Homeગુજરાતીટેકનોલોજીલાલ કિલ્લા પરથી PM મોદીનું યુવાઓ માટે એલાન, વિકસિત ભારતના નિર્માણમાં યુવાઓ...

લાલ કિલ્લા પરથી PM મોદીનું યુવાઓ માટે એલાન, વિકસિત ભારતના નિર્માણમાં યુવાઓ બનશે સૌથી મોટા ભાગીદાર

નવી દિલ્હી, 15 ઓગસ્ટ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી દેશના યુવાઓને વિકસિત ભારતના નિર્માણની સૌથી મોટી તાકાત ગણાવતા અનેક મોટી જાહેરાતો કરી છે. પીએમ મોદીએ જણાવ્યું કે સરકારે શિક્ષણ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), સ્ટાર્ટઅપ, સ્કિલ ડેવલપમેન્ટ અને રમતગમતના ક્ષેત્રમાં યુવાઓ માટે અનંત તકો ઊભી કરી છે. આગામી એક વર્ષમાં 1 કરોડ લોકોને AI સ્કિલ આપવા અને ફ્રી ઓનલાઈન કોચિંગનું વિશાળ નેટવર્ક ઊભું કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.

દેશમાં વધતી જતી મોંઘી કોચિંગ ક્લાસીસની સ્પર્ધા વચ્ચે દરેક પરિવાર પર રહેલા આર્થિક ભારણ અંગે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, “આપણે આ માનસિકતા બદલવી પડશે. વિદ્યાર્થીઓ માટે ફ્રી ઓનલાઈન કોચિંગનું એક વ્યાપક નેટવર્ક ઊભું કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ પણ બાળક સંસાધનોના અભાવે પાછળ ન રહે.” આ સાથે જ ટેકનોલોજીની દુનિયામાં ભારત આગળ રહે તે માટે આગામી એક વર્ષમાં 1 કરોડ યુવાઓને AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) સ્કિલ ટ્રેનિંગ આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેથી ભારતીય યુવાઓ માત્ર AIમાં ભાગીદાર ન રહે પરંતુ તેનું નેતૃત્વ કરે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું કે છેલ્લા 10 વર્ષોમાં દેશમાં 650થી વધુ નવી યુનિવર્સિટીઓ જોડાઈ છે. વર્ષ 2014 પહેલા જ્યાં દેશમાં મેડિકલની માત્ર 400 સીટો હતી, તે આજે વધીને 850થી વધુ થઈ ગઈ છે. આ ઉપરાંત વિદેશી યુનિવર્સિટીઓ પણ હવે ભારતમાં આવી રહી છે, જેનાથી આપણા યુવાઓને ઉચ્ચ શિક્ષણ માટે દેશમાં જ ઉત્તમ તકો મળી રહી છે.

સ્ટાર્ટઅપ, સસ્તો ડેટા અને કૌશલ્ય વિકાસથી યુવાઓને નવી તાકાત

‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ અને ‘સ્કિલ ઈન્ડિયા’ અભિયાનની પ્રશંસા કરતા પીએમ મોદીએ યુવાઓને પ્રેરણા આપી કે, “તમે સપનાં લઈને આગળ આવો, સરકાર સંસાધનોની કમી નહીં પડવા દે.” દેશમાં ઉપલબ્ધ સસ્તા ડેટાએ યુવાઓને ડિજિટલ યુગમાં આગળ વધવાની નવી તાકાત આપી છે.

રમતગમત અંગે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે ભારત 2036 ઓલિમ્પિક્સ અને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે મજબૂત દાવેદાર છે. ઓલિમ્પિક્સની આશરે 40 રમતો અને 350 સ્પર્ધાઓમાંથી ભારત અનેક સ્પર્ધાઓમાં ક્વોલિફાય પણ નથી કરી શકતું તે હકીકત સ્વીકારીને તેમણે પડકાર ફેંક્યો કે આપણે હવે આ સ્થિતિ બદલવી છે.

આ માટે 5 થી 15 વર્ષની વય જૂથના બાળકો માટે ગામડે-ગામડે અને શાળાએ-શાળાએ ‘ટેલેન્ટ હંટ’ ચલાવવામાં આવશે, જેથી દેશના અંતરિયાળ વિસ્તારોમાંથી પણ રમતગમતની કાચી પ્રતિભાઓને શોધીને તેમને વર્લ્ડ ક્લાસ ટ્રેનિંગ આપી શકાય. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે દેશના વિકાસમાં યુવાઓ જ સૌથી મોટા સાધક અને સૌથી મોટા લાભાર્થી છે, તેથી યુવાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી એ સરકારનું મુખ્ય લક્ષ્ય છે.

સંબંધિત લેખો

Most Popular