સુરત, 8 મે 2026: SBI bank robbery case શહેરના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેન્ક લૂંટ કેસમાં બે આરોપી યુપીથી પકડાયા બાદ પોલીસને રિમાન્ડ દરમિયાન બન્ને લૂંટારૂ શખસો પાસેથી મહત્વની વિગતો મળી છે. જેમાં લૂંટારૂ શખસોના સ્થાનિક સંપર્કની વિગત પણ મળી છે. લૂંટારૂ શખસોને ચંદન ઉર્ફે જેક ઉર્ફે દીપક નામનો શખસે આશરો આપ્યો હતો. અને આરાપીઓ લૂંટ કર્યા બાદ ભરૂચ અને ત્યાંથી સોમનાથ ગયા હતા. જો કેસ પોલીસને હજુ લૂંટમાં ગયેલી રોકડ કે હથિયારો મળ્યા નથી. આરોપી રિઢા ગુનેગારો હોવાથી પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યા છે.
સુરતની વરાછા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)માં થયેલી રૂપિયા 50 લાખની સનસનાટીભરી લૂંટના કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ગુનામાં પકડાયેલા બિહારના હિસ્ટ્રીશીટર શુભમકુમાર ઠાકુર અને વિકાસસિંહ રાજપૂતના 7 દિવસના રિમાન્ડ મંજૂર થતા પોલીસને લૂંટારૂઓના ભાગવાના રૂટ અને સ્થાનિક મદદગારોની મહત્વની કડીઓ મળી છે. લૂંટારૂ શખસોને સુરતમાં ચંદન ઉર્ફે જેક નામના શખસે સુરતમાં આશરો આપ્યો હતો અને લૂંટ બાદ આરોપીઓ પોલીસથી બચવા ભરૂચ તથા સોમનાથ સુધી પહોંચી ગયા હતા. જોકે, હજુ પણ ₹48 લાખથી વધુની રોકડ રકમ અને લૂંટમાં વપરાયેલા હથિયારો કબજે કરવાના બાકી હોવાથી પોલીસે માસ્ટરમાઇન્ડ કુંદન પાઠક સહિત અન્ય સાત ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસે કોર્ટમાં રજૂ કરેલા રિમાન્ડ રિપોર્ટ મુજબ પકડાયેલા આરોપીઓ પાસેથી અત્યાર સુધી માત્ર 93,000 રૂપિયા જ રિકવર થયા છે. લૂંટના કુલ 48,15,870 રૂપિયા હજુ પણ રિકવર કરવાના બાકી છે. આ પૈસા ક્યાં છુપાવવામાં આવ્યા છે અને તેની વહેંચણી કેવી રીતે થઈ તે જાણવા માટે આરોપીઓની પૂછપરછ અનિવાર્ય છે. તપાસનીશ અધિકારી એ.આર. વાળાએ જણાવ્યું હતું કે, આરોપીઓ પોલીસને સહકાર આપી રહ્યા નથી અને સમય પસાર કરી રહ્યા છે, જેથી કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે.


