ભાડું ન આપવું, બળજબરીથી મજૂરી ન કરવી અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો અને સ્વદેશીનો ઉપયોગ કરવો જેવા સૂત્રોનો દરેક ગામમાં પ્રચાર કર્યો. બહુ ટૂંકા સમયમાં લાખો લોકો તેમના ભક્ત બની ગયા. દર વર્ષે માગશીર્ષ પૂર્ણિમાના દિવસે સભાનો વાર્ષિક મેળો ભરતો હતો, જેમાં હવન કરતી વખતે લોકો ઘી અને નાળિયેર ચઢાવતા હતા. લોકો ઘીનાં માટલાં અને ખભા પર પરંપરાગત શસ્ત્રો લઈને આવતા. આ મેળામાં સામાજિક અને રાજકીય સમસ્યાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી. જેના કારણે વાગડનો આ વનવાસી વિસ્તાર અંગ્રેજ સરકાર અને સ્થાનિક જાગીરદારોના વિરોધની આગમાં ધીમે ધીમે સળગવા લાગ્યો.

આવા જ એક દિવસે  7 નવેમ્બર, 1913 (માગશર પૂર્ણિમા) ના રોજ માનગઢની ટેકરી પર વાર્ષિક મેળો યોજાવા જઈ રહ્યો હતો. આ પહેલાં, ગોવિંદ ગુરુએ સરકારને એક પત્ર લખીને દુષ્કાળથી પીડિત  આદિવાસીઓને કૃષિ પરના ટેક્સ ઘટાડવા, તેમને ધાર્મિક પરંપરાઓનું પાલન કરવાની મંજૂરી આપવા અને બળજબરીથી મજૂરીના નામે હેરાન ન કરવા વિનંતી કરી હતી; પરંતુ વહીવટીતંત્રે ટેકરીને ઘેરી લીધી અને મશીનગન અને તોપો ગોઠવી દીધી.ને ત્યાં  હાજર ગોવિંદ ગુરુને તરત જ માનગઢ ટેકરી છોડવાનો આદેશ આપ્યો. ત્યાં સુધીમાં લાખો ભક્તો ત્યાં આવી ગયા હતા. કઆ જ સમયે કર્નલ શૈટનના નેતૃત્વમાં પોલીસે ગોળીબાર શરૂ કર્યો, જેના કારણે હજારો નિર્દોષ આદિવાસીઓ મોતને ભેટ્યા. જેમાં માનવમાં આવે ચ એકે તેમની સંખ્યા અંદાજે 1,500 સુધી હોવાનું કહેવાય છે.

આ ઘટના અંતર્ગત પોલીસે ગોવિંદ ગુરુની ધરપકડ કરી અને તેને મૃત્યુદંડ અને પછી આજીવન કેદની સજા ફટકારી.1923માં જેલમાંથી મુક્ત થયા બાદ તેમણે ભીલ સેવા સદન, ઝાલોદ દ્વારા લોકસેવાના વિવિધ કાર્યો કરવાનું ચાલુ રાખ્યું. 30 ઓક્ટોબર, 1931ના રોજ કંબોઇ (ગુજરાત) ગામમાં તેમનું અવસાન થયું. દર વર્ષે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે લાખો લોકો તેમની ત્યાં બનેલી સમાધિની મુલાકાત લે છે અને તેમને શ્રદ્ધાંજલિ આપે છે.

(ફોટો: ફાઈલ)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code