સુશ્રી માયાવતીએ કોંગ્રેસ નેતાઓને મળવાનો ઈનકાર કરી દીધો, યુપીમેં ક્યા હો રહા હૈ?
લખનૌ, 20 મે, 2026: સુશ્રી માયાવતીએ કોંગ્રેસ નેતાઓને મળવાનો ઈનકાર કરી દીધો હોવાના સમાચાર મળી રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, કોંગ્રેસના કેટલાક નેતાઓએ ગઈકાલે મંગળવારે બીએસપી (BSP) પ્રમુખ માયાવતી સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોંગ્રેસના નેતાઓને માયાવતીના ઘરેથી ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. બસપા સુપ્રીમોએ કોંગ્રેસના નેતાઓને મુલાકાત આપવાનો ઈનકાર કર્યો હતો.
કોંગ્રેસના નેતાઓ દ્વારા મુલાકાતના આ પ્રયાસ બાદ હવે એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું ઇન્ડિ (INDI) ગઠબંધનમાં સામેલ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું? આ ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે, આખરે કોઈ પણ પ્રકારની એપોઇન્ટમેન્ટ લીધા વગર કોંગ્રેસના નેતાઓ માયાવતીના ઘરે ગયા જ કેમ, તેનો હેતુ શું હતો? ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેને લઈને રાજકીય પક્ષોમાં હલચલ શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ પીએમ મોદીએ ઈટાલીના વડાપ્રધાનને વિશિષ્ટ ગિફ્ટ આપી, જુઓ Video
કોંગ્રેસના નેતાઓ માયાવતીના ઘરે કેમ ગયા હતા?
કોંગ્રેસ નેતા રાજેન્દ્ર પાલ ગૌતમ અને બારાબંકીના કોંગ્રેસ સાંસદ તનુજ પુનિયા મંગળવારે બીએસપી સુપ્રીમો માયાવતીના ઘરે ગયા હતા અને તેમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. માયાવતીના ઘરની સુરક્ષામાં તૈનાત કર્મચારીઓએ આ સંદેશો બીએસપી વડા સુધી પહોંચાડ્યો, પરંતુ માયાવતીએ મળવાની ના પાડી દીધી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીના પ્રવાસ પહેલા કોંગ્રેસના નેતાઓ માયાવતીને મળીને કોઈ ચોક્કસ મુદ્દે વાત કરવા માંગતા હતા, પરંતુ માયાવતી મળવા ઈચ્છતા નહોતા. એવી પણ ચર્ચા છે કે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીના યુપી પ્રવાસ પહેલા તેમનો કોઈ સંદેશો લઈને માયાવતીના ઘરે પહોંચ્યા હતા.
માત્ર તબિયત પૂછવા ગયા હતા કે પછી…
બીએસપી વડા સાથે મુલાકાતના આ પ્રયાસ અંગે તનુજ પુનિયાએ મીડિયાને જણાવ્યું કે, મંગળવારે કોંગ્રેસ કાર્યાલયથી નીકળતી વખતે તેઓ પોતે અને રાજેન્દ્ર પાલ ગૌતમ માયાવતીની તબિયત પૂછવા ગયા હતા, પરંતુ મુલાકાત થઈ શકી નહોતી. તેમણે દાવો કર્યો કે રાહુલ ગાંધીના પ્રવાસને લઈને ગઈકાલે યોજાયેલી બેઠક બાદ કોંગ્રેસ કાર્યાલયથી નીકળતી વખતે અચાનક માયાવતીની તબિયતનો ખ્યાલ આવ્યો હતો. તેમણે ઉમેર્યું કે માયાવતી ઘણા દિવસોથી જાહેર પ્લેટફોર્મ પર સામે આવ્યા નહોતા, તેથી તેઓ માત્ર તેમના સમાચાર લેવા ગયા હતા.
આ પણ વાંચોઃ એક દેશ, એક ચૂંટણી શા માટે દેશહિતમાં છે? જાણો JPCએ શું કહ્યું?
જોકે હકીકત એ છે કે, રાજકારણની વાત હોય ત્યારે અચાનક કોઈ પૂર્વ યોજના વગર કે આમંત્રણ વગર કોઈ મોટા નેતાના ઘરે જવું ઘણી નવી ચર્ચાઓને જન્મ આપે છે. ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓનું માયાવતીના ઘરે જવું અને મળવાનો પ્રયત્ન કરવો, સ્વાભાવિક રીતે જ આ બધું એટલું સીધું અને સરળ નથી જેટલું દર્શાવવામાં આવી રહ્યું છે. માત્ર તબિયત પૂછવા માટે આખરે કોઈ એક પક્ષના નેતાઓ બીજા પક્ષના વડાના ઘરે ક્યારે જાય છે? સવાલ એ પણ છે કે શું આ બધું કોંગ્રેસ હાઈકમાન્ડના કહેવા પર થયું હતું કે પછી આ નેતાઓએ પોતાની રીતે જ આ પહેલ કરી હતી?
સપા સાથે બેઠકોને લઈને કોંગ્રેસના મતભેદ!
યુપીમાં કોંગ્રેસનું ગઠબંધન સમાજવાદી પાર્ટી સાથે છે. બંને પક્ષોએ લોકસભા ચૂંટણી સાથે મળીને લડી હતી અને તેનાં પરિણામો પણ બંનેના પક્ષમાં આવ્યા હતા. સપાને 80 માંથી 37 અને કોંગ્રેસને 6 બેઠકો મળી હતી. જોકે, આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને બંને પક્ષો વચ્ચે સીટ શેરિંગ બાબતે મતભેદ ચાલતા હોય તેવું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ જ્યાં કુલ 403માંથી ઓછામાં ઓછી 150 બેઠકો ઈચ્છે છે, ત્યાં સપાના નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસને 50 થી વધુ બેઠકો આપી શકાય તેમ નથી.
આ પણ વાંચોઃ બ્રાહ્મણ વિરોધનો બૌદ્ધિક મંચ કે રાજકીય ઝેર? ભાટીના નિવેદન બાદ કોંગ્રેસ પર પણ ઉઠ્યા સવાલો
સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ હાલમાં ઉપરછલ્લી રીતે ગઠબંધન મજબૂત હોવાની વાતો કરે છે, પરંતુ બંને પક્ષો વચ્ચે બધું બરાબર હોય એવું કદાચ નથી. અગાઉ કોંગ્રેસમાં રહેલા નસીમુદ્દીન સિદ્દીકીને સપાએ પોતાના પક્ષમાં સામેલ કરી લીધા હતા. કોંગ્રેસ પણ સપાના કામના નેતાઓને પોતાની સાથે લાવવાની મથામણમાં લાગેલી છે. આવી સ્થિતિમાં જ્યારે બંને પક્ષો સાથે છે, તો પછી એકબીજાના નેતાઓને તોડવાનો પ્રયત્ન કેમ? આ વિવાદ હજુ શમ્યો નહોતો, ત્યાં જ કોંગ્રેસના નેતાઓનું માયાવતીના ઘરેથી અપમાનિત થઈને પાછા ફરવું નવી રાજકીય ચર્ચાઓને જન્મ આપી રહ્યું છે.


