HomeAgency Newsએક રાતમાં 23 કાશ્મીરી પંડિતોની હત્યાઃ 28 વર્ષે ફરી શરૂ થશે વાંધામા...

એક રાતમાં 23 કાશ્મીરી પંડિતોની હત્યાઃ 28 વર્ષે ફરી શરૂ થશે વાંધામા નરસંહારની તપાસ

શ્રીનગર, 24 ઓગસ્ટ, 2026 – કાશ્મીર ખીણમાં આતંકવાદની ચરમસીમાના તબક્કામાં થયેલી ટાર્ગેટેડ કિલિંગના લાંબા સમયથી પડતર કેસોને ઉકેલવાના પ્રયાસરૂપે જમ્મુ-કાશ્મીર સ્ટેટ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી (SIA)એ 1998ના વાંધામા નરસંહારની તપાસ ફરી શરૂ કરી છે. 28 વર્ષ પહેલાની આ આતંકી ઘટનામાં એક જ રાતમાં 23 કાશ્મીરી પંડિતોની નિર્મમતાથી હત્યા કરવામાં આવી હતી.

અહેવાલ અનુસાર SIA એ તાજેતરમાં આ નરસંહારના સિલસિલામાં કાશ્મીર ઘાટીમાં કેટલીય જગ્યાઓએ દરોડા પાડ્યા છે. તપાસ ટીમ હવે આમાં સામેલ આતંકવાદીઓ અને ઓવર-ગ્રાઉન્ડ વર્કર્સની ઓળખ કરવા, તેમની ભૂમિકાઓની ભાળ મેળવવા અને નવા પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.

શું હતો એ અમાનવીય નરસંહાર?

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ 25 જાન્યુઆરી 1998ની રાત્રે અને રમઝાનમાં શબ-એ-કદર દરમિયાન મોટી માત્રામાં હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ નરસંહાર કર્યો હતો. આતંકીઓ ગાંદરબલ જિલ્લાના વાંધામા ગામમાં બચેલા કાશ્મીરી પંડિત પરિવારોના ઘરોમાં ઘૂસી ગયા હતા. તેમણે ત્યાં 9 મહિલાઓ અને 4 બાળકો સહિત 23 લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ હુમલાએ ગામમાં હિન્દુઓની લગભગ આખી વસ્તીને ખતમ કરી દીધી હતી. માત્ર એક કિશોર જ જીવતો બચી શક્યો હતો. ગાંદરબલ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ હોવા છતાં આ કેસ લગભગ ત્રણ દાયકા સુધી અણઉકેલાયેલો રહ્યો હતો.

આ પણ વાંચોઃ વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસ નિમિત્તે પાંચ મહાનુભાવોનું સન્માન
જસ્ટિસ ગંજૂ અને વકીલ ટપલૂની હત્યાની પણ તપાસ

વાંધામા તપાસની સાથે સાથે SIA એ આતંકવાદના પ્રારંભિક તબક્કામાં થયેલી કાશ્મીરી પંડિતોની બીજી બે હાઈ-પ્રોફાઈલ હત્યાઓની તપાસ પણ ઝડપી બનાવી દીધી છે. પહેલી ઘટના 13 સપ્ટેમ્બર 1989ની છે, જેમાં જમ્મુ-કાશ્મીરમાં BJPના તત્કાલીન ઉપાધ્યક્ષ અને જાણીતા વકીલ ટીકા લાલ ટપલૂની હત્યા કરવામાં આવી હતી. તેમને શ્રીનગરમાં તેમના ઘર પાસે ગોળી મારી દેવામાં આવી હતી. આ તે પ્રારંભિક ટાર્ગેટેડ હુમલાઓમાંથી એક હતો જેણે હિન્દુઓ વિરુદ્ધના અભિયાનની શરૂઆતનો સંકેત આપ્યો હતો.

