[અલકેશ પટેલ] અમદાવાદ, 13 એપ્રિલ, 2026 – ઓટોમોબાઈલ, હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ, સ્ટાર્ટઅપ અને ઈનોવેશન તથા ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર જેવાં ઝડપથી ઊભરી રહેલાં ક્ષેત્રો સહિત રાજ્યના 13 મહત્ત્વના ઔદ્યોગિક ક્ષેત્રોના સમાવેશ સાથે જીસીસીઆઈ દ્વારા ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પો (GATE)ની બીજી આવૃત્તિ GATE 2026ની આજે જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) ખાતે આ અંગે યોજાયેલી વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા પ્રેસિડેન્ટ શ્રી સંદીપભાઈ એન્જિનિયરે માહિતી આપી હતી કે, આ ભવ્ય પ્રદર્શન આગામી ગુરુવારને 16 એપ્રિલથી શનિવાર 18 એપ્રિલ દરમિયાન ગાંધીનગર હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે.
આ વર્ષનો “GATE” મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા “ખોલવામાં આવશે.” આ પ્રસંગે મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ક્રેડાઈ નેશનલના પ્રેસિડેન્ટ શ્રી શેખર પટેલ તથા ટોરેન્ટ પાવર લિમિટેડના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી જીનલ મહેતા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
શ્રી સંદીપભાઈએ જણાવ્યું કે, GATE 2026નું આયોજન 2025ની પ્રથમ એડિશનની નોંધપાત્ર સફળતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. તેમણે માહિતી આપી કે, ગયા વર્ષની એડિશન MSMEs અને સ્ટાર્ટઅપ્સ માટે ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થઈ હતી, જેના દ્વારા અનેક B2B જોડાણો અને નવીન સંશોધનો પ્રદર્શિત થયાં હતાં. GATE 2026 તે જ પરંપરાને વધુ ઊંચાઈ પર લઈ જવા માટે સજ્જ છે.
તેમણે કહ્યું કે, ગયા વર્ષના એક્સ્પોનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરતી વખતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે સૂચન કર્યું હતું કે, જેમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દેશ સમક્ષ વિઝન 2047 રજૂ કરી રહ્યા છે તેવી રીતે જીસીસીઆઈએ પણ તેનો ભાવિ રોડમેપ રજૂ કરવો જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રીના આ સૂચનને ધ્યાનમાં રાખીને આ વર્ષના ગેટ-2026 દરમિયાન ગુજરાત ચેમ્બરનો આગામી 25 વર્ષનો રોડમેપ રજૂ કરવામાં આવશે.
એક પ્રશ્નના જવાબમાં જીસીસીઆઈ પ્રમુખે કહ્યું કે, ગયા વર્ષે પ્રથમ એડિશનની સરખામણીમાં આ વર્ષે બેગણા વધારે સહભાગીઓ ભાગ લેશે તેવી ધારણા છે. આ વર્ષે નવ રાજ્યોના ઉદ્યોગકારો અને મુલાકાતીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને તેથી આ વર્ષનો એક્સ્પો ઘણા મોટા સ્કેલમાં યોજાશે.
‘વિઝન 2047’ સાથે સંલગ્ન આયોજન
GATE 2026ની થીમ “ગુજરાતનું વિઝન – વૈશ્વિક મહત્વકાંક્ષા“ (Gujarat’s Vision – Global Ambition) છે જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “વિઝન 2047″ને લક્ષ્યમાં રાખવામાં આવ્યું છે. આ રોડમેપ ભારતની સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ એક્સ્પો ગુજરાતને નિરંતર, નવીન આર્થિક મજબૂતીના કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. જીસીસીઆઈના રોડમેપ સંદર્ભે વધારે વિગતો આપતા તેમણે કહ્યું કે, એ માટે ડેલોઈટને કામગીરી સોંપવામાં આવી છે.
