બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ એવું તો શું કહ્યું કે મોહન ભાગવતજી હસી પડ્યા?
નાગપુર, 25 એપ્રિલ, 2026 – બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ એવું તો શું કહ્યું કે મોહન ભાગવતજી હસી પડ્યા? આવો પ્રશ્ન કરવાનું કારણ એ છ કે છેલ્લા કેટલાક વર્ષથી હિન્દુઓને જ્ઞાતિ-જાતિના વાડા છોડીને સંગઠિત કરવા માટે પ્રયાસ કરી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાષ્ટ્રના પ્રવાસે છે. એ દરમિયાન તેમણે નાગપુરમાં સંઘ કાર્યાલયની પણ મુલાકાત લીધી હતી અને સભાને સંબોધન કર્યું હતું.
RSS મુખ્યાલય નાગપુર પહોંચેલા બાગેશ્વર ધામ સરકાર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજે લોકોને આહવાન કર્યું કે ચાર બાળકો પેદા કરો અને તેમાંથી એકને સંઘનો સ્વયંસેવક બનાવો, જેથી તેઓ બીજાને બચાવવાના કામમાં આવી શકે. તેમણે કહ્યું કે જ્યારે પણ દેશમાં કોઈ આપત્તિ આવે છે, ત્યારે લોકો પોતાનો જીવ બચાવીને ભાગે છે, પરંતુ RSS ના સ્વયંસેવકો ભાગતા નથી પણ ત્યાં જઈને મદદ કરે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીની વાત સાંભળીને…
તેમણે દેશના લોકોને અપીલ કરતા કહ્યું કે, “બાળકો તો ચાર પેદા કરો પરંતુ એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આપી દો, જેથી તે લોકોને બચાવવાના કામમાં આવી શકે. તમે હસતા રહો, સ્મિત કરતા રહો, જેથી જલ્દી જ અખંડ ભારત થઈ જાય.” ધીરેન્દ્ર શાસ્ત્રીની આ વાત સાંભળીને સ્ટેજ પર હાજર સંઘ પ્રમુખ મોહન ભાગવત, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય સંતો હસી પડ્યા હતા.
આ પણ વાંચોઃ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં પાંચ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો
ભારતનું ગૌરવ જાગશે, ભારત મહાન બનશે
ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોહનજીને સંબોધીને કહ્યું હતું કે, “ભરોસો છે કે તમારા દ્વારા કંઈક મોટું થશે, બાલાજી તમારી પાસે કરાવશે.” તેમની વાત સાંભળીને મોહન ભાગવત સ્ટેજ પરથી જ હાથ જોડવા લાગ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે ભારતનું ગૌરવ જાગશે, ભારત મહાન બનશે. ભારત દુર્ગા મંદિરનું ભૂમિપૂજન થયું છે, અહીં દુર્ગા માતા બિરાજશે. દુર્ગા કાલી સ્વરૂપે જાગશે અને દરેક નારીની અંદર રણચંડીની જેમ તલવાર ઉઠાવીને શસ્ત્ર-શાસ્ત્રની સ્થાપના થશે.
શિવાજી મહારાજનો ઉલ્લેખ
બાગેશ્વર ધામ સરકારે શિવાજી મહારાજનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારે તેઓ યુદ્ધ કરતા કરતા થાકી ગયા હતા ત્યારે સ્વામી રામદાસ મહારાજ પાસે જઈને કહ્યું હતું કે હવે યુદ્ધ નહીં લડે અને તેઓ રાજપાટ સંભાળી લે. ત્યારે રામદાસ સ્વામીએ કહ્યું હતું કે શિષ્ય ગુરુની આજ્ઞા માને છે, તેથી હવેથી તમારે જ રાજ્ય ચલાવવું પડશે.
આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 100 ટકા મતદાન કરવા મતદારોને સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી અપીલ
ભારતના ગૌરવને ફરીથી સ્થાપિત કરવાનો સંકલ્પ
સનાતન એકતા માટે સતત મથી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે સંઘ પ્રમુખોએ ભારતને વિશ્વ પટલ પર સ્થાપિત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેમણે ઉમેર્યું કે માત્ર ભારત જ એક એવો દેશ છે, જ્યાં “ભારત માતાની જય” નો ઉદ્ઘોષ થાય છે. ભારતના ગૌરવને ફરીથી સ્થાપિત કરવાનો સંકલ્પ સંઘ પ્રમુખોએ લીધો છે.


