ઈસ્લામાબાદ, 24 સપ્ટેમ્બર 2026: પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા અને ઉત્તેજના ચરમસીમાએ પહોંચી છે. ઈમરાન ખાનની જેલમુક્તિ માટે પીટીઆઈએ આરપારની લડાઈનું એલાન કર્યું છે. પ્રદર્શનકારીઓને રાજધાનીમાં પ્રવેશતા રોકવા માટે સરકારે ઈસ્લામાબાદના તમામ પ્રમુખ રસ્તાઓ પર કન્ટેનર ગોઠવી દીધા છે. એટલું જ નહીં, કેટલીક જગ્યાએ તો કન્ટેનરોને એકબીજા સાથે વેલ્ડિંગ કરીને કાયમી ધોરણે રસ્તાઓ બ્લોક કરી દેવાયા છે. સરકાર અને સેનાની પૂરી કોશિશ છે કે પીટીઆઈના કાર્યકરો કોઈ પણ ભોગે ઈસ્લામાબાદમાં પ્રવેશી ન શકે.
સ્થાનિક અહેવાલો મુજબ, પીટીઆઈના કાર્યકરો અને સમર્થકો સમગ્ર પાકિસ્તાનમાંથી ભાડેથી બુલડોઝર અને ક્રેન એકઠા કરી રહ્યા છે. સેના અને સરકારે રસ્તા પર મૂકેલા કન્ટેનરો અને બેરિકેડ્સને તોડી પાડીને ઈસ્લામાબાદમાં પ્રવેશવા માટે આ ભારે મશીનરીનો ઉપયોગ કરવામાં આવશે. પીટીઆઈ નેતા નઈમ હૈદર પંજુથાએ જણાવ્યું હતું કે, “સરકારે આખા ઈસ્લામાબાદને લોક કરી દીધું છે. અમે તેને ખોલીને જ રહીશું અને કોઈપણ સંજોગોમાં રાજધાનીને બંધ નહીં રહેવા દઈએ.”
આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી કરી રહ્યા છે, જેમણે ખૈબરથી ઈસ્લામાબાદ સુધી મોટો માર્ચ યોજવાની જાહેરાત કરી છે. બીજી તરફ, પાકિસ્તાનના અખબાર ‘ડ્રોન’ અનુસાર, સરકાર અને સેનાએ પીટીઆઈ નેતાઓને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તેઓ કાયદો હાથમાં લેશે તો તેમને કડક સબક શીખવવામાં આવશે.
-
2024 કરતા પણ મોટા પ્રદર્શનનું આયોજન
પીટીઆઈ આ વખતે 2024 કરતા પણ મોટા પાયે પ્રદર્શન કરવાની તૈયારીમાં છે જેથી સરકાર પર મોટું દબાણ ઊભું કરી શકાય. ઈમરાન ખાન ૨૦૨૩થી અડિયાલા જેલમાં બંધ છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાનો આદેશ આપ્યો હતો, પરંતુ શહબાઝ શરીફ સરકારે કોર્ટના આ આદેશનો પણ અમલ કર્યો ન હતો. ‘ફાઇનાન્શિયલ ટાઇમ્સ’ના રિપોર્ટ મુજબ, પાકિસ્તાનની જનતા આસિમ મુનીરના નેતૃત્વ હેઠળની સેનાના અપ્રત્યક્ષ શાસનથી કંટાળી ચૂકી છે અને ઈમરાન ખાનની લોકપ્રિયતા હજુ પણ બરાબર અકબંધ છે.
-
ઈમરાન ખાન જેલમાં કેમ છે?
સત્તા પરથી હટાવ્યા બાદ ઈમરાન ખાને પાકિસ્તાન સેના અને તેના રાજકીય હસ્તક્ષેપ વિરુદ્ધ ખુલ્લેઆમ બળવો પોકાર્યો હતો. 2023 માં ભ્રષ્ટાચારના આરોપો હેઠળ તેમની અને તેમની પત્ની બુશરા બીબીની ધરપકડ કરવામાં આવી હતી. ઈમરાન ખાનનો આરોપ છે કે સેનાપ્રમુખ આસિમ મુનીરના ઈશારે જ તેમના કેસોને કોર્ટમાં જાણી જોઈને લટકાવી રાખવામાં આવે છે જેથી તેમને ન્યાય ન મળે.


