હેમંત પરમાર દ્વારા
૨ જુલાઈ ૧૯૭૨.
આ એ તારીખ છે જ્યારે હિમાચલ પ્રદેશની ઠંડી હવામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે “શિમલા કરાર” પર હસ્તાક્ષર થયા હતા. આ કરારના બરાબર એક વર્ષ પહેલા, એટલે કે ૧૯૭૧માં, ભારતીય સેનાએ રણમેદાનમાં પાકિસ્તાનના એવા હાલ કર્યા હતા કે તેના બે ટુકડા થઈ ગયા અને વિશ્વના નકશા પર બાંગ્લાદેશ નામના નવા દેશનો ઉદય થયો. સેનાએ અપ્રતિમ શૌર્ય દાખવીને પાકિસ્તાનના ૯૩,૦૦૦ સૈનિકોને ઘૂંટણિયે લાવી દીધા હતા. પરંતુ, યુદ્ધના મેદાનમાં જીતેલી આ ભવ્ય બાજી જ્યારે રાજદ્વારી ટેબલ પર પહોંચી, ત્યારે જે નિર્ણયો લેવાયા તેણે ઇતિહાસનો આખો પ્રવાહ જ બદલી નાખ્યો.
૯૩,૦૦૦ યુદ્ધકેદીઓ મફતમાં મુક્ત, ઉદારતા કે પછી રાજદ્વારી અપરિપક્વતા?
જ્યારે ભારતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના પ્રમુખ ઝુલ્ફિકાર અલી ભુટ્ટો શિમલામાં વાટાઘાટો કરવા બેઠા, ત્યારે ભારત પાસે પાકિસ્તાનને કાયમ માટે સીધું દોર કરવાની સુવર્ણ તક હતી. આપણી જેલમાં પાકિસ્તાનના ૯૩,૦૦૦ સૈનિકો બંધ હતા અને પશ્ચિમ મોરચે ભારત પાસે પાકિસ્તાનની હજારો ચોરસ કિલોમીટર જમીનનો કબજો હતો. કોઈપણ મજબૂત દેશ આ મોકાનો ઉપયોગ કરીને પોતાની તમામ શરતો મનાવી લેત.
પરંતુ, શિમલામાં જે થયું તે ભારે આશ્ચર્યજનક હતું. ભારતે કોઈ નક્કર અને કાયમી ઉકેલ મેળવ્યા વિના જ પાકિસ્તાનના તમામ ૯૩,૦૦૦ યુદ્ધકેદીઓને મુક્ત કરી દીધા અને તેમની જમીન પણ પાછી સોંપી દીધી. બદલામાં ભારતને શું મળ્યું? માત્ર એક કાગળનો ટુકડો, જેના પર લખ્યું હતું કે બંને દેશો પોતાના વિવાદો પરસ્પર વાટાઘાટોથી શાંતિપૂર્ણ રીતે ઉકેલશે, જે દેશનો પાયો જ ભારત વિરોધ પર ટકેલો હોય, તેની પાસેથી શાંતિની અપેક્ષા રાખવી એ કઈ કક્ષાની રાજદ્વારી સમજદારી કહેવાય?
નિયંત્રણ રેખાની સ્થાપના, સરહદો પર કાયમી લોહી વહેવડાવવાનું લાયસન્સ
આ કરાર હેઠળ કાશ્મીરમાં રહેલી યુદ્ધવિરામ રેખાને “નિયંત્રણ રેખા” તરીકે સ્વીકારવામાં આવી. એવું ચિત્ર ઊભું કરવામાં આવ્યું કે હવે કાશ્મીર સરહદે શાંતિ સ્થપાશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, આ સમજૂતીથી પાકિસ્તાનને કાશ્મીર સરહદે છમકલાં કરવાની અને ઘૂસણખોરી ચાલુ રાખવાની ખુલ્લી છૂટ મળી ગઈ.
તે સમયે પાકિસ્તાન એટલું નબળું પડી ગયું હતું કે જો ભારતે મક્કમતા બતાવી હોત તો કાશ્મીર મુદ્દાનો હંમેશ માટે અંત આવી ગયો હોત. પરંતુ, આપણા નેતાઓની ભલાઈ અને વૈશ્વિક સ્તરે શાંતિદૂત દેખાવાની લાલસાએ કાશ્મીરના ઘાને કાયમ માટે લીલો રાખ્યો. આજે પણ સરહદ પર રોજ જે ગોળીબાર થાય છે અને આપણા વીર જવાનો શહીદ થાય છે, તે આ શિમલા કરારની જ દેન છે.
વિપક્ષનો આક્રોશ અને કડવું સત્ય, હારેલો દેશ વિજેતા બનીને પાછો ફર્યો
તે સમયે ભારતના વિપક્ષી નેતાઓએ આ કરારનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમનો આક્ષેપ એકદમ સચોટ અને ધારદાર હતો કે, “જે જીત ભારતીય સૈનિકોએ પોતાના લોહીથી લખી હતી, તેને સરકારે શાહીના એક ઘસરકાથી ભૂંસી નાખી.”
પરાકાષ્ઠા તો જુઓ, પાકિસ્તાન યુદ્ધ હારી ગયું હતું, તેના બે ટુકડા થઈ ગયા હતા, છતાં ઝુલ્ફિકાર અલી ભુટ્ટો જ્યારે શિમલાથી પાકિસ્તાન પાછા ફર્યા ત્યારે ત્યાં તેમનું ભવ્ય સ્વાગત એક વિજેતા તરીકે થયું. કારણ કે તેઓ ટેબલ પરથી યુદ્ધમાં ગુમાવેલું બધું જ એટલે સૈનિકો અને જમીન સહીસલામત પાછું લઈ આવ્યા હતા અને બદલામાં ભારતને માત્ર પોકળ વચનો આપી ગયા હતા.
આજે પણ દેશના મનમાં ખટકતા કેટલાક સવાલો છેઃ
જો ભારત પાસે પાકિસ્તાનના ૯૩,૦૦૦ યુદ્ધકેદીઓ હતા, તો બદલામાં પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળનું કાશ્મીર (પીઓકે) પાછું કેમ ન મેળવવામાં આવ્યું?
પાકિસ્તાન જેવા વિશ્વાસઘાતી પડોશી પાસેથી માત્ર લેખિત આશ્વાસન લઈને યુદ્ધકેદીઓને મુક્ત કરી દેવાની ઉતાવળ પાછળ કઈ મજબૂરી હતી?
શું તત્કાલીન નેતૃત્વ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઉદાર છબી ઊભી કરવાના મોહમાં દેશના વ્યુહાત્મક અને સૈન્ય હિતોનું બલિદાન આપી બેઠું?
ઇતિહાસ ક્યારેય નબળા નિર્ણયોને માફ કરતો નથી. શિમલા કરાર એ માત્ર ભારત-પાકિસ્તાન વચ્ચેનો શાંતિ દસ્તાવેજ નથી, પરંતુ ભારતીય રાજનીતિની એ ઐતિહાસિક અને ગંભીર ભૂલનું જીવંત ઉદાહરણ છે, જેનો ભોગ ભારત આજે દાયકાઓ પછી પણ આતંકવાદ અને સરહદી વિવાદોના રૂપમાં ભોગવી રહ્યું છે.

