કોચી, 18 સપ્ટેમ્બર, 2026 – Viksit Bharat@2047 રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે સરકાર વિકસિત ભારત@2047ના વિઝનને સાકાર કરવા માટે નાગરિકોમાં મક્કમતા, દ્રઢ સંકલ્પ, કરુણા, નવીનતા, શક્તિ, સમાવેશી સમૃદ્ધિ અને રાષ્ટ્રીય ઓળખની મજબૂત ભાવનાને પ્રોત્સાહન આપવા પર વિશેષ ધ્યાન આપીને દેશની સેવા કરી રહી છે.
આજે 18 સપ્ટેમ્બર 2026 ના રોજ કેરળના કોચી ખાતે એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સદીઓ જૂના મૂલ્યો જેવા કે મુશ્કેલીઓ સામે ટકી રહેવાની હિંમત, નાગરિકોની સુરક્ષા અને રક્ષણ, સેવાની ભાવના, લક્ષ્યો પ્રાપ્ત કરવાનો દ્રઢ સંકલ્પ, કરુણા, ભાવિ પેઢીઓને પ્રેરણા આપવી, રાષ્ટ્રીય ક્ષમતાઓને મજબૂત બનાવવી તથા સમાવેશી સમૃદ્ધિ અને વૈશ્વિક નેતૃત્વ સુનિશ્ચિત કરવા જેવા ગુણોમાંથી પ્રેરણા લઈને વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચોઃ આત્મનિર્ભર ભારત: રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રી ધ્રુવ NG હેલિકોપ્ટર સોંપશે
રક્ષા મંત્રીએ જણાવ્યું કે 2014 પહેલાં ભારતે ભ્રષ્ટાચાર અને ખરાબ શાસન જેવાં સખત પડકારોનો સામનો કરવો પડ્યો હતો, જેણે લોકોનું મનોબળ નબળું પાડ્યું હતું. છેલ્લા 12 વર્ષમાં દેશની પ્રગતિ વિપરીત પરિસ્થિતિઓનો આત્મવિશ્વાસપૂર્વક સામનો કરવાની અને પડકારોને તકોમાં બદલવાની તેની ક્ષમતા દ્વારા ઘડાઈ છે. તેમણે કહ્યું, “છેલ્લા 12 વર્ષોમાં દેશે કોવિડ-19 જેવી વૈશ્વિક મહામારીનો સામનો કર્યો છે અને અનેક યુદ્ધો જોયા છે, જેની વૈશ્વિક અર્થતંત્ર પર ઊંડી અસર પડી છે. વૈશ્વિક પડકારો છતાં, આપણે આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગ પર સતત આગળ વધી રહ્યા છીએ.”
દુષ્ટ દળો સામે નાગરિકોના રક્ષણ અને સુરક્ષા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા પુનરોચ્ચારતાં શ્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર એ વાતનો પુરાવો છે કે દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતાને જોખમમાં મૂકનારાઓનો સફાયો કરવા માટે ભારત સરહદ પાર કરવા પણ તૈયાર છે. તેમણે ઉમેર્યું કે નક્સલવાદનો પણ અંત લાવવામાં આવ્યો છે.
આત્મનિર્ભર ક્ષમતાઓને સતત મજબૂત કરવાના સરકારના ઉદ્દેશ્ય અંગે બોલતાં રક્ષા મંત્રીએ જણાવ્યું કે દેશી સંરક્ષણ ઉત્પાદન, જે 2014 માં માત્ર ₹40,000 કરોડ હતું, તે હવે વધીને અંદાજે ₹1.80 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. તેમણે ઉમેર્યું કે સંરક્ષણ નિકાસ અંદાજે ₹600 કરોડથી વધીને લગભગ ₹40,000 કરોડ થઈ ગઈ છે અને ભારતીય ઉપકરણો આશરે 100 દેશો સુધી પહોંચી રહ્યા છે.
હિંમત અને દ્રઢ નિશ્ચય સાથે પોતાના લક્ષ્યો તરફ અથાક પરિશ્રમ કરવાના દેશના સંકલ્પને વાચા આપતાં શ્રી રાજનાથ સિંહે યુવાનોને દેશની સૌથી મોટી શક્તિ ગણાવ્યા હતા. તેમણે કહ્યું, “આપણા યુવાનો સ્ટાર્ટ-અપ્સ ઊભા કરી રહ્યા છે, યુનિકોર્ન બનાવી રહ્યા છે, ડ્રોન વિકસાવી રહ્યા છે, હાઇડ્રોજન ટ્રેનો બનાવી રહ્યા છે તથા રોકેટ અને સેટેલાઇટ બનાવી રહ્યા છે. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે તેઓ કોઈ કસર છોડી રહ્યા નથી.”
