1. Home
  2. revoinews
  3. આગામી એશિયન ગેમ્સમાં ગુજરાતના 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે
આગામી એશિયન ગેમ્સમાં ગુજરાતના 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે

આગામી એશિયન ગેમ્સમાં ગુજરાતના 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે

0
Social Share

વર્ષ 2014માં યોજાયેલી એશિયન ગેમ્સમાં ગુજરાતમાંથી માત્ર ત્રણ ખેલાડીઓએ ભાગ લીધો હતો. 12 વર્ષ પછી આ સંખ્યા વધીને ત્રણ ઘણી થઇ ગઇ. જાપાનમાં યોજાનારી આગામી એશિયન ગેમ્સમાં ગુજરાતનાં નવ ખેલાડીઓ અને એક રિઝર્વ ખેલાડી ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ગાંધીનગર, 27 જુલાઈ, 2026 – આગામી એશિયન ગેમ્સમાં ગુજરાતના 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ગુજરાતનો રમતગમતનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. વર્ષ 2014માં 17મી એશિયન ગેમ્સમાં ગુજરાતમાંથી માત્ર ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું પણ આજે રાજ્યે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. જાપાનના આઈચી-નાગોયા ખાતે 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાનારી આગામી 20મી એશિયન ગેમ્સ માટે ગુજરાતમાંથી 9 સભ્યોની મજબૂત ટુકડી — અને એક હાઈ-વેલ્યુ રિઝર્વ ખેલાડી — પસંદગી પામ્યા છે. ગુજરાત માટે ખરેખર આ એક ગૌરવની ક્ષણ છે.

 

  • “ગુજરાતમાંથી ખેલાડીઓની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિભા વિકસે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભથી લઇ શક્તિદૂત યોજના’ અમલમાં મૂકી હતી. આ પ્રયાસોનાં પરિણામો હવે મળી રહ્યાં છે. ગુજરાત હવે સ્પોર્ટ્સ માટે ગ્લોબલ પાવરહાઉસ બની રહ્યું છે,’’ *નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

એશિયન ગેમ્સ જેવી મહત્વની સ્પર્ધામાં ગુજરાતમાંથી આટલી મોટી સંખ્યામાં ખેલાડીઓની પસંદગી દર્શાવે છે કે, રમત-ગમત ક્ષેત્રે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ નાંખેલો પાયો મજબૂત છે અને તેના ફળ હવે મળી રહ્યાં છે. એટલું નહીં પણ ગુજરાત હવે માત્ર ક્રિકેટપ્રેમી રાજ્ય મટીને મલ્ટી-સ્પોર્ટ્સનું પાવરહાઉસ બની ગયું છે.

ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરાયેલા ગુજરાતના ખેલાડીઓમાં વિવિધ રમતોના અનુભવી ચેમ્પિયન્સ અને ઉત્સાહી યુવા પ્રતિભાઓનું શાનદાર મિશ્રણ જોવા મળે છે:

પસંદગી પામેલા ખેલાડીઓ વિવિધ રમતગમત ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય રમતોમાં ગુજરાતના વધતા પ્રદાનને દર્શાવે છે. રાજ્યની આ ટુકડીમાં શૂટર ઈલાવેનિલ વલારિવન, ટેબલ ટેનિસ ખેલાડીઓ હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને માનુષ શાહ, સોફ્ટ ટેનિસ ખેલાડી અનિકેટ પટેલ, તરણવીર આર્યન નેહરા, ટેનિસ ખેલાડીઓ અંકિતા રૈના અને વૈદેહી ચૌધરી તેમજ સ્પ્રિન્ટર (દોડવીર) દેવયાની ઝાલાનો સમાવેશ થાય છે. ટેનિસ ખેલાડી જીલ દેસાઈની રિઝર્વ ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી છે.

આ સફળતા પાછળનો ‘ગેમ પ્લાન’

રમતગમત ક્ષેત્રે આ તેજી રાતોરાત નથી આવી. તે લાંબાગાળાની વ્યૂહરચનાનું ઉત્કૃષ્ટ પરિણામ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ‘શક્તિદૂત યોજના’ જેવી યોજનાઓ અમલમાં મૂકી પાયાનું કામ કર્યું. સ્થાનિક સ્તરેથી રમત પ્રતિભાઓ ગુજરાતને મળી અને હવે તે આંતરરાષ્ટ્રિય સ્તરે ઝળકી રહી છે. આ વારસાને આગળ ધપાવતા, વર્તમાન સરકારે પણ આ વેગને જાળવી રાખ્યો છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત વિશ્વસ્તરીય રમતગમત સંસ્કૃતિના નિર્માણ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અમે માત્ર ખેલાડીઓને તાલીમ જ નથી આપી રહ્યા, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરવા માટે આખી એક ઇકોસિસ્ટમ તૈયાર કરી રહ્યા છીએ.”

શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વર્ષ 2030માં ગુજરાત કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે. આ માટે વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે.

છેલ્લા એક દાયકામાં ગુજરાતે ઓલિમ્પિક, કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં પોતાનું પ્રતિનિધિત્વ સતત વધાર્યું છે. હવે સૌની નજર આગામી મહિનાઓમાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભાગ લેનારા ગુજરાતનાં ખેલાડીઓ પર રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code