GATE 2026ની અન્ય મુખ્ય બાબતોઃ
વ્યાપક ટ્રેડ પ્લેટફોર્મ: ૧૩ મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રો
શ્રી એન્જિનયરે માહિતી આપી કે, આ વર્ષે ઓટોમોબાઈલ, હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ, સ્ટાર્ટઅપ અને ઈનોવેશન તથા ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર જેવાં ઝડપથી ઊભરી રહેલાં ક્ષેત્રો સહિત રાજ્યના 13 મહત્ત્વના ઔદ્યોગિક ક્ષેત્રો દ્વારા ગુજરાતની ઔદ્યોગિક શક્તિનું પ્રદર્શન GATE 2026માં થશે. આ ક્ષેત્રો છે:
૧. ઓટોમોબાઈલ અને મોબિલિટી
૨. બેન્કિંગ, ફાયનાન્શિયલ સર્વિસીસ અને ઈન્સ્યોરન્સ (BFSI)
૩. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, AI અને IT
૪. શિક્ષણ અને કૌશલ્ય વિકાસ
૫. હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ
૬. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ
૭. લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન
૮. MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો)
૯. રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ટેક
૧૦. સ્ટાર્ટઅપ્સ અને ઈનોવેશન
૧૧. ટૂરિઝમ અને હોસ્પિટાલિટી
૧૨. મહિલા ઉદ્યોગસાહસિકતા
૧૩. ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર્સ
હાઈ–ઈમ્પેક્ટ સેશન્સ અને ઉદ્યોગ સંવાદ
GATE 2026 અંતર્ગત વૈશ્વિક ઉદ્યોગ જગતના ભવિષ્ય પર કેન્દ્રિત શ્રેણીબદ્ધ ઉચ્ચ સ્તરીય સત્રો યોજાશે, જેમ કે:
- CEO પાવર પેનલ: વૈશ્વિક સ્તરના વિશાળ સાહસોનું નિર્માણ.
- મુખ્ય વક્તવ્ય: ‘શૂન્ય સે શિખર તક’ – સંજય ઘોડાવત ગ્રુપના ચેરમેન શ્રી સંજય ઘોડાવત દ્વારા નેતૃત્વ પર માર્ગદર્શન.
- સેમિકોન પેનલ ચર્ચા: વૈશ્વિક સેમિકન્ડક્ટર ક્ષેત્રની તકો અને પડકારો.
- AI અને ડીપ ટેક: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોડક્ટ્સમાં રોકાણ અને ભારતના ટેક ક્ષેત્રનું ભવિષ્ય.
- સ્પોર્ટ્સ ઈકોનોમી: રમતગમતના ક્ષેત્રમાં ઉભરતી વ્યાપારી તકો.
- સ્ટાર્ટઅપ પિચિંગ: ઉભરતા ઉદ્યોગસાહસિકો માટે લાઈવ ફંડિંગ સેશન્સ.
જીસીસીઆઈ પ્રેસેડેન્ટે જણાવ્યું કે, GATE 2026 દરમિયાન જાણીતી હસ્તીઓ સાથે વિશેષ ‘ફાયરસાઈડ ચેટ્સ’ પણ યોજાશે, જે અંતર્ગતઃ
- ૧૭ એપ્રિલને શુક્રવારે: સુપ્રસિદ્ધ અભિનેત્રી અને લેખિકા સોનાલી બેન્દ્રે સાથે સંવાદ.
- ૧૮ એપ્રિલને શનિવારે: જાણીતા અભિનેતા અને મોટિવેશનલ સ્પીકર શ્રી રાકેશ બેદી દ્વારા કલા અને પ્રોત્સાહન અંગે માર્ગદર્શન.
મહત્ત્વનું છે કે આ એક્સ્પો દરમિયાન ઉદ્યોગજગતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને તેમનું માર્ગદર્શન પણ પ્રદર્શનકારો, સહભાગીઓ, સ્ટાર્ટઅપ અને ઈનોવેશમાં ઝંપલાવવા માગતા યુવાનોને મળશે.

