પાટણ, 14 જુલાઈ, 2026: રથયાત્રાના બે દિવસ પહેલાં ગુજરાતમાં કેટલાક વધુ આતંકીઓ ઝડપાયા છે. પ્રારંભિક અહેવાલ મુજબ ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં વધુ આશરે 5 શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી છે. અગાઉ આ મહિનાની શરૂઆતમાં ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદ (JeM)ના નેટવર્ક અંગે તપાસ દરમિયાન નવી કડીઓ મળ્યા બાદ એટીએસ દ્વારા આ પાંચની પૂછપરછ માટે અટકાયત કરી છે. તાજેતરની કાર્યવાહી ગુજરાત એટીએસ દ્વારા વાર્ષિક રથયાત્રા પહેલા 8 કથિત સક્રિય સભ્યોની ધરપકડ બાદ કરવામાં આવી છે.
મીડિયા અહેવાલો અનુસાર આ આતંકી નેટવર્કના સિદ્ધપુર તાલુકામાં ઊંડા સંપર્કો હોવાના સંકેત આપતા પુરાવા મળ્યા બાદ આ નવી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. એટીએસની ટીમોએ સિદ્ધપુર તાલુકાના ચતાવડા ગામમાં આરોપી મોહમ્મદ અમીન શેરાના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને તપાસના ભાગરૂપે તેના પરિવારના સભ્યોની પૂછપરછ કરી હતી. અધિકારીઓએ સિદ્ધપુરના જાપલીપોલ સહિતના વ્યાપારી વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી જેથી શેરા દ્વારા ખરીદવામાં આવેલી કથિત શંકાસ્પદ વસ્તુઓનો પત્તો મેળવવા માટે વેપારીઓની પૂછપરછ કરી શકાય.
આ પણ વાંચોઃ ધર્મો રક્ષતિ રક્ષિતઃ આ સૂત્રને ડાંગમાં ચરિતાર્થ કરવાનું બીડું ઝડપ્યું છે એક સંત અને એક ઉદ્યોગપતિએ
આ તપાસ ગઈકાલે સોમવારે મોડી સાંજ સુધી ચાલુ રહી હતી, જેમાં અધિકારીઓ અન્ય વ્યક્તિઓ સાથેના સંભવિત સંબંધોની તપાસ કરી રહ્યા હતા. તપાસ સાથે જોડાયેલા એક અધિકારીએ આઈએનએસ (IANS) સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે, “અમે અમારા ઇન્ટેલિજન્સ ઇનપુટ્સના આધારે તપાસને આગળ ધપાવી રહ્યા છીએ. હાલમાં, આ વ્યક્તિઓને માત્ર પૂછપરછના હેતુથી લાવવામાં આવ્યા છે.” એટીએસ દ્વારા આ તાજેતરની પૂછપરછના સંદર્ભમાં હજી સુધી કોઈ નવી ધરપકડની જાહેરાત કરવામાં આવી નથી.
ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી આઠ આતંકી ઝડપાયા હતા
થોડા દિવસ પહેલાં એટીએસ દ્વારા ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી 8 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે તેઓ પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું ગુજરાતમાં એક સક્રિય નેટવર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એજન્સીના જણાવ્યા અનુસાર તે સમયે બનાસકાંઠા, પાટણ, નવસારી અને દેવાસ જિલ્લામાં સંયુક્ત દરોડા દરમિયાન 7 આરોપીઓની ગુજરાતમાંથી અને 1 આરોપીની મધ્યપ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
એટીએસનો આક્ષેપ છે કે આરોપીઓએ “દારુલ ઈસ્લામ ગુજરાત જૈશ-એ-મોહમ્મદ” નામનું સંગઠન બનાવ્યું હતું અને તેઓ અબ્દુલ્લા તથા મોહમ્મદ ઉમર તરીકે ઓળખાતા પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં હતા. તપાસકર્તાઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે આ જૂથે સંગઠનની વિચારધારા ફેલાવવા માટે જૈશના સાહિત્યનો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો, “વિશ્વાસુ” સભ્યોની ભરતી કરી હતી અને આશરે 3 લાખ રૂપિયાનું ફંડ મેળવ્યું હતું.
ATSએ શું શું જપ્ત કર્યું હતું?
દરોડા દરમિયાન એટીએસ દ્વારા પ્રતિબંધિત સંગઠન સંબંધિત ડિજિટલ સામગ્રી જપ્ત કરવાનો દાવો કરવામાં આવ્યો છે, જેમાં સાહિત્ય, ઓડિયો અને વિડિયો ફાઇલો, જૈશનો ધ્વજ અને આતંકવાદી સંગઠનના સ્થાપક મસૂદ અઝહરને સંબોધીને ઉર્દૂમાં લખેલા પત્રો સામેલ છે. આ 8 આરોપીઓ વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) ની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ, આતંકવાદી કૃત્યો માટે ભંડોળ એકત્ર કરવું, કાવતરું ઘડવું, આતંકવાદી સંગઠનની સદસ્યતા અને આતંકવાદી સંગઠનને સમર્થન આપવા સંબંધિત ગુનાઓ તેમજ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો સામેલ છે. કથિત નેટવર્કની તપાસ ચાલુ હોવાથી અગાઉ તેમને એટીએસની કસ્ટડીમાં સોંપવામાં આવ્યા હતા.


