નવી દિલ્હી, 14 ઓગસ્ટ 2026: પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે વધુ એકવાર ભારત સામે આક્રમક વલણ અપનાવતા પાણીના મુદ્દે કડક ચેતવણી આપી છે. પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ યોજાયેલા એક કાર્યક્રમમાં શરીફે સિંધુ જળ સંધિને પાકિસ્તાન માટે ‘રેડ લાઇન’ ગણાવતા દાવો કર્યો હતો કે, જો ભારતે પોતાના વલણ પર પુનર્વિચાર નહીં કરે તો તેને ‘યોગ્ય જવાબ’ આપવામાં આવશે. શરીફે ભારત પર ‘શાંતિના દુશ્મન’ હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. જો કે, ભારત સામેની આ આક્રમક નિવેદન વચ્ચે પાકિસ્તાન હાલ ખૈબરપખ્તૂનખ્વામાં આતંકવાદી હિંસા, બલૂચિસ્તાનમાં અસંતોષ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વિરોધ પ્રદર્શનો અને પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની જેલવાસ જેવી ગંભીર આંતરિક કટોકટીઓથી ઘેરાયેલું છે.
ગત વર્ષે 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હમલામાં 26 લોકોના મોત બાદ ભારતે 23 એપ્રિલના રોજ સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિની બેઠક યોજીને સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો મોટો નિર્ણય લીધો હતો. ભારતનું સ્પષ્ટ માનવું છે કે જે પરિસ્થિતિઓમાં આ સમજૂતી થઈ હતી, તે હવે સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે. નવી દિલ્હીએ સ્પષ્ટ કરી દીધું છે કે સીમા પારના આતંકવાદ સામે પાકિસ્તાન તરફથી જ્યાં સુધી વિશ્વસનીય અને નક્કર કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી આ સંધિ તેના વર્તમાન સ્વરૂપમાં આગળ વધી શકે નહીં.
બીજી તરફ, પાકિસ્તાની વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, શરીફે ભારત પર એકતરફી અને ગેરકાયદેસર રીતે સંધિ અટકાવવાનો આરોપ લગાવતા કહ્યું કે, પાકિસ્તાનના પાણીનું ‘દરેક ટીપું’ તેમની રેડ લાઇન છે અને આ મુદ્દે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.
બલૂચિસ્તાનમાં ‘બ્લેક ડે’ ની ઉજવણી
ભારતને ધમકીઓ આપનાર પાકિસ્તાનને પોતાના જ ઘરઆંગણે ભીષણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. બલૂચિસ્તાનમાં રાષ્ટ્રવાદીઓએ 14 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસને ‘કાળા દિવસ’ તરીકે ઉજવવાનું આહ્વાન કર્યું હતું. બલૂચ નેતા અને કાર્યકર્તા મીર યાર બલૂચે વિશ્વભરના બલૂચ લોકોને સ્વતંત્રતા દિવસના કાર્યક્રમોનો બહિષ્કાર કરવા અપીલ કરી હતી. સુરાબ વિસ્તારમાં કથિત સૈન્ય હુમલાઓ અને લડાકુ વિમાનો દ્વારા કરાયેલી બોમ્બમારીને લઈને માનવ અધિકાર કાર્યકર્તાએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમનો દાવો છે કે આ હુમલાઓમાં બાળકો સહિત મોટી સંખ્યામાં નિર્દોષ નાગરિકોના મોત થયા છે અને સૈન્ય દમનનો ભોગ બનવું પડ્યું છે.
ખૈબર પખ્તૂનખ્વામાં આતંકવાદનો ભય અને PoJK માં આક્રોશ
પાકિસ્તાનની આંતરિક સુરક્ષા વ્યવસ્થા પણ સંપૂર્ણપણે ભાંગી પડી છે. ખૈબર પખ્તૂનખ્વાના સ્વાતમાં કાબુલ પોલીસ સ્ટેશન પાસે થયેલા આત્મઘાતી હમલામાં 7 પોલીસકર્મીઓ સહિત 17 લોકોના મોત નીપજ્યા છે અને 27 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાએ સરકારના એ દાવાઓની પોલ ખોલી નાખી છે જેમાં તે આતંકવાદ પર કાબૂ મેળવવાનો દાવો કરતી હતી.
વળી, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoJK) માં પણ ભારે રાજકીય અસંતોષ પ્રવર્તી રહ્યો છે. સંયુક્ત અવામી એક્શન કમિટીના નેતૃત્વ હેઠળ નાગરિકોએ ચૂંટણી પ્રક્રિયા, પ્રતિબંધો, ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવા અને સુરક્ષા બળોના દમન સામે મોરચો માંડ્યો છે. રાવલકોટમાં સુરક્ષા બળોની ગોળીબારની ઘટનામાં નાગરિકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે. ભારતના વિદેશ મંત્રાલયે પણ PoK માં થઈ રહેલા માનવ અધિકારોના ઉલ્લંઘન અંગે પાકિસ્તાનને જવાબદાર ઠેરવતા જણાવ્યું છે કે ત્યાંના અસંતોષને માત્ર ‘ગોળીઓ અને અંધકાર’ થી દબાવવામાં આવી રહ્યો છે.
ઇમરાન ખાનની જેલવાસે વધારી રાજકીય અસ્થિરતા
પાકિસ્તાનની કટોકટી માત્ર સુરક્ષા પૂરતી મર્યાદિત નથી, પરંતુ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની લાંબી જેલકેદને કારણે રાજકીય તણાવ પણ ચરમસીમાએ છે. ઇમરાન ખાનના પુત્રો સુલેમાન ખાન અને કાસિમ ખાને તેમના પિતાની તબિયત અને પરિવાર, ડૉક્ટરો તથા વકીલોને મળવા ન દેવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ઇમરાન ખાન વર્ષ 2023થી વિવિધ કેસોમાં જેલમાં બંધ છે અને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પર સતત થઈ રહેલી કાર્યવાહીએ દેશની લોકશાહી વ્યવસ્થા પર મોટા સવાલો ખડા કર્યા છે.

