સંયુક્ત રાષ્ટ્ર (ન્યૂયોર્ક), 20 ઓગસ્ટ, 2026 – યુએન સુરક્ષા પરિષદનો ઉપયોગ આતંકવાદ અથવા આતંકવાદીઓની તરફેણ કરવા માટે ન થવો જોઈએ તેમ ભારતે યુએનના મંચ ઉપર સ્પષ્ટ કર્યું છે. ભારતે બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના પ્રતિબંધો સંબંધિત નિર્ણયોમાં વધુ પારદર્શિતા અને નિષ્પક્ષતાની માંગ કરી હતી.
ભારતે જણાવ્યું હતું કે આ શક્તિશાળી સંસ્થાના સભ્યપદનો ઉપયોગ આતંકવાદીઓને યોગ્ય ઠેરવવા માટે ન થવો જોઈએ. આ વાત પાકિસ્તાનની આતંકવાદ સામે લડવાની ભૂમિકા પર પરોક્ષ રીતે કરવામાં આવેલી ટીકા હતી.
બુધવારે પરિષદની કામગીરીની પદ્ધતિઓ પર યોજાયેલી ખુલ્લી ચર્ચામાં સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતના પ્રભારી રાજદૂત યોજના પટેલે જણાવ્યું હતું કે સુરક્ષા પરિષદનું સભ્યપદ સંકુચિત રાજકીય હિતો સાધવાનું મંચ ન બનવું જોઈએ.
ભારતે શું કહ્યું?
સમાચાર એજન્સી ANI અનુસાર ભારતીય પ્રતિનિધિએ કહ્યું કે “સુરક્ષા પરિષદના સભ્યપદનો ઉપયોગ આતંકવાદીઓને યોગ્ય ઠેરવવા માટે ન થવો જોઈએ. તેમને યાદીમાંથી હટાવવાનો પ્રયાસ હોય કે પછી કોઈ નક્કર આધાર કે દસ્તાવેજ વિના માત્ર રાજકીય કારણોસર અન્ય કોઈ સંસ્થાને આતંકવાદી સંગઠન જાહેર કરવાનું હોય.”
Statement by Cd’A @PatelYojna at the @UN Security Council Open Debate on Working Methods
Full statement – https://t.co/zJIW39Gpuq @MEAIndia @IndianDiplomacy @PIB_India @PMOIndia pic.twitter.com/yG6CPhB1lq
— India at UN, NY (@IndiaUNNewYork) August 19, 2026
પારદર્શિતાના અભાવની ટીકા
ભારત લાંબા સમયથી આંતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનોને નામાંકિત કરવાના પ્રસ્તાવમાં પારદર્શિતાના અભાવની ટીકા કરતું રહ્યું છે. જોકે મંજૂર કરાયેલી યાદીઓને જાહેર કરવામાં આવે છે, પરંતુ ભારતે એ બાબત તરફ ઈશારો કર્યો છે કે પ્રસ્તાવોને શા માટે રદ કરવામાં આવે છે અથવા તેમના પર ટેકનિકલ રોક શા માટે લગાવવામાં આવે છે, તેનાં કારણો જણાવવામાં આવતા નથી.
ભારતે કોના તરફ ઈશારો કર્યો?
ભારતે અગાઉ પણ આ પ્રક્રિયાને છૂપો વીટો કહ્યો છે અને ખાસ કરીને અલ-કાયદા પ્રતિબંધ સમિતિની કામગીરીની ટીકા કરી છે. પાકિસ્તાનમાં મોજૂદ આંતંકવાદીઓને નામાંકિત કરવાના ભારતના પ્રયાસોનો પણ વિરોધ થયો છે. પરિષદના કાયમી સભ્ય ચીને કેટલાક પ્રસ્તાવોને રોકી દીધા છે અથવા તેમના પર હોલ્ડ લગાવી દીધો છે.
UNSCની પ્રક્રિયાઓમાં પારદર્શિતાની માંગ
ભારતીય રાજદ્વારીએ કાઉન્સિલની સહાયક સંસ્થાઓના અધ્યક્ષો અને ઉપાધ્યક્ષોની નિમણૂકમાં થઈ રહેલા વિલંબ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. વર્ષ 2026ના 8 મહિના વીતી ગયા પછી પણ ઘણા પદો ખાલી પડ્યા છે, જેમાં અલ-કાયદા અને તાલિબાન પ્રતિબંધ સમિતિઓની દેખરેખ રાખતા પદો પણ શામેલ છે.
તેમણે નિમણૂકો પૂરી કરવા માટે એક ચોક્કસ અને વિના સમજોતાવાળી સમયસીમા નક્કી કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે વિલંબથી સહાયક સંસ્થાઓની કામગીરી પર અસર પડી છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવની પસંદગી સહિતની પ્રમુખ પ્રક્રિયાઓમાં કાઉન્સિલના ચૂંટાયેલા, બિન-કાયમી સભ્યોની વધુ ભાગીદારીની પણ માંગ કરી હતી.
પટેલે દલીલ કરી હતી કે કાઉન્સિલના માળખા અને કામગીરીની પદ્ધતિઓમાં 1945 (જ્યારે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ હતી) પછીથી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં આવેલા ફેરફારોને સમાવવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે ત્યારથી સંયુક્ત રાષ્ટ્રના સભ્યપદમાં 4 ગણો વધારો થયો છે. પટેલે કહ્યું, “1945ની દુનિયા હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.”
તેમણે ઉમેર્યું, “80 વર્ષ પહેલાં થયેલા એક સંઘર્ષનું પરિણામ હંમેશા માટે કાઉન્સિલની રચના, કામગીરીના તોર-તરીકા, દ્રષ્ટિકોણ અને કાર્યપ્રણાલી નક્કી કરી શકે નહીં. તેમાં ફેરફારની જરૂર છે અને તે વહેલામાં વહેલી તકે થવો જોઈએ.”


