ઈસ્લામાબાદ, 5 નવેમ્બર 2026: પાકિસ્તાનના જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા પોતાની પત્ની બુશરા બીબીના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પીટીઆઈના વરિષ્ઠ નેતા અને જાણીતા વકીલ ગોહર અલી ખાને અદિયાલા જેલ ખાતે ઇમરાન ખાન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ઇમરાન ખાને વકીલોને બુશરા બીબીને બચાવવા માટે તાત્કાલિક કાનૂની પગલાં લેવાની વિનંતી કરી છે.
જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, ઇમરાન ખાને જણાવ્યું છે કે બુશરા બીબી હાલમાં ભારે મુશ્કેલીમાં છે અને લાંબા સમયથી જેલમાં બંધ હોવાને કારણે ગંભીર રીતે બીમાર છે. તેમને આંખોમાં તકલીફ છે અને જો સમયસર યોગ્ય સારવાર નહીં મળે, તો તેમની તબિયત વધુ બગડી શકે છે. સરકાર આ બાબતે બિલકુલ ધ્યાન આપી રહી નથી. ઇમરાન ખાને પોતાના વકીલોને અન્ય તમામ રાજકીય મુદ્દાઓ બાજુ પર મૂકીને માત્ર બુશરા બીબીના કેસ પર જ પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવા અને કોર્ટમાંથી રાહત મેળવવા માટે અપીલ કરી છે.
જેલ મુલાકાત દરમિયાન ઇમરાન ખાને પોતે સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું અને દેશના રાજકીય ઘટનાક્રમો તથા ખૈબર પખ્તુનખ્વા પ્રદેશમાં કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટી અંગે પણ માહિતી હોવાનું કહ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેઓ કોઈપણ સંજોગોમાં સરકાર સામે ઝૂકવાના નથી. આ સાથે તેમણે વકીલો મારફતે પક્ષના કાર્યકરો અને નેતાઓને એક થઈને મજબૂતીથી લડત આપવાનો સંદેશ પણ આપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં પહેલા ઇમરાન ખાન અને ત્યારબાદ બુશરા બીબીની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી બંને અદિયાલા જેલમાં બંધ છે. અગાઉ ઇમરાન ખાને એવો પણ આક્ષેપ કર્યો હતો કે સરકાર તેમને પોતાની પત્નીને મળવા દેતી નથી, જે મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. હાલમાં પાકિસ્તાન સરકાર દ્વારા ઇમરાન ખાનને અદિયાલા જેલમાંથી ઇસ્લામાબાદ જેલમાં શિફ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.


