Homeગુજરાતીદેશ-વિદેશલખનૌમાં રિકવરી એજન્ટોની ક્રૂરતા: EMI માટે યુવકનું અપહરણ કરી બ્લડ બેંકમાં લોહી...

લખનૌમાં રિકવરી એજન્ટોની ક્રૂરતા: EMI માટે યુવકનું અપહરણ કરી બ્લડ બેંકમાં લોહી વેચ્યું

લખનૌ, 15 સપ્ટેમ્બર 2026: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં રિકવરી એજન્ટોની દાદાગીરી અને ક્રૂરતાનો એક હૃદયકંપાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોબાઈલ ફોનના માત્ર એક હપ્તાની રકમ વસૂલવા માટે રિકવરી એજન્ટોએ એક યુવકનું અપહરણ કરી તેને પાંચ દિવસ સુધી બંધક બનાવી રાખ્યો હતો. એટલું જ નહીં, તેને ઢોર માર મારીને ખાવા-પીવાનું પણ આપ્યું નહોતું. સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારો આરોપ એ લાગ્યો છે કે આરોપીઓ યુવકને બ્લડ બેંકમાં લઈ ગયા હતા અને તેનું એક યુનિટ લોહી કઢાવીને વેચી દીધું હતું.

મળતી માહિતી મુજબ, નિગોહા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા નવલ નામના યુવકે સપ્ટેમ્બર 2025 માં ઝીરો ડાઉન પેમેન્ટ પર આશરે 21,000 રૂપિયાનો મોબાઈલ ખરીદ્યો હતો. જેમાંથી માત્ર એક મહિનાનો 2,799 રૂપિયાનો હપ્તો બાકી રહી ગયો હતો. આ રકમની વસૂલાત માટે રિકવરી એજન્ટ શુભમ સિંહ તેના સાથી સાથે નવલના ઘરે પહોંચ્યો હતો અને તેને સ્કૂટી પર બેસાડીને ઉપાડી ગયો હતો.

પરિવારજનોનો દાવો છે કે આરોપીઓએ નવલને અજાણ્યા સ્થળે બંધક બનાવીને ભારે માર માર્યો હતો. તેના ફોનમાંથી પરિવારનો સંપર્ક કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી 2,799 રૂપિયા યુપીઆઈ મારફતે ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં આરોપીઓએ વધુ 12,500 રૂપિયાની માંગણી કરી હતી. પીડિત નવલે ઘરે પરત ફર્યા બાદ આપવીતી જણાવતા કહ્યું કે તેને પાંચ દિવસ સુધી ભૂખ્યો-તરસ્યો રાખવામાં આવ્યો હતો અને બળજબરીથી બ્લડ બેંક લઈ જઈને તેનું લોહી કઢાવીને વેચી દેવામાં આવ્યું હતું.

  • પોલીસની નિષ્ક્રિયતા બાદ ડીસીપીના આદેશથી કેસ દાખલ

યુવકના પિતા રાજકુમારે નિગોહા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પરંતુ સ્થાનિક પોલીસે તાત્કાલિક કોઈ કેસ દાખલ કર્યો ન હતો. બાદમાં પરિવારજનોએ સાઉથ ડીસીપી મો. મુશ્તાક સમક્ષ ગુહાર લગાવી હતી. ડીસીપીના કડક આદેશ બાદ પોલીસે રિકવરી એજન્ટો સામે ગુનો નોંધીને તેમની ધરપકડ માટે ત્રણ ટીમોની રચના કરી છે. આ સાથે જ સ્થાનિક પોલીસની બેદરકારી અંગે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. પોલીસ હાલ બ્લડ બેંક સાથે જોડાયેલા આરોપોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular