Homerevoinewsઅમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલઃ ‘વાદ’ની વૈચારિક મર્યાદાઓ અને ભારતીય ચિંતન પર સંવાદ

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલઃ ‘વાદ’ની વૈચારિક મર્યાદાઓ અને ભારતીય ચિંતન પર સંવાદ

  • ‘અહમ’માંથી ‘વયમ’ તરફની યાત્રા જ વૈચારિક સંવાદનો માર્ગ: ભાનુ ચૌહાણ

અમદાવાદ, 27 ઑક્ટોબર, 2026: Ahmedabad International Book Festival અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને નેશનલ બુક ટ્રસ્ટ (NBT) દ્વારા આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2026ના ત્રીજા દિવસે સોમવારે ‘વિચાર મંથન’ સેશનમાં લેખક અને સાધના સાપ્તાહિકના સંપાદક ભાનુ ચૌહાણે વિચાર મંથન વ્યાખ્યાનમાળામાં ‘વાદ (Ism)’ અને અહમ (Ego)ની ઉપજ વય (We)’ વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. સત્રમાં તેમણે વિવિધ વિચારધારાઓ સાથે જોડાયેલા ‘વાદ’ની વિભાવના, તેના કારણે ઊભી થતી વૈચારિક સંકુચિતતા અને ભારતીય ચિંતન પરંપરામાં રહેલી વ્યાપક સ્વીકારભાવનાના સંદર્ભમાં ચર્ચા કરી હતી.

ભાનુ ચૌહાણે જણાવ્યું હતું કે વિવિધ વિચારધારાઓને ‘ઇઝમ’ના ચોકઠામાં મૂકવાની પ્રક્રિયા ઘણી વખત તેમના મૂળભૂત અર્થ અને વ્યાપકતાને મર્યાદિત કરે છે. તેમના મતે, વિચારધારાઓ પ્રત્યેનો અતિશય આગ્રહ વ્યક્તિ અને સમાજમાં વૈચારિક અહમ ઊભો કરી શકે છે. જ્યારે કોઈ એક વિચારને જ સર્વોપરી માનવામાં આવે છે, ત્યારે અન્ય વિચારોને સાંભળવા, સમજવા અને સ્વીકારવાની શક્યતાઓ સંકુચિત થવા લાગે છે. તેમણે આ સંદર્ભમાં ‘ઇઝમ’ આધારિત વિચારસરણી અને વ્યાપક વૈચારિક વિમર્શ વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો.

Ahmedabad International Book Festival: A Dialogue on the Ideological Limitations of ‘Isms’ and Indian Thought
Ahmedabad International Book Festival: A Dialogue on the Ideological Limitations of ‘Isms’ and Indian Thought

તેમણે વિવિધ ધાર્મિક અને વૈચારિક પરંપરાઓને એક જ માપદંડથી મૂલવવાને બદલે તેમની વિશિષ્ટતાઓ અને તાત્ત્વિક આધારને સમજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સેશન દરમિયાન તેમણે ‘હિંદુઇઝમ’, ‘સેક્યુલરિઝમ’, ‘સોશિયાલિઝમ’ અને ‘કમ્યુનિઝમ’ જેવા શબ્દોના સંદર્ભમાં ચર્ચા કરતાં જણાવ્યું હતું કે કોઈ પણ વિચારધારાનું મૂલ્યાંકન માત્ર તેના નામ કે લેબલના આધારે નહીં, પરંતુ તેના મૂળભૂત સિદ્ધાંતો, સામાજિક અસરો અને વ્યવહારિક પરિણામોના આધારે થવું જોઈએ.

ભારતીય બંધારણ, તેની પ્રસ્તાવના અને તેમાં સમાવિષ્ટ ‘સેક્યુલર’ તથા ‘સોશિયાલિસ્ટ’ શબ્દોના ઐતિહાસિક સંદર્ભને સ્પર્શતાં તેમણે ભારતીય વિચારપરંપરા અને પશ્ચિમી રાજકીય વિચારધારાઓ વચ્ચેના સંબંધો અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમણે ધર્મ, ન્યાય અને સામાજિક વ્યવસ્થાને લગતાં વિવિધ સંદર્ભો દ્વારા ભારતીય સંસ્થાકીય તથા સાંસ્કૃતિક પરંપરામાં રહેલા વિચારમૂલ્યો અંગે ચર્ચા કરી હતી.

