નવી દિલ્હી, 20 ઓગસ્ટ 2026: દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, પરસ્પર સહમતિથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા પુખ્ત વયના લોકોનો સંબંધ લગ્ન સમાન છે. કોર્ટે જણાવ્યું છે કે માતા-પિતા, સગા-સંબંધીઓ કે મિત્રોને યુગલની આ વ્યક્તિગત પસંદગીમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી, અને ન તો કોઈ તેમની જાન કે સ્વતંત્રતાને જોખમમાં મૂકી શકે છે. આ સાથે અદાલતે પરિવાર તરફથી ધમકીઓનો સામનો કરી રહેલા એક લિવ-ઇન યુગલને પોલીસ સુરક્ષા પણ પૂરી પાડી છે.
જસ્ટિસ સૌરભ બેનર્જીએ આ અરજી પર આદેશ આપ્યો હતો. અરજદાર યુગલની ઉંમર 30 વર્ષથી વધુ છે. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે તેઓ કેટલાક સમયથી સાથે રહે છે અને ભવિષ્યમાં લગ્ન કરવાનો ઇરાદો પણ ધરાવે છે. જોકે, યુવતીના પિતા અને ભાઈ આ સંબંધથી નાખુશ હતા અને સતત હિંસાની ધમકીઓ આપી રહ્યા હતા. યુગલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.
કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું, “સંપૂર્ણ જવાબદારી સાથે પુખ્ત વયના લોકોએ લિવ-ઇનમાં રહેવાનો નિર્ણય કર્યો છે, ત્યારે માતા-પિતા કે સગા-સંબંધીઓ સહિત કોઈને પણ તેમની પસંદગીમાં અવરોધ ઉભો કરવાનો કે હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી.” કોર્ટે ઉમેર્યું કે ભલે તેઓ કાયદેસર રીતે પરણિત નથી, પરંતુ પરસ્પર સહમતિથી સાથે રહેતા પુખ્તોનો આ સંબંધ લગ્ન બરાબર જ છે.
અદાલતે વધુમાં જણાવ્યું કે જાતિ, ધર્મ કે આસ્થાના આધારે પુખ્તોના અધિકારોને અટકાવી ન શકાય. બંધારણ દ્વારા આપવામાં આવેલા મૌલિક અધિકારોને સામાજિક નૈતિકતા અને પૂર્વગ્રહોના આધારે મર્યાદિત કરવા એ વ્યક્તિને તેની સ્વતંત્ર ઓળખથી વંચિત રાખવા સમાન છે. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓનો ઉલ્લેખ કરીને હાઈકોર્ટે પુનરોચ્ચાર કર્યો હતો કે કાયદાની નજરમાં પુખ્તોને પોતાની ઈચ્છા મુજબ જીવવાનો અસીમ અધિકાર પ્રાપ્ત છે.


