અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં 1332 નાગરિકોના મોત થયાનો UNમાં ઈરાનનો દાવો
ન્યૂયોર્ક, 7 માર્ચ 2026: ઈરાન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષે હવે ભયાનક વળાંક લીધો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) માં ઈરાનના રાજદૂત અમીર સઈદ ઈરાવાનીએ ચોંકાવનારો દાવો કર્યો છે કે, ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 1332 નિર્દોષ ઈરાની નાગરિકોના મોત થયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. ઈરાની રેડ ક્રેસન્ટ સોસાયટીના આંકડાઓને ટાંકતા તેમણે જણાવ્યું કે આ હુમલાઓમાં 180થી વધુ બાળકોએ જીવ ગુમાવ્યા છે અને 20થી વધુ શાળાઓને ભારે નુકસાન પહોંચ્યું છે.
ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે પત્રકારોને સંબોધતા ઈરાવાનીએ ગંભીર આરોપ લગાવ્યો કે, અમેરિકા અને ઈઝરાયેલ જાણી જોઈને નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે હુમલાખોરો કોઈ પણ ‘રેખા’ માનવા તૈયાર નથી. અત્યાર સુધીમાં 13 આરોગ્ય કેન્દ્રો પર હુમલા થયા છે અને ગુરુવારે તેહરાન સહિત અન્ય શહેરોમાં રમતગમત અને મનોરંજનના સ્થળો પર થયેલા હુમલામાં 18થી વધુ મહિલા ખેલાડીઓના મોત થયા છે.
ઈરાની રાજદૂતે સ્પષ્ટ કર્યું હતું કે ઈરાન યુદ્ધ ઈચ્છતું નથી, પરંતુ સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના અનુચ્છેદ-51 મુજબ પોતાની સંપ્રભુતા અને લોકોની રક્ષા માટે આત્મરક્ષણનો અધિકાર વાપરતું રહેશે. તેમણે અમેરિકા અને ઈઝરાયેલના એ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા હતા જેમાં માત્ર સૈન્ય મથકોને નિશાન બનાવવાની વાત કરવામાં આવી હતી. ઈરાવાનીએ કહ્યું કે, “હુમલાખોરોનો ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોમાં આતંક ફેલાવવાનો અને વિનાશ વેરવાનો છે”.
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ઈરાનના નવા સર્વોચ્ચ નેતાની ચૂંટણી અંગે કરવામાં આવેલી ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા ઈરાવાનીએ તેને આંતરિક મામલામાં હસ્તક્ષેપ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું ઉલ્લંઘન છે અને ઈરાન કોઈ પણ વિદેશી શક્તિને પોતાની આંતરિક બાબતોમાં દખલ કરવા દેશે નહીં.
ઈરાની રાજદૂતે વિશ્વના તમામ સભ્ય દેશોને આ આક્રમકતાની નિંદા કરવા અને પ્રાદેશિક શાંતિ માટે જોખમ બનેલા આ યુદ્ધને રોકવા માટે અપીલ કરી છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને આ બાબતે વિલંબ કર્યા વગર સ્પષ્ટ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.