બીજી ઘટના 4 નવેમ્બર 1989ની છે, જેમાં જસ્ટિસ નીલકંઠ ગંજૂની હત્યા કરી દેવાઈ હતી. તેઓ નિવૃત્ત જજ હતા જેમણે JKLF ના સ્થાપક મકબૂલ ભટને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. જસ્ટિસ ગંજૂની હત્યા શ્રીનગરની હરિ સિંહ સ્ટ્રીટ પર આતંકવાદીઓએ ગોળી મારીને કરી હતી.

સરલા ભટની હત્યાના કેસમાં ચાર્જશીટ દાખલ

આ પગલાં જૂના કેસોમાં થયેલી મહત્વપૂર્ણ પ્રગતિ બાદ ઉઠાવવામાં આવ્યા છે. જૂન 2026માં SIAએ કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટના 1990માં થયેલા અપહરણ, ટોર્ચર અને હત્યાના કેસમાં 737 પાનાની એક ડિટેઇલ્ડ ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં જેલમાં બંધ JKLF ચીફ યાસીન મલિક અને અન્ય લોકોને આરોપી બનાવાયા હતા. ઓગસ્ટમાં એજન્સીએ લેખક અને સોશિયલ વર્કર સરવાનંદ કૌલ પ્રેમી અને તેમના પુત્ર વીરેન્દ્ર કૌલની 1990માં થયેલી બેવડી હત્યાના કેસમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં નવ જગ્યાઓ પર તલાશી લીધી હતી. અધિકારીઓનું કહેવું છે કે કેટલીય ફરીથી ખોલવામાં આવેલી તપાસમાં દોષિતો અને મદદગારોની ઓળખ કરવામાં મોટી સફળતા મળી છે, ભલે કેટલાક શંકાસ્પદોનું અવસાન થઈ ચૂક્યું હોય કે ફરાર હોય.

મનોજ સિન્હાએ આપ્યો ન્યાયનો ભરોસો

આતંકવાદ સાથે જોડાયેલા આ અણઉકેલાયેલા કેસો પર ફરીથી ધ્યાન આપવા અંગે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા દ્વારા વારંવાર આશ્વાસન આપવામાં આવેલું છે. તેમણે કહ્યું હતું કે આતંકવાદના દરેક પીડિત પરિવારને ન્યાય મળશે. ઉપરાજ્યપાલ સિન્હાએ સતત એ વાત પર ભાર મૂક્યો છે કે જવાબદેહી અને પુનર્વસન માટેની લાંબો વિલંબ હવે પૂરો થઈ રહ્યો છે. તેમણે કહ્યું છે કે વહીવટીતંત્ર એ સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે કે આતંકવાદથી પ્રભાવિત દરેક પાત્ર પરિવારને મદદ મળે અને દોષિતોને જવાબદાર ઠેરવવા માટે પડતર કેસોની તપાસ કરવામાં આવે. LG સિન્હાએ કહ્યું છે કે જ્યાં સુધી દરેક પરિવારને ન્યાય નહીં મળી જાય ત્યાં સુધી અમે જંપીને નહીં બેસીએ.

વહીવટીતંત્રે ઉઠાવ્યા મોટા પગલાં

LG વહીવટીતંત્રે કેટલાક નક્કર પગલાં પણ ઉઠાવ્યા છે, જેમાં પીડિતના પરિવારના સભ્યોને સરકારી નોકરી આપવી, જે કેસોમાં FIR નોંધાઈ નહોતી તેમાં FIR નોંધવી, કબજો કરવામાં આવેલી મિલકતો પરત અપાવવી અને તે ટેરર ઈકોસિસ્ટમને ખતમ કરવી સામેલ છે જેણે ક્યારેક પીડિતોના અવાજને દબાવી દીધો હતો. તપાસકર્તાઓ પુરાવાઓની તપાસ, લોકોની પૂછપરછ અને તપાસ ચાલુ રાખી રહ્યા છે જેથી દોષિતોને સજા અપાવી શકાય.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular