1. Home
  2. ગુજરાતી
  3. વૈશ્વિક મંચ ઉપર પીએમ મોદી ભારતની પ્રતિષ્ઠા વધારી રહ્યાં છેઃ શરદ પવાર
વૈશ્વિક મંચ ઉપર પીએમ મોદી ભારતની પ્રતિષ્ઠા વધારી રહ્યાં છેઃ શરદ પવાર

વૈશ્વિક મંચ ઉપર પીએમ મોદી ભારતની પ્રતિષ્ઠા વધારી રહ્યાં છેઃ શરદ પવાર

0
Social Share

મુંબઈ, 20 મે 2026: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP-SP) ના વરિષ્ઠ નેતા શરદ પવારે એક જાહેર કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુક્તમને પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ભલે અમારી વચ્ચે રાજકીય મતભેદો હોય, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની શાખ અને પ્રતિષ્ઠાને મજબૂત કરવા માટે અવિરત કામ કરી રહ્યા છે. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં પવારે ભારપૂર્વક કહ્યું હતું કે, જ્યારે રાષ્ટ્રીય હિતની વાત આવે ત્યારે તમામ પક્ષોએ એકજૂથ થઈને કામ કરવું જોઈએ.

રાજ્યસભાના સાંસદ શરદ પવારે પુણે સ્થિત લક્ષ્મણરાવ ગુટ્ટે ગ્રામીણ વિકાસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પૂર્વ પદાધિકારીઓના સન્માન સમારોહમાં સંબોધન કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, “દેશની પ્રતિષ્ઠાની રક્ષા કરવામાં રાજકીય મતભેદો ક્યારેય આડે ન આવવા જોઈએ. પીએમ મોદી વિદેશોમાં દેશનું સન્માન જાળવી રાખવાનું કામ કરી રહ્યા છે. આપણી રાજકીય વિચારધારા અલગ હોઈ શકે છે, પરંતુ દેશહિત હંમેશાં સર્વોપરી હોવું જોઈએ.” પવારે યાદ અપાવ્યું કે પૂર્વ વડાપ્રધાનો ઇન્દિરા ગાંધી, પી.વી. નરસિમ્હા રાવ અને મનમોહન સિંહે પણ હંમેશાં દેશના ભવિષ્ય અને ગૌરવને જ પ્રથમ પ્રાથમિકતા આપી હતી.

શરદ પવારે પંડિત નહેરુ અને ઈન્દિરા ગાંધી સાથેની યાદો તાજી કરી

પોતાના રાજકીય જીવનના શરૂઆતના દિવસોને યાદ કરતાં 85 વર્ષીય શરદ પવારે જણાવ્યું કે, વર્ષ 1958માં 18 વર્ષની નાની ઉંમરે તેઓ બારામતીથી પુણે આવ્યા હતા, કારણ કે તે સમયે તેમના વતન બારામતીમાં કોઈ કોલેજ નહોતી. ત્યારબાદ તેઓ પુણે શહેર યુથ કોંગ્રેસ અને પછી મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. તેમના જીવનનો એક યાદગાર કિસ્સો શેર કરતાં પવારે કહ્યું કે, દિલ્હી સ્થિત ‘તીન મૂર્તિ ભવન’ ખાતે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ સાથેની મુલાકાત તેમના જીવનની સૌથી અવિસ્મરણીય ક્ષણ છે. તેમણે વડાપ્રધાનને પૂછવા માટે ખેડૂતો અને યુવાનોને લગતા ઘણા પ્રશ્નો તૈયાર કર્યા હતા, પરંતુ નહેરુજીના પ્રભાવશાળી વ્યક્તિત્વ સામે જતા જ તેઓ બધું ભૂલી ગયા હતા.

શરદ પવારે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે જોડાયેલો એક રસપ્રદ અને પ્રેરણાદાયી પ્રસંગ પણ સભામાં સંભળાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, સોવિયત સંઘ (રશિયા) ની મુલાકાત દરમિયાન ઇન્દિરા ગાંધીને એવું લાગ્યું કે ભારતના વડાપ્રધાનને ત્યાં પૂરતું સન્માન આપવામાં આવી રહ્યું નથી, જેનાથી તેઓ ભારે નારાજ થયા હતા. ઇન્દિરા ગાંધીએ તત્કાલીન સોવિયત અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, “હું દેશના 40 કરોડ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરું છું. જો તેમના સન્માનને ઠેસ પહોંચશે, તો હું તેને ક્યારેય સ્વીકાર નહીં કરું.”

આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીની લાપરવાહીને લીધે વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code