ભાનુ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ વિચારધારા જ્યારે પોતાની મર્યાદાઓને પાર કરીને કટ્ટર આગ્રહનું સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે તે સામાજિક સંવાદ અને સહઅસ્તિત્વ માટે પડકાર ઊભો કરી શકે છે. તેમણે સામ્યવાદ અને અન્ય વૈચારિક પ્રવાહોના ઉદાહરણો આપીને વિચારધારાઓના સિદ્ધાંતો તથા તેમના વ્યવહારિક અમલીકરણ વચ્ચેના અંતરને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમના મતે, સમાજના ભોગે કોઈ પણ સત્તાકેન્દ્રિત વ્યવસ્થા લાંબા ગાળે ટકાઉ બની શકે કે કેમ, તે અંગે ગંભીરતાથી વિચારવું જરૂરી છે.

આ પણ વાંચોઃ સૈન્ય અધિકારી અંગેનો વાયરલ વીડિયો નકલી, ભારતીય સેનાએ અસલ નિવેદન પોસ્ટ કર્યું

સેશનનો મુખ્ય વિચાર ‘અહમ’માંથી ‘વયમ’ તરફની યાત્રા રહ્યો હતો. ભાનુ ચૌહાણે સમજાવ્યું હતું કે વ્યક્તિગત કે વૈચારિક શ્રેષ્ઠતાના આગ્રહને બદલે સામૂહિક ચેતના, પરસ્પર સન્માન અને સહઅસ્તિત્વને પ્રાધાન્ય આપવું સમયની આવશ્યકતા છે. તેમણે ભારતીય સંસ્કૃતિના ‘વસુધૈવ કુટુમ્બકમ્’ના વિચારનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે જોવાની દૃષ્ટિ વૈશ્વિક સ્તરે સંવાદ અને સહકાર માટે પ્રેરક બની શકે છે.

આ સંદર્ભમાં તેમણે ‘એકોહમ્ બહુસ્યામ્’ અને ‘આ નો ભદ્રાઃ ક્રતવો યન્તુ વિશ્વતઃ’ જેવા ભારતીય પરંપરાના સૂત્રોનો ઉલ્લેખ કર્યો હતો. તેમના મતે, વિશ્વના વિવિધ ભાગોમાંથી શ્રેષ્ઠ વિચારોને આવકારવાની અને તેમાંથી સારતત્ત્વ ગ્રહણ કરવાની વૃત્તિ ભારતીય ચિંતનની વ્યાપકતાને દર્શાવે છે. તેમણે ‘વી ધ પીપલ’ની ભાવના સાથે ‘અહમ’ને બદલે ‘વયમ’ની સામૂહિક ચેતના વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

સેશન દરમિયાન વૈશ્વિકીકરણ, આતંકવાદ, સામાજિક વિભાજન અને વૈચારિક કટ્ટરતા જેવા મુદ્દાઓના સંદર્ભમાં પણ ચર્ચા થઈ હતી. ચૌહાણે પોતાના વિચારો રજૂ કરતાં જણાવ્યું હતું કે માનવજાત સામેના અનેક પડકારોનો સામનો કરવા માટે સંકુચિત ઓળખ અને વિચારધારાકીય આગ્રહથી આગળ વધીને વ્યાપક માનવીય દૃષ્ટિકોણ વિકસાવવો જરૂરી છે.

‘વિચાર મંથન’ સત્રે વિચારધારાઓના મૂળભૂત અર્થ, તેમની સામાજિક અસર અને ભારતીય ચિંતન પરંપરામાં રહેલી સમન્વયની ભાવના અંગે શ્રોતાઓ સમક્ષ ચર્ચાના અનેક મુદ્દાઓ રજૂ કર્યા હતા. ‘ઇઝમ’ના આગ્રહથી આગળ વધીને સામૂહિક ચેતના, સંવાદ અને સહઅસ્તિત્વને કેન્દ્રમાં રાખતી વિચારસરણી વિકસાવવાનો સંદેશ આ સત્રનો મુખ્ય સાર રહ્યો હતો.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular