Homeગુજરાતીઆધ્રપ્રદેશને રૂ. 18 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ, PM મોદીએ ભાગપુરમમાં આંતરરાષ્ટ્રીય...

આધ્રપ્રદેશને રૂ. 18 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ, PM મોદીએ ભાગપુરમમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કર્યું લોકાર્પણ

અમરાવતી, 1 ઓગસ્ટ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આંધ્ર પ્રદેશના વિજયનગરમ જિલ્લાના ભોગપુરમ ખાતે નિર્મિત અત્યાધુનિક અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. આ એરપોર્ટના નિર્માણ પાછળ આશરે રૂ. 5000 કરોડનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. આંધ્ર પ્રદેશ સરકાર ઉત્તર આંધ્ર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે આ આધુનિક એરપોર્ટને અત્યંત સીમાચિહ્નરૂપ માની રહી છે. પીએમ મોદીએ એરપોર્ટના મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ધાટન બાદ એરપોર્ટ પરિસરનું નિરીક્ષણ કર્યું હતું.

ભોગપુરમ ખાતે આયોજિત વિશાળ જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે, દુનિયાભરના લોકશાહી દેશો આજે નવા નેતૃત્વના અભાવે અનેક પ્રકારની કટોકટીનો સામનો કરી રહ્યા છે, પરંતુ ભારત આ બાબતે અત્યંત નસીબદાર છે કે તેની પાસે એક પરખાયેલું અને મજબૂત નેતૃત્વ છે. તેમણે ઉમેર્યું કે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે પોતાના સફળ 25વર્ષ પૂર્ણ કર્યા છે અને દેશ માટે અસાધારણ કાર્યો કર્યા છે.

જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણની શરૂઆત આંધ્ર પ્રદેશની પવિત્ર ભૂમિને નમન કરીને કરી હતી. તેમણે કહ્યું કે આજનો દિવસ આંધ્ર પ્રદેશના વિકાસ અને ‘સ્વર્ણ આંધ્ર’ ના વિઝન માટે અત્યંત ઐતિહાસિક છે. વડાપ્રધાને જણાવ્યું કે આજે આ પવિત્ર ધરતી પરથી આશરે રૂ. 18 હજાર કરોડની વિકાસ પરિયોજનાઓનો શુભારંભ, લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ એરપોર્ટની સાથે-સાથે રોડ કનેક્ટિવિટી અને ઉર્જા સુરક્ષાને લગતા પ્રોજેક્ટ્સ પણ સામેલ છે, જે રાજ્યની તેજ ગતિથી થઈ રહેલી પ્રગતિની લાક્ષણિકતા છે.

આદિવાસી બહેનો-દીકરીઓ દ્વારા પ્રસ્તુત ધિમસા નૃત્યના વખાણ કરતા પીએમએ કહ્યું કે એક તરફ વિકાસના નવા રેકોર્ડ બની રહ્યા છે, તો બીજી તરફ સાંસ્કૃતિક ક્ષેત્રે પણ અદભુત નજારો જોવા મળ્યો છે. 13 હજારથી વધુ આદિવાસી દીકરીઓનો ઉત્સાહ અને અનુશાસન આપણા દેશની વિવિધતા અને પેઢી દર પેઢી જળવાયેલી આદિવાસી વિરાસતનું ઉત્તમ ઉદાહરણ છે.

  • દેશમાં બ્લુ ઈકોનોમી મજબુત બની

અગાઉની સરકારો પર કટાક્ષ કરતા વડાપ્રધાને કહ્યું કે, ભૂતકાળમાં એરપોર્ટના નામ માત્ર એક જ પરિવારના નામે ધરી દેવામાં આવતા હતા, પરંતુ એનડીએ સરકારે આ જૂની પરંપરાને સદંતર બદલી નાખી છે. અગાઉ અયોધ્યા એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મિકી અને પંજાબમાં સંત રવિદાસજીના નામ પર રાખવામાં આવ્યું હતું, અને હવે કેન્દ્ર સરકારે આ નવા એરપોર્ટનું નામ મહાન સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુના નામ પર રાખવાનો ગર્વભર્યો નિર્ણય કર્યો છે. છેલ્લા 12 વર્ષમાં દેશના ઉડ્ડયન ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ કરી હોવાનું જણાવતા તેમણે કહ્યું કે વર્ષ 2014 સુધી દેશમાં માત્ર 74 એરપોર્ટ્સ જ કાર્યરત હતા, જેની સંખ્યા આજે વધીને 166 પર પહોંચી ગઈ છે.

અગાઉ હવાઈ મુસાફરી માત્ર મોટા શહેરો પૂરતી સીમિત હતી, પરંતુ આજે નાના શહેરોના સામાન્ય નાગરિકો પણ પ્લેનમાં સફર કરી રહ્યા છે. દેશે ‘બ્લુ ઇકોનોમી’ને સતત મજબૂત કરી છે અને વિશાખાપટ્ટનમથી કૃષ્ણાપટ્ટનમ સુધીના દરિયાકાંઠાના વિસ્તારોને ઇકોનોમિક કોરિડોર તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. આ સાથે જ ભવિષ્યની ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને વિશાખાપટ્ટનમમાં નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે.

સત્તાવાર વિગતો મુજબ, આ એરપોર્ટની ડિઝાઇન આંધ્ર પ્રદેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતથી પ્રેરિત છે. ટર્મિનલની છતની આકૃતિ પરંપરાગત ‘ચુટ્ટિલુ’ ઝૂંપડીઓ અને અરાકુ ઘાટીના કુદરતી સૌંદર્યને ઉજાગર કરે છે, જ્યારે તેની લહેરદાર ડિઝાઇન હવામાં ઉડતી માછલીની સુંદર ચાલ દર્શાવે છે. એરપોર્ટના પ્રથમ તબક્કામાં દર વર્ષે 60 લાખ મુસાફરોને હેન્ડલ કરવાની ક્ષમતા છે, જેને ભવિષ્યમાં વધારીને વાર્ષિક 4 કરોડ મુસાફરો સુધી લઈ જવાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. આ એરપોર્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિલ્ડિંગ ઇન્ફોર્મેશન મોડેલિંગ, એરસાઇડ 4.0 ટેકનોલોજી, એરપોર્ટ પ્રિડિક્ટિવ ઓપરેશન્સ સેન્ટર અને બાયોમેટ્રિક પેસેન્જર પ્રોસેસ જેવી અત્યાધુનિક સુવિધાઓનો ભરપૂર ઉપયોગ કરાયો છે.

સંબંધિત લેખો

Most Popular