નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર 2026: ગેરકાયદેસર નશાકારક પદાર્થોની તસ્કરી પર તેની સતત કાર્યવાહી ચાલુ રાખતા, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સએ પૂર્વોત્તરમાં એક મોટા ડ્રગ સ્મગલિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે, જેના પરિણામે પ્રદેશમાં મેથામ્ફેટામાઇનની સૌથી મોટી જપ્તીઓમાંથી એક થઈ છે. જપ્ત કરાયેલા માલનું અંદાજિત ગેરકાયદેસર બજાર મૂલ્ય સેંકડો કરોડ રૂપિયા થાય છે. ગુપ્તચર માહિતીના આધારે હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં સંકલિત દેખરેખ અને એકસાથે અનેક સ્થળોએ કરવામાં આવેલી કાર્યવાહીનો સમાવેશ થતો હતો, જેના પરિણામે મેથામ્ફેટામાઇનનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો.
ચોક્કસ બાતમી પર કામ કરતા, ડીઆરઆઈ અધિકારીઓએ આસામ અને ત્રિપુરામાં બહુવિધ સ્થળોએ ચાર ટ્રકોને આંતરી હતી, જેમાં મેથામ્ફેટામાઇન ગોળીઓનો મોટો જથ્થો વહન કરાતો હોવાની શંકા હતી. 15.09.26ના રોજ હાથ ધરવામાં આવેલા પ્રથમ ઓપરેશન દરમિયાન, આસામ રાઈફલ્સની 38મી બટાલિયનના સહયોગથી સિલચરથી આશરે 100 કિમી દૂર આવેલા આસામના રામનાથપુર ખાતે શંકાસ્પદ ટ્રકો પૈકીની એક ટ્રકની ઓળખ કરી તેને અટકાવવામાં આવી હતી. ત્યારબાદ, તે જ વિસ્તારમાં સમાન પ્રકારનો માલસામાન લઈ જતી બીજી શંકાસ્પદ ટ્રક મળી આવી હતી; જોકે, વાહન સાથે ડ્રાઈવર કે હેલ્પર હાજર નહોતા.
પ્રથમ ટ્રકની ઝીણવટભરી તપાસ દરમિયાન ડ્રાઇવરની કેબિનની છતમાં છુપાવવામાં આવેલા ગુલાબી-નારંગી રંગની ગોળીઓ ધરાવતા 275 પેકેટ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 55 કિલોગ્રામ હતું. આ ગોળીઓ મેથામ્ફેટામાઇનની હોવાની શંકા છે. બીજા ટ્રકની પણ ઝીણવટભરી તપાસ કરતાં ડ્રાઇવરની કેબિનની છતમાં છુપાવવામાં આવેલા સમાન રંગની ગોળીઓના 271 પેકેટ મળી આવ્યા હતા, જેનું વજન 54.2 કિલોગ્રામ હતું. કુલ 109.2 કિલોગ્રામ શંકાસ્પદ મેથામ્ફેટામાઇનની ગોળીઓ મળી આવી હતી અને NDPS અધિનિયમની જોગવાઈઓ હેઠળ બે વાહનો સાથે જપ્ત કરવામાં આવી હતી. આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
તે જ ગુપ્તચર માહિતીના આધારે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીના ભાગરૂપે, સિમેન્ટનો જાહેર કરાયેલ જથ્થો લઈ જઈ રહેલા અન્ય એક માલવાહક વાહનની ઓળખ કરવામાં આવી હતી. આ વાહન ખોવાઈથી અગરતલા તરફ જઈ રહ્યું હતું અને અગરતલાથી આશરે 45 કિલોમીટર દૂર તેલિયામુરા ખાતે 28 બટાલિયન, આસામ રાઇફલ્સની મદદથી તેને અટકાવવામાં આવ્યું હતું. તેની ઝીણવટભરી તપાસ દરમિયાન ડ્રાઇવરની કેબિનની છતમાં છુપાવવામાં આવેલા ગુલાબી-નારંગી રંગની ગોળીઓ ધરાવતા 295 પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા હતા, જેમાં 72.6 કિલોગ્રામ મેથામ્ફેટામાઇનની હોવાની શંકા ધરાવતી ગોળીઓ હતી. નશીલો પદાર્થ અને વાહન જપ્ત કરવામાં આવ્યા હતા અને ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી.
ઓપરેશન દરમિયાન વિકસાવવામાં આવેલી વધુ બાતમી અને ડીઆરઆઈ અધિકારીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહીના કારણે ત્રિપુરાના પનિસાગર નજીક તે જ સિન્ડિકેટની અન્ય એક ટ્રકની ઓળખ કરાઈ હતી. વાહનની તપાસ કરતા 50 કિલો શંકાસ્પદ મેથામ્ફેટામાઇન ગોળીઓ મળી આવી હતી, જે વાહનમાં છુપાવવામાં આવી હતી. ગેરકાયદેસર માલ અને વાહન જપ્ત કરવામાં આવ્યા હતા અને ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી.
ડીઆરઆઈની સંકલિત કાર્યવાહીના પરિણામે કુલ 231.8 કિલો શંકાસ્પદ મેથામ્ફેટામાઇન ગોળીઓ જપ્ત કરવામાં આવી હતી અને ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. ગેરકાયદેસર માલના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા ચારેય ટ્રકોને પણ જપ્ત કરવામાં આવ્યા છે. અગાઉ, ઓગસ્ટ 2026 ના મહિનામાં, DRIએ સિલચર અને મિઝોરમ નજીક હાથ ધરેલી બે ઇન્ટેલિજન્સ-આધારિત કામગીરીમાં 76 કિલો મેથામ્ફેટામાઇન ગોળીઓ જપ્ત કરી હતી, જે જુદી જુદી જગ્યાએ વાહનોમાં છુપાવેલી મળી આવી હતી.


