સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે પીએમ મોદી ગુજરાત આવશે
સોમનાથ, 8 મે, 2026 – સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે પીએમ મોદી ગુજરાત આવશે તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે અહીં જણાવ્યું હતું. મંત્રી શ્રી જીતુભાઈએ જણાવ્યું હતું કે, પીએમ મોદી 10મી મેને રવિવારે રાત્રે જામનગર આવી પહોંચશે અને 11મીએ સવારે સોમનાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના અમૃત મહોત્સવમાં સામેલ થશે.
સોમનાથ મહાદેવ મંદિરની વિરાસતના 75 વર્ષની ઉજવણીમાં સામેલ થવા પીએમ મોદીના આગમન અને તેમના કાર્યક્રમ વિશે પત્રકાર પરિષદમાં માહિતી આપતા તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી 10મીએ રાત્રે હૈદરાબાદથી લગભગ 9.45 વાગ્યે જામનગર પહોંચશે જ્યાં લાલબંગલો સર્કલ ખાતે રાજ્ય સરકારના મંત્રીઓ તેમજ ભાજપના પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ટીસીએસ કાંડની જેહાદી નિદા ખાન છેવટે ઝડપાઈ ગઈ, જાણો તેની ધરપકડના ઓપરેશન વિશે
જામનગરમાં રાત્રિ રોકાણ કરીને પ્રધાનમંત્રી 11મીને સોમવારે સવારે 9.45 વાગ્યે સોમનાથ હેલિપેડ આવી પહોંચશે. ત્યાંથી લગભગ એક કિલોમીટરના રોડશો મારફત તેઓ મહાદેવ મંદિરે પહોંચશે, જ્યાં કુંભાભિષેક, ધ્વજપૂજા, મહાપૂજામાં પીએમ મોદી સામેલ થશે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ માહિતી આપી કે, રોડશો દરમિયાન વિવિધ સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. સૌથી વિશેષ વાત એ છે કે, ગુજરાતમાં વસતા પશ્ચિમ બંગાળના નાગરિકો દ્વારા પ્રધાનમંત્રી મોદીનું ખાસ અભિવાદન કરવામાં આવશે. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપને મળેલી જીત એ એક પ્રકારે એ રાજ્ય માટે સ્વતંત્રતા જેવો ઉત્સવ છે તેવું રાજ્યના લોકો માને છે અને તેથી તેઓ સોમનાથ ખાતે પીએમનું અભિવાદન કરવા માગે છે તેમ જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું.
વડાપ્રધાન મોદી સોમનાથ મહાદેવ મંદિરમાં વિવિધ પૂજાવિધિમાં સામેલ થયા બાદ જાહેરસભાને પણ સંબોધન કરશે, તેમ જણાવી શ્રી વાઘાણીએ ઉમેર્યું કે, બપોર બાદ પીએમ મોદી વડોદરા જવા રવાના થશે. વડોદરામાં સાંજે લગભગ 4.45 વાગ્યે સરદાર ધામ કેળવણી સંકુલનું લોકાર્પણ કરશે. ત્યારપછી વડોદરા વિમાન મથક સુધીના દોઢ કિલોમીટરનો અભિવાદન કાર્યક્રમ યોજાશે.
શું છે સોમનાથ વિરાસતના 75 વર્ષ અને શું છે તેનું મહત્ત્વ?
સોમનાથ મંદિરનો ઇતિહાસ આમ તો જાણીતો છે. જેહાદી આક્રમણખોર મહંમદ ઘોરીએ આ મંદિરને 17 વખત નષ્ટ કરીને ત્યાંની અખૂટ સંપત્તિની લૂંટ પણ ચલાવી હતી. તેણે મંદિરના ભવ્ય શિવલિંગનો પણ ધ્વંસ કર્યો હતો. જોકે, 1947માં સ્વતંત્રતા બાદ તે સમયના મહાન નેતા સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો નિર્ણય લીધો હતો. જામનગરના તત્કાલિન રાજા જામસાહેબ સહિત અનેક લોકોની આર્થિક સહાયથી મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને 11 મે, 1951ના રોજ સોમનાથ પ્રાણપ્રતિષ્ઠા યોજાઈ હતી. એ ઐતિહાસિક ક્ષણને આગામી 11મી મે, 2026ના રોજ 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે.


