- પ્રવાસીઓને દૂધપથરી અને યુસમર્ગ જેવા પ્રખ્યાત સ્થળોએ જવા પર સખત મનાઈ
શ્રીનગર, 4 સપ્ટેમ્બર, 2026 – જમ્મુ અને કાશ્મીરના બડગામના અશદાર ગલી વિસ્તારમાં એક સંયુક્ત ઓપરેશન દરમિયાન સેનાએ એક આતંકવાદીને ઠાર કરી દીધો છે. આજે શુક્રવારે બપોરે ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને શ્રીનગર સીઆરપીએફે (CRPF) સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જે વિસ્તારમાં અથડામણ થઈ રહી છે, તે પીર પંજાલ રેન્જમાં આવે છે. આ વિસ્તાર દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લા અને જમ્મુ ક્ષેત્રના પૂંછ જિલ્લાની સરહદને અડીને આવેલો છે. વિસ્તારમાં હજુ પણ એકથી બે આતંકવાદીઓ છુપાયા હોવાના અહેવાલ છે.
આતંકવાદીએ ગોળીબાર કર્યા બાદ અથડામણ
આ દરમિયાન જવાનોએ શંકાસ્પદ હલચલ જોઈ અને પડકાર ફેંકતા જ આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ત્યારબાદ સામસામે ભારે અથડામણ થઈ હતી. આ દરમિયાન એક આતંકવાદી માર્યો ગયો. તેની પાસેથી એકે-47 (AK-47) રાઇફલ અને અન્ય યુદ્ધ સામગ્રી જપ્ત કરવામાં આવી છે. હાલમાં ઓપરેશન ચાલુ છે.
ઓપરેશન અંગે વાત કરતા અધિકારીઓએ જણાવ્યું કે, ‘જમ્મુ કાશ્મીરના બડગામમાં સેના અને અન્ય સુરક્ષા દળોના સંયુક્ત ઓપરેશનમાં એક આતંકવાદી માર્યો ગયો છે.’
દિવસો સુધી ચાલી ઘેરાબંધી અને તલાશી
આ મોટું એન્ટી-ટેરર ઓપરેશન ગુરૂવારે બડગામ જિલ્લાના ઊંચા પહાડી અને જંગલ વિસ્તારોમાં કેટલાય દિવસો સુધી ચાલેલી ઘેરાબંધી અને તલાશી અભિયાન બાદ શરૂ કરવામાં આવ્યું હતું. એનકાઉન્ટર ગુરૂવારે મોડી સાંજે શરૂ થયું, જ્યારે સુરક્ષાકર્મીઓની સંયુક્ત ટીમ—જેમાં ભારતીય સેનાના 10 પેરા કમાન્ડો, જમ્મુ-કાશ્મીર પોલીસ (SOG) અને સીઆરપીએફ (CRPF) સામેલ હતા—તેમણે દુર્ગમ અને જંગલ વિસ્તારમાં ઘેરાયેલા ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓના એક જૂથને પકડવા માટે મજબૂત ઘેરાબંધી કરી હતી.
ડેટા ટ્રેક કર્યા પછી આતંકવાદીઓ અશદાર ગલી વિસ્તાર પાસે છુપાયેલા હોવાનું જાણવા મળ્યું હતું અને ગુરૂવારે મોડી સાંજે (3 સપ્ટેમ્બર) 10 પેરાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે શરૂઆતી ગોળીબાર થયો હતો.
આખી રાત ઘનઘોર જંગલમાંથી આવતો રહ્યો ગોળીઓનો અવાજ
આખી રાત ઘનઘોર જંગલ વિસ્તારમાંથી રોકાઈ-રોકાઈને ગોળીઓનો અવાજ આવતો રહ્યો, જ્યારે ભાગવાના તમામ સંભવિત રસ્તાઓને બંધ કરવા માટે સ્થળ પર વધારાનું દળ મોકલવામાં આવ્યું હતું. આખરે આજે સુરક્ષા દળો એક આતંકવાદીને ઠાર કરવામાં સફળ રહ્યા, જ્યારે અન્ય આતંકવાદીઓ વિરુદ્ધ ‘સર્ચ એન્ડ ડિસ્ટ્રોય’ ઓપરેશન ચાલુ છે. પહેલગામ હુમલા પછી 2025માં થયેલા ઓપરેશન્સ બાદ આ વિસ્તારમાં આ પહેલું મોટું ઓપરેશન છે.
ગુપ્ત માહિતી પર આધારિત આ ‘સર્ચ એન્ડ ક્રોસ ઓપરેશન’ (CASO) પાખેરપોરા (પુલવામા) અને પ્રખ્યાત ટૂરિસ્ટ હબ યુસમર્ગ (બડગામ)ના ઊંચા વિસ્તારો વચ્ચે ફેલાયેલા ઘાટા અને ઊંચા પહાડી જંગલમાં ચલાવવામાં આવી રહ્યું છે.
માહિતી અનુસાર ઘેરાબંધી કરાયેલા વિસ્તારમાં બેથી ત્રણ સક્રિય આતંકવાદીઓ ફસાયેલા હતા. ખૂબ જ મુશ્કેલ રસ્તાઓ, ખરાબ હવામાન અને જંગલના ઘનઘોર વૃક્ષો વચ્ચે મોબાઇલ નેટવર્ક કે સામાન્ય રેડિયો સિગ્નલ સરખી રીતે કામ ન કરવાના કારણે ઓપરેશનમાં થોડો વિલંબ થયો હતો.
બીજી તરફ, જિલ્લા વહીવટીતંત્રે ઇમરજન્સી એડવાઇઝરી જારી કરી છે. સામાન્ય લોકોની સુરક્ષા માટે આગામી આદેશ સુધી પ્રવાસીઓને દૂધપથરી અને યુસમર્ગ જેવા પ્રખ્યાત સ્થળોએ જવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે.


