1. Home
  2. ગુજરાતી
  3. ઓનલાઈન ગેમ્સ રમનાર ગેમર્સને લઈને કેન્દ્ર સરકારે જાહેર કરી કેટલીક ટીપ્સ
ઓનલાઈન ગેમ્સ રમનાર ગેમર્સને લઈને કેન્દ્ર સરકારે જાહેર કરી કેટલીક ટીપ્સ

ઓનલાઈન ગેમ્સ રમનાર ગેમર્સને લઈને કેન્દ્ર સરકારે જાહેર કરી કેટલીક ટીપ્સ

0
Social Share

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં ઓનલાઈન ગેમિંગ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે. ગેમર્સને ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ પર ઓનલાઈન ગેમિંગ વિકલ્પો મળે છે, અને તેઓને તે ગેમ્સ રમવા માટે ઘણા ખાસ ઈનામોની પણ ઓફર કરવામાં આવે છે. જેથી લોકો ઓનલાઈન ગેમ્સની જાળમાં ફસાઈ જાય છે. આ રીતે ઘણી વખત રમનારાઓને નુકસાન પણ સહન કરવું પડે છે. આ કારણોસર, ભારતના ગૃહ મંત્રાલયે ગેમર્સ માટે ચેતવણી અને કેટલીક ખાસ ગેમિંગ ટિપ્સ જાહેર કરી છે. ભારતીય ગૃહ મંત્રાલયની સાયબર વિંગે સ્માર્ટફોન પર ઓનલાઈન ગેમ રમનારા યુઝર્સને ચેતવણી આપી છે. જેમાં તેમને ગેમ રમતી વખતે છેતરપિંડીથી સાવધ રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય સુરક્ષા માટે કેટલીક ખાસ ગેમિંગ ટિપ્સ પણ આપી છે.

સાયબર ક્રાઇમ દિવસેને દિવસે વધી રહ્યો છે અને સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે દરરોજ નવા-નવા રસ્તાઓ અપનાવી રહ્યાં છે. તેમાંથી એક પદ્ધતિ ઓનલાઈન ગેમિંગ માટે પણ અપનાવવામાં આવે છે. સાયબર ગુનેગારો સ્માર્ટફોન અથવા લેપટોપ પર ઓનલાઈન ગેમ રમનારા ગેમર્સને એવી ખતરનાક લિંક્સ મોકલે છે, જેના પર ક્લિક કર્યા પછી ગેમર્સના બેંક એકાઉન્ટની સંપૂર્ણ વિગતો અથવા બીજા શબ્દોમાં કહીએ તો, સમગ્ર કમાણી તે છેતરપિંડી કરનાર વ્યક્તિને મળે છે. આવા લોકો ગેમર્સને ઓનલાઈન ગેમ રમવા માટે ઈનામ કે ખાસ ઓફરની લાલચ આપીને લિંક્સ મોકલે છે અને તેના પર ક્લિક કરવા પ્રેરિત કરે છે. જ્યારે રમનારાઓ તે લિંક પર ક્લિક કરે છે, ત્યારે તેઓ છેતરાઈ જાય છે. આ કારણોસર, સરકારે ઓનલાઈન ગેમ રમનારાઓ માટે ચેતવણી જાહેર કરી છે અને તેમની સુરક્ષા માટે કેટલીક સલામતી ટિપ્સ પણ આપી છે.

ઑનલાઇન રમનારાઓ માટે સરકારની ટીપ્સ

  • કોઈપણ ઓનલાઈન ગેમની એપ ફક્ત Google Play Store, Apple App Store અથવા તે ગેમની સત્તાવાર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવી.
  • ઓનલાઈન ગેમિંગ એપ ડાઉનલોડ કરતા પહેલા હંમેશા ગેમની વેબસાઈટ અને પ્રકાશક વિશેની સંપૂર્ણ માહિતી તપાસવી.
  • એપ્લિકેશન ડાઉનલોડ કરતી વખતે, એપ્લિકેશન તમારા ફોનની કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓની ઍક્સેસ માટે પૂછે છે, પરંતુ તમારે ફક્ત તે જ ફાઇલોને ઍક્સેસ આપવી જોઈએ જે ગેમ રમવા માટે જરૂરી છે.
  • આ સિવાય કોઈપણ ઓનલાઈન ગેમિંગ એપ ખરીદતા પહેલા તેના ફેક સબસ્ક્રીપ્શન વિશે પણ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે નકલી સબસ્ક્રીપ્શન ખરીદવાથી ગેમર્સને નુકશાન પણ થઈ શકે છે.
  • ઓનલાઈન ગેમ્સ રમતી વખતે, ગેમર્સ ગેમિંગ પ્લેટફોર્મ પર જ તેમના સાથી ખેલાડીઓ સાથે ચેટ પણ કરે છે. આવી સ્થિતિમાં, ગેમર્સે ચેટ કરતી વખતે તેમની અંગત વિગતો શેર ન કરવી જોઈએ અથવા શેર કરતી વખતે તેમની બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે અન્ય વ્યક્તિ ખેલાડી ન હોઈ શકે પણ સાયબર ગુનેગાર પણ હોઈ શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code