રક્ષા મંત્રીએ ઉમેર્યું કે કરુણાના ગુણથી પ્રેરાઈને સરકાર લોકોના જીવન ધોરણને સુધારવા માટે કામ કરી રહી છે. તેમણે નોંધ્યું કે છેલ્લા 10 થી 12 વર્ષોમાં 250 મિલિયન (25 કરોડ) થી વધુ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે ભારતની લોકશાહીની સફળતા હોય કે તેની કલ્યાણકારી યોજનાઓની સફળતા હોય, ભારત આજે વિશ્વ માટે પ્રેરણાસ્રોત બની રહ્યું છે. તેમણે UPI નો ઉલ્લેખ કર્યો હતો, જે વિશ્વની સૌથી મોટી રીયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે અને જેને 11 થી વધુ દેશોએ અપનાવી છે. તેમણે પીએમ શ્રી, આયુષ્માન ભારત, લખપતિ દીદી, પ્રધાનમંત્રી આવાસ યોજના, જલ જીવન મિશન અને ઉજ્જવલા યોજના જેવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેમણે વિકાસને વધુ સમાવેશી બનાવ્યો છે.
શ્રી રાજનાથ સિંહે નોંધ્યું હતું કે ભારત વિશ્વ માટે આશાનું કિરણ બન્યું છે કારણ કે તેણે આબોહવા પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ) સામે લડવા માટે નક્કી કરેલા અનેક લક્ષ્યાંકો સમય કરતાં પહેલાં પ્રાપ્ત કરી લીધા છે. સાથે જ કોવિડ-19 દરમિયાન દેશમાં લોકોને મફત રસી પૂરી પાડી હતી અને 100 દેશોમાં 300 મિલિયન (30 કરોડ) થી વધુ રસીઓ મોકલી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત એક સાંસ્કૃતિક અને સભ્યતાલક્ષી નેતા તરીકે ઉભરી આવ્યું છે કારણ કે આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવે છે. તેમણે ઉમેર્યું કે ભારત હવે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ અને ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ જેવી પહેલો દ્વારા વિશ્વને નેતૃત્વ પૂરું પાડી રહ્યું છે.
રક્ષા મંત્રીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે ભારતની વિકાસ યાત્રા માત્ર આર્થિક વૃદ્ધિ સુધી સીમિત નથી, પરંતુ તેમાં રાષ્ટ્રીય આત્મવિશ્વાસને મજબૂત કરવાનો અને સંસ્થાનવાદી (ગુલામીની) માનસિકતામાંથી બહાર નીકળવાનો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારત સાંસ્કૃતિક અને સભ્યતાના પુનર્જાગરણનું સાક્ષી બની રહ્યું છે. સાંસ્કૃતિક અને સભ્યતાના વારસાના મહત્વ પર પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું હતું કે દેશનું આધુનિકીકરણ તેની સાંસ્કૃતિક પરંપરાઓ પ્રત્યેના આદર સાથે કદમ મિલાવીને ચાલવું જોઈએ. તેમણે ઉમેર્યું, “‘સર્વધર્મ સમભાવ’ અથવા તમામ ધર્મો પ્રત્યે સમાન આદર હંમેશાં આપણી સભ્યતાના મુખ્ય હાર્દમાં રહ્યો છે. તેમ છતાં, પશ્ચિમી બિનસાંપ્રદાયિકતાને કારણે આપણા ધર્મને સંપ્રદાયવાદ, પરંપરાને પછાતપણું, માન્યતાને કટ્ટરતા અને શ્રદ્ધાને અંધશ્રદ્ધા તરીકે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.”
શ્રી રાજનાથ સિંહે યુવા પેઢીને ભારતનો ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસા પ્રત્યે વધુ જાગ્રત બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે યુવાનોમાં વધેલી જાગૃતિ રાષ્ટ્રીય ચેતનાને મજબૂત બનાવવામાં યોગદાન આપશે અને વિશ્વમાં ભારતના સ્થાન પ્રત્યે આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરશે. તેમણે યુવાનોને ભારતના આર્થિક, સામાજિક અને ટેકનોલોજીકલ પરિવર્તનમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું અને કહ્યું હતું કે એક આત્મવિશ્વાસુ, સક્ષમ અને સામાજિક રીતે સમાવેશી ભારત વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી શકે છે અને વિશ્વના ભવિષ્યને આકાર આપવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
આજના સમયમાં મીડિયાની અગત્યની ભૂમિકા વિશે બોલતાં રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે પત્રકારત્વને યોગ્ય રીતે જ લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે. તેમણે સ્વતંત્ર અને નિષ્પક્ષ પ્રેસને જવાબદારી સુનિશ્ચિત કરવા માટેનું એક સૌથી મજબૂત માધ્યમ ગણાવ્યું હતું. તેમણે કહ્યું, “મીડિયાની ભૂમિકા માત્ર સમાચાર આપવા પૂરતી સીમિત નથી. અઘરા પ્રશ્નો પૂછવા, લોકો સામે સત્ય લાવવું અને સત્તામાં બેઠેલા લોકોને જવાબદાર ઠેરવવા એ પણ તેની ભૂમિકા છે